બિલાવલ : ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતનો એક જાણીતો પ્રભાતકાલીન રાગ. સંસ્કૃત સાહિત્યમાં પણ તેનો ઉલ્લેખ છે. જોકે ત્યારના ‘બેલાવલી’, ‘બેલાવલ’ કે ‘બિલાવલી’ નામોથી ઓળખાતા રાગનું સ્વરૂપ આજના બિલાવલ રાગ કરતાં થોડું ભિન્ન છે. ગાયન કે વાદનમાં સાતે સ્વરો શુદ્ધ સ્વરૂપમાં પ્રયુક્ત થાય તેને આજે બિલાવલ થાટ કહે છે. શુદ્ધ સ્વરના ભૂપાલી અને દુર્ગા જેવા અન્ય રાગો આ થાટમાંથી જ ઉત્પન્ન થયા છે. બિલાવલ રાગ એ બિલાવલ થાટનો આશ્રયરાગ છે.
રાગનું સ્વરૂપ ગ રે, ગ પ, ધ, નિ ની ધ પ મ ગ મ રે, સા – આ રીતે સ્પષ્ટ થાય છે. અવરોહમાં જ્યારે કોમળ નિષાદનો ઉપયોગ નધપ, ધનિધપ પ્રમાણે થાય છે ત્યારે તેને અલ્હૈયા બિલાવલ કહે છે.
આ રાગનો ગાનસમય દિવસનો પ્રથમ પ્રહર છે. જેવી રીતે સાંજના સંધિપ્રકાશ રાગો પછી ‘કલ્યાણ’ રાગ ગવાય છે તેવી જ રીતે સવારના સંધિપ્રકાશ રાગો પછી બિલાવલ રાગ ગવાય છે. માટે જ તેને ‘પ્રભાતકાલીન કલ્યાણ’ પણ કહેવાય છે.
બિલાવલને શુદ્ધ સ્વરૂપે ગાવા કે વગાડવાનો પ્રચાર પ્રમાણમાં ઓછો છે, પરંતુ બિલાવલમાંથી બનેલા મિશ્રરાગો ઘણા છે; દા.ત., યમની બિલાવલ, દેવગિરિ બિલાવલ, સરપરદા બિલાવલ, કુકુભ બિલાવલ, નટ બિલાવલ, શુક્લ બિલાવલ વગેરે. આ બધા બિલાવલના જ વિવિધ પ્રકાર ગણાય. દક્ષિણ ભારતીય સંગીતશૈલીમાં બિલાવલને મળતો હોય તેવો રાગ તે ‘શંકરાભરણ’ છે, જે ખૂબ પ્રખ્યાત છે.
સામાન્ય ચલન
નીના ઠાકોર