બીલેશ્વરનું મંદિર
January, 2000
બીલેશ્વરનું મંદિર : ગુજરાત રાજ્યમાં પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકામાં બિલ્વગંગા નદીકિનારે બીલેશ્વર ગામમાં આવેલું મહાદેવનું મંદિર. તેનો સમય સાતમી સદીના પ્રારંભનો હોવાનું જણાય છે.
તલમાનના તેના ભાગોમાં ગર્ભગૃહ, પ્રદક્ષિણાપથ અને ગૂઢમંડપનો સમાવેશ થાય છે. ગર્ભગૃહમાં મોટા કદના શિવલિંગની પ્રતિષ્ઠા કરેલી છે. ગર્ભગૃહની દ્વારશાખા પાછળના સમયની છે. ગૂઢમંડપ લંબચોરસ આકારનો છે. મંદિરના અધિષ્ઠાનના થરો કદવારના વરાહના મંદિર સાથે મળતા આવે છે. મંદિરની દીવાલો અર્ધ-સ્તંભો (pilasters) વડે સુશોભિત છે. દીવાલના મથાળે વલભી અને કપોતના થરો છે. ગર્ભગૃહ પરનું તેનું શિખર છાદ્યાન્વિત પ્રકારનું છે. તેનાં છ છાદ્યોમાંથી પાંચ છાદ્યોમાં ચંદ્રશાળાનાં સુશોભનો કરેલાં છે. સૌથી ઉપરનો થર સાદો છે અને તેની ઉપર આમલક તથા કળશ આવેલાં છે. શિખરની પૂર્વ બાજુએ શૂરસેનકની રચના છે.
અનુશ્રુતિ મુજબ ભગવાન કૃષ્ણે સાત મહિના સુધી જે લિંગની પૂજા કરી બીલીપત્રો ચડાવ્યાં હતાં, તે બીલેશ્વર મહાદેવ તરીકે ઓળખાય છે. આ મંદિર મૈત્રક સમય (ઈ.સ. પાંચમીથી આઠમી સદી) દરમિયાન બંધાયું હતું. સરકારે તેને સુરક્ષિત સ્મારક જાહેર કર્યું છે. પ્રતિવર્ષ શ્રાવણ વદ અમાસના દિવસે ત્યાં મેળો ભરાય છે.
થૉમસ પરમાર