બીર (1) : મધ્યપ્રદેશ રાજ્યના નિમાડ જિલ્લાનું મહત્વનું નગર. તે 22° 8´ ઉ. અ. અને 76° 35´ પૂ. રે. પર સમુદ્રસપાટીથી આશરે 300 મીટરની ઊંચાઈએ આવેલું છે. તેની ઉત્તરે વિંધ્યાચળ અને દક્ષિણે સાતપુડા ટેકરીઓ આવેલી છે. આ હારમાળાઓની વચ્ચેના નીચાણવાળા પ્રદેશમાં નર્મદાની એક શાખાનદી પર તે વસેલું છે. અહીંથી આશરે 20 કિમી. ઉત્તર તરફ નર્મદા નદી વહે છે.
ભુસાવળ અને નરસિંહપુરને જોડતા રેલમાર્ગ સાથે તેમજ ખંડવા અને નરસિંહપુરને સાંકળતા પાકા રસ્તા સાથે બીર સંકળાયેલું છે. અહીંના મોટાભાગના પ્રદેશમાં જંગલો આવેલાં હોવાથી અહીં આદિવાસીઓની વસ્તીનું પ્રમાણ વધુ છે.
બીર (2) : હિમાચલ પ્રદેશના કાંગરા જિલ્લામાં આવેલું ગામ. તે 32° 02´ ઉ. અ. અને 76° 48´ પૂ. રે. પર આશરે 3,000 મીટરથી ઓછી ઊંચાઈએ હિમાલય હારમાળાની લાહુલ-સ્પિતિ (Lahul-Spiti)શ્રેણીમાં વસેલું છે. તે બિયાસની શાખાનદી ઉહલ(Uhl)ને કિનારે આવેલું છે. તે કુલુ નગરથી પશ્ચિમમાં અને મનાલીથી નૈર્ઋત્યમાં આવેલું છે. આ ગામ પાસેથી પાલમપુર અને મંડીને જોડતો પાકો સડકમાર્ગ પસાર થાય છે.
બીર (3) : ઈરાનમાં દક્ષિણ કિનારે ઓમાનના અખાત પર આવેલું બીર બલા (Bir Bala) તરીકે ઓળખાતું નગર. તે 25° 29´ ઉ. અ. અને 59° 46´ પૂ. રે. પર કાલાર નદીની પશ્ચિમે આવેલું છે. અહીંથી દક્ષિણે નજીકમાં જ ઓમાનનો અખાત તથા વધુ પશ્ચિમ તરફ ઈરાની અખાત આવેલા છે. તેની ઉત્તરે મકરાનની ડુંગરમાળા આવેલી છે. અહીંથી પૂર્વમાં માત્ર 20 કિમી. દૂર ચાહ બહાર (Chah Bahar) નામનું બંદર છે.
નીતિન કોઠારી