બિહ્ઝાદ, ઉસ્તાદ કમાલ અદ્-દીન (જ. 1455 (?), હેરાત, ખોરાસાન, ઈરાન; અ. 1536 (?), તબ્રીઝ, આઝરબઈજાન) : ઈરાનના ચિત્રકાર. તેમની લઘુચિત્રની શૈલીએ સમગ્ર પર્શિયન ચિત્રકલા તેમજ ભારતની મુઘલ ચિત્રકલા પર ઊંડો પ્રભાવ પાડ્યો છે.
નાની વયે જ અનાથ બન્યા અને હેરાત નગરમાં ચિત્રકાર મિરાક નક્કાશે તેમનો ઉછેર કર્યો. નક્કાશને આ નગરના તત્કાલીન તિમુરીડ વંશના રાજાઓનો આર્થિક ટેકો હતો. 1486 સુધી બિહ્ઝાદે નક્કાશ પાસે તાલીમ લીધી. 1486માં તે (બિહ્ઝાદ) હેરાત એકૅડમીના અધ્યક્ષ બન્યા અને આ પદ પર તેઓ 1506 સુધી ચાલુ રહ્યા. તેમના વડપણ હેઠળ એકૅડમીએ કલાના ક્ષેત્રે ઘણી પ્રગતિ કરી.
ઈરાનના સફાવીદ રાજવંશના સ્થાપક શાહ ઇસ્માઇલ પહેલાએ 1506માં હેરાત જીતી લીધું. 1514માં તેમનો દીકરો તહ્માસ્પ હેરાતનો ગવર્નર બન્યો. તહ્માસ્પ 1522માં તબ્રીઝ ગયો ત્યારે બિહ્ઝાદને લેતો ગયો. અહીં બિહ્ઝાદ દરબારી ચિત્રકારનું સ્થાન પામ્યા તથા રાજવી ગ્રંથાલયના નિયામક બન્યા. તેમણે અસંખ્ય ચિત્રો તથા પુસ્તકો માટેનાં ચિત્રાંકનો કર્યાં છે.
કલાકેન્દ્ર તરીકે તબ્રીઝને વિકસાવવામાં બિહ્ઝાદનો ચિત્રકાર તથા કળાગુરુ તરીકે અમૂલ્ય ફાળો છે. તેમના શિષ્યોમાં કાસીમ અલી, મીર સઈદ અલી, અક્કા મિરાક અને મુઝફ્ફર અલી જેવા વિખ્યાત ચિત્રકારોનો સમાવેશ થાય છે.
બિહ્ઝાદના શિષ્યોએ બિહ્ઝાદની શૈલીની આબેહૂબ નકલ કરી; બિહ્ઝાદ કે કોઈ પણ શિષ્ય ચિત્રો પર સહી કરતા ન હોવાથી તેમાંથી બિહ્ઝાદનાં ચિત્રોને અલગ તારવવાં આજે મુશ્કેલ પડે છે. 1486થી 1495 વચ્ચેનાં માત્ર 32 ચિત્રોને જ કોઈ શંકા કે વિવાદ વગર બિહ્ઝાદ દ્વારા ચિત્રિત છે તેમ કહી શકાય છે.
અગાઉની પર્શિયન લઘુ-ચિત્રશૈલીની પરંપરામાં બિહ્ઝાદે કોઈ મહત્ત્વના ફેરફાર કર્યા નથી; પરંતુ રંગરેખાનું અદ્વિતીય કૌશલ્ય બિહ્ઝાદ અને તેના શિષ્યોની કલાને જુદી પાડે છે. અગાઉની લઘુચિત્ર-પરંપરાનું અક્કડ રેખાંકન હવે દૂર થયું અને ચિત્રોમાં અપૂર્વ લાવણ્ય અને સુસ્પષ્ટતા આલેખાયાં.
ફારસી કવિ સાદીના કાવ્ય ગુલિસ્તાન(ગુલાબનો બગીચો)ની હસ્તપ્રતમાં બે ચિત્રો બિહ્ઝાદનાં છે; તેની પર તેની સહી પણ છે. સાદીના કાવ્ય ‘બુસ્તાન’ની 1488માં હાથ આવેલ નકલમાં બિહ્ઝાદનાં 5 લઘુચિત્રો છે. આ 7 ચિત્રો બિહ્ઝાદનાં જ હોવા વિશે વિદ્વાનોમાં કોઈ મતભેદ નથી.
અમિતાભ મડિયા