બિસ્મલિથ : એક પ્રકારનું અંતર્ભેદક. અંતર્ભેદન પામતા અગ્નિકૃત ખડકનો લગભગ ઊભી સ્થિતિ ધરાવતો નાળાકાર જથ્થો. આવા જથ્થાઓ આજુબાજુના જૂના ખડક-નિક્ષેપોમાં આડાઅવળા પણ અંતર્ભેદન પામેલા હોય છે, તેમજ ક્યારેક પ્રતિબળોને કારણે ઉપરના સ્તરોમાં ઉદભવેલી સ્તરભંગ સપાટીઓમાં પણ એ જ મૅગ્મા-દ્રવ્ય પ્રવેશેલું હોય છે.
આવી જાતના વિશિષ્ટ આકારો માટે જે. પી. ઇડિંગ્ઝે ‘બિસ્મલિથ’ શબ્દ પ્રયોજેલો છે. તે નાળ આકારનું હોવાથી જ્વાળામુખી દાટા સાથે મળતું આવે છે. બિસ્મલિથ એ એવા પ્રકારનું અંતર્ભેદક છે જેમાં તેની ઉપરની છતના ખડકો સ્તરભંગની અસર હેઠળ ગોળાકારમાં કે ચાપ આકારમાં ઊંચકાયેલા હોય છે, તે ક્યારેક વળી ગયેલા પણ મળે છે. ઉપર તરફ ગોળાકાર હોવાને કારણે તે લેકોલિથનાં લક્ષણોને મળતું આવતું અંતર્ભેદક ગણાય. યુ.એસ.ના દક્ષિણ ડાકોટા રાજ્યમાંની બ્લૅક હિલ્સમાં તેમજ ઊટાહના હેન્રી પર્વતોમાં બિસ્મલિથ પ્રકારનાં અંતર્ભેદનો જોવા મળે છે. ગ્રીનલૅન્ડમાં સ્કરગાર્ડનાં આવાં જ અંતર્ભેદનો પડવાળાં છે.
ગિરીશભાઈ પંડ્યા