બિલાડી : સસ્તન વર્ગના માંસાદ (carnivora) શ્રેણીના ફેલિડે કુળનું પ્રાણી. બિલાડીની જાતિનાં પ્રાણીઓ તરીકે ઘરબિલાડી ઉપરાંત વાઘ, સિંહ, ચિત્તો, દીપડો, પ્યુમા વગેરેનો સમાવેશ થાય છે.
આશરે 4,00,00,000 વર્ષો પહેલાં પ્રારંભિક ઑલિગોસિન સમયના પ્રાપ્ત જીવાશ્મોના આધારે, તે સમયે ‘ડિનિક્ટિસ’ નામની પ્રાચીન બિલાડીનું અસ્તિત્વ હોવાનું માનવામાં આવે છે. આ બિલાડીનાં ઘણાં લક્ષણો મહદ્અંશે આધુનિક બિલાડી સાથે સામ્ય ધરાવતાં હતાં. અલબત્ત, તેના મગજનું કદ નાનું અને રાક્ષી દાંતનું કદ મોટું હતું. હાલમાં જોવા મળતી સામાન્ય બિલાડીનો ઉદભવ આશરે 1,00,00,000 વર્ષો જૂનો માનવામાં આવે છે. ત્યારબાદ તેના ઉદવિકાસમાં નોંધપાત્ર ફેરફારો થયા નથી. આમ ‘અસ્તિત્વ માટેના સંગ્રામ’માં આ જાતિ તેનાં વિવિધ અનુકૂલનો દ્વારા ઉત્ક્રાંતિની શરૂઆતથી જ સફળ નીવડી છે.
જંગલી બિલાડી(bush cat)ને પાલતુ બનાવવાની શરૂઆત સૌપ્રથમ ઇજિપ્તમાં થઈ હતી. તેનું વૈજ્ઞાનિક નામ Felis catus છે. ભારતીય ઘરાળુ બિલાડીનો ઉદભવ રણબિલાડી(Felis ornata)માંથી થયો છે.
બાહ્ય લક્ષણો : વિશ્વના લગભગ તમામ દેશોમાં પાલતુ જાનવર તરીકે ઘરબિલાડી ઉછેરાય છે. તેનું કદ સામાન્યપણે કૂતરાથી નાનું, મોઢું ગોળ અને નાકની બંને બાજુએ લાંબા સીધા વાળ હોય છે જે સંવેદી કેશની ગરજ સારે છે. તેને મૂછ કહે છે. ઘરબિલાડીનો રંગ કાળો, ધોળો, પીળો, બદામી, કાબરચીતરો કે રતાશપડતો મિશ્ર હોય છે. તેની રુવાંટી ટૂંકી અને મુલાયમ પ્રકારની હોય છે. બિલાડીનું સરેરાશ વજન 3થી 4 કિગ્રા. હોય છે, જેમાં માદાનું વજન નર કરતાં થોડું ઓછું રહે છે. તેની સરેરાશ લંબાઈ 50થી 60 સેમી. અને ઊંચાઈ 20 સેમી. જેટલી હોય છે. પ્રાણીનો દેખાવ રુઆબદાર અને શરીર સશક્ત હોય છે. બિલાડીનાં ઉપાંગો મજબૂત હોય છે. તેના પંજામાં આવેલા નહોર તીક્ષ્ણ અને બહાર કાઢી શકાય તેવા હોય છે. તેની આંખો મોટી, માંજરી અને અંધારામાં ચળકે તેવી હોય છે.
આ પ્રાણીમાં દાંત અને નહોરનો વિકાસ આક્રમક અંગો તરીકે થયેલો છે. તે રાક્ષી દાંત વડે ભક્ષ્યને પકડે છે; જ્યારે કરવત જેવી કિનારી ધરાવતી દાઢનો ઉપયોગ ભક્ષ્યને ચીરવામાં કે તેના ટુકડા કરવામાં કરે છે. અન્ય દાંતો મહદ્અંશે અવનતિ પામેલા છે. બિલાડીના ઉપરના જડબામાં કુલ 16 અને નીચલા જડબામાં 14 દાંત આવેલા હોય છે. બિલાડીનો દંતવિન્યાસ નીચે મુજબ દર્શાવી શકાય :
બિલાડીના દૂધિયા દાંતની સંખ્યા 24 જેટલી હોય છે, જે માત્ર પાંચ માસમાં કાયમી દાંતમાં ફેરવાય છે. સામાન્ય સ્થિતિમાં બિલાડીના નહોર ગાદીવાળા પંજાની અંદર રહે છે. તેથી ચાલતી વખતે બિલાડીનો અવાજ થતો નથી. બિલાડી તેના નહોરને તીક્ષ્ણ, અણીદાર રાખવા માટે, વૃક્ષની ખરબચડી સપાટી પર વારંવાર ઘસતી રહે છે. ઉપરાંત નહોર વડે બિલાડી વૃક્ષ પર ઘણી સિફતથી ચડી શકે છે. એ રીતે કૂતરા જેવા દુશ્મનોથી તે બચવા પામે છે. વળી પક્ષીઓના માળામાંથી ઈંડાં કે બચ્ચાંને પકડવા માટે પણ તેનું વૃક્ષારોહણ ઉપયોગી બને છે.
બિલાડીનું આયુષ્ય સરેરાશ 14 વર્ષનું ગણવામાં આવે છે. તેનું મહત્તમ આયુષ્ય 20 વર્ષ સુધીનું નોંધાયેલું છે.
વર્તન અને આદત : બિલાડી સ્વતંત્ર મિજાજ ધરાવતું પ્રાણી છે. તેમ છતાં તે મનુષ્ય સાથે ઝડપથી હળીભળી શકે છે. આ પ્રાણીની માયા કરવાથી, તે બહુ પ્રેમાળ વર્તન દાખવે છે; પરંતુ તેનો મૂળ સ્વભાવ એકાકી રહેવાનો અને કંઈક અંશે અસામાજિક હોવાથી તેને મિજાજ ગુમાવતાં વાર લાગતી નથી અને તેના જંગલી સ્વભાવનો પરચો તુરત બતાવી દે છે. આ પ્રાણીમાં દર્શનેન્દ્રિય અને શ્રવણેન્દ્રિય અત્યંત સંવેદનશીલ હોવાથી, તે શિકાર કરવામાં અત્યંત ઉપયોગી નીવડે છે. સામાન્ય રીતે બિલાડી દિવાચર પ્રાણી છે; તેમ છતાં રાત્રિના ઝાંખા પ્રકાશમાં પણ તે સહેલાઈથી શિકાર કરી શકે છે. તેની આંખો અલ્પતમ પ્રકાશનો મહત્તમ ઉપયોગ કરવાની ક્ષમતા ધરાવે છે. તે દિવસે વધુ પ્રકાશને આંખમાં પ્રવેશતો અટકાવવા માટે આંખ પર આવેલી કનીનિકા વડે કીકીને અત્યંત સાંકડી બનાવે છે; જ્યારે રાત્રિના સમયે તેને સંપૂર્ણ રીતે ખોલે છે. નિશાચર પ્રાણીઓની માફક બિલાડીની આંખના નેત્રપટલની પાછળ, ટેપેટમ નામનું વધારાનું એક પાતળું સ્તર આવેલું હોય છે, જેનાથી તેની આંખો અંધારામાં ચળકે છે.
બિલાડીની શ્રવણેન્દ્રિય સુવિકસિત હોય છે અને તે ઊંચી તીવ્રતાવાળા અવાજો સહેલાઈથી સાંભળી શકે છે.
બિલાડી મુખ પર આવેલી મૂછનો ઉપયોગ, અંધારામાં રસ્તો શોધવામાં કરે છે.
બિલાડી મૂળભૂત રીતે માંસાહારી છે, તેમ છતાં તેના ખોરાકમાં શાકાહારી અભિગમ પણ જોવા મળે છે. આથી તેની ગણના સર્વભક્ષી(omnivorous)માં થાય છે. ઉંદર તેનું પ્રિય ભોજન છે. આ ઉપરાંત નાનાં સસ્તનો તેમજ પક્ષીઓનાં બચ્ચાં પણ તેને બહુ ભાવે છે. તેની જીભના અગ્રભાગમાં, પશ્ચ છેડે વળેલા કંટકોનો સમૂહ આવેલો હોય છે, જેના વડે તે પાણી, દૂધ કે અન્ય પ્રવાહી દ્રવ્યોનું અંતર્ગ્રહણ સહેલાઈથી કરી શકે છે. બિલાડીમાં સ્વાદકલિકાઓ અલ્પવિકસિત હોય છે.
બિલાડીના અવાજમાં ખાસ વૈવિધ્ય હોતું નથી; આમ છતાં વિવિધ લાગણીઓની અભિવ્યક્તિ દર્શાવવા પૂરતી કેટલીક વિવિધતા અવાજમાં દાખવે છે.
બિલાડી સામાન્ય રીતે 10 માસમાં પુખ્ત અવસ્થા પ્રાપ્ત કરે છે. તેનો પ્રજનનકાળ ડિસેમ્બરથી માર્ચ મહિના સુધીનો ગણવામાં આવે છે, પરંતુ માદામાં તે ઑગસ્ટ માસ સુધી પણ લંબાય છે. તે વર્ષમાં ત્રણથી ચાર વખત વિયાય છે. માદાનું ઋતુચક્ર (oestrus) 3થી 9 દિવસના આંતરે જોવા મળે છે. તેની પ્રજનનક્ષમતા 5થી 7 વર્ષ જેટલી રહે છે. પ્રજનનકાળમાં બિલાડી કંઈક અંશે તોફાની અને આક્રમક દેખાય છે. જાતીય રીતે ઉત્તેજિત માદા (રાણી) નરને મિયાઉં-મિયાઉં અવાજ વડે સતત નિમંત્રતી રહે છે. માદામાં ગર્ભાવધિકાળ સામાન્ય રીતે 65 દિવસનો (55થી 68 દિવસ) રહે છે અને 2થી 8ની સંખ્યામાં બચ્ચાંને જન્મ આપે છે. શરૂઆતમાં બચ્ચાં આંધળાં અને લાચાર હોય છે. જોકે 7 દિવસમાં બચ્ચાંની આંખો ખૂલે છે અને એકાદ માસમાં તેઓ ખોરાક માટે સ્વનિર્ભર બને છે. યુવા માદા શરૂઆતમાં 2 બચ્ચાંને જન્મ આપે છે, જેમાં ક્રમશ: વધારો થાય છે; પરંતુ ફરી 7મે કે 8મે વર્ષે બચ્ચાંની સંખ્યામાં ઘટાડો થાય છે. નવજાત બચ્ચાં, આછી રુવાંટીવાળાં અને મહદ્અંશે બહેરાં પણ હોય છે. આથી તેનું સ્થાનાંતર કરતી વખતે માતા તેને કાળજીપૂર્વક મોં વડે ઊંચકે છે. બિલાડીમાં બાલ-સંભાળ અને મહદ્અંશે વફાદારી જોવા મળે છે. ગુજરાતની કેટલીક વન્ય બિલાડીઓની માહિતી નીચે પ્રમાણે છે :
1. રણબિલાડી (the desert cat – Felis constantina ornata) : લંબાઈ : 75 સેમી. (25 સેમી. પૂંછડીની લંબાઈ સાથે); ઊંચાઈ : 30 સેમી.; વજન : 4થી 5 કિગ્રા.; ગર્ભાધાનકાળ : 45 દિવસ; નિવાસ : કચ્છ, સૌરાષ્ટ્ર અને પાલનપુર.
આ બિલાડી આફ્રિકન જંગલી બિલાડીને મળતી આવે છે. ભારતમાં તે રાજસ્થાનમાં પણ જોવા મળે છે. દિવસ દરમિયાન તે ખોદેલી બખોલમાં રહે છે અને સાંજે શિકાર માટે બહાર નીકળે છે. તેનો ખોરાક નાનાં સસ્તનો, સરીસૃપ અને પક્ષીઓનો હોય છે. તે 2થી 3 બચ્ચાંને જન્મ આપે છે.
2. તામ્રવર્ણી, ચકતાંવાળી બિલાડી (the rusty spotted cat – Felis rubiginosa) : લંબાઈ (પૂંછડી સહિત) : 65 સેમી.; વજન : 1થી 2 કિગ્રા.; ગર્ભાધાનકાળ : 67 દિવસ; નિવાસ : જંગલો અને ઝાંખરાયુક્ત વિસ્તાર.
આ બિલાડી ચકતાંવાળી બિલાડી (leopard cat) સાથે ગાઢ સગપણ ધરાવે છે, પરંતુ કદમાં નાની છે. તે દક્ષિણ ભારતનાં જંગલોમાં જોવા મળે છે. ગુજરાતમાં તે ગીર, ડાંગ અને વલસાડની આસપાસ મળે છે. માદા ઝાડની બખોલમાં કે ખડકના પોલાણમાં 2થી 3 બચ્ચાંને જન્મ આપે છે.
3. ચકતાંવાળી બિલાડી (the leopard cat or Bengal cat – Felis bengalensis) : લંબાઈ : 60 સેમી.; પૂંછડીની લંબાઈ : 15થી 40 સેમી.; વજન : 5 કિગ્રા.; ગર્ભાધાનકાળ : 65થી 72 દિવસ; નિવાસ : જંગલો, ખેતરો, નદીઓનાં કોતરો અને ક્ષુપવાળા વિસ્તારો.
આ બિલાડી ભારત સહિત સમસ્ત દક્ષિણ – પૂર્વ એશિયામાં જોવા મળે છે. ગુજરાતમાં તે શૂલપાણેશ્વર ખાતે મળે છે. તે પક્ષીઓ અને નાનાં સસ્તનોનો શિકાર કરે છે. ગ્રામવિસ્તારમાં તે ‘મરઘાંચોર’ તરીકે પ્રખ્યાત છે. માદા 3થી 4 બચ્ચાંને જન્મ આપે છે.
4. જંગલ બિલાડી (the jungle cat – Felis chaus kutas) : લંબાઈ (પૂંછડી સહિત) : 70થી 80 સેમી.; વજન : 6થી 9 કિગ્રા.; આયુષ્ય : 10થી 15 વર્ષ; ગર્ભાધાનકાળ : 63 દિવસ; નિવાસ : ગીચ તેમજ આછાં ઝાંખરાયુક્ત જંગલો, ઘાસિયા પ્રદેશો, કોતરો વગેરે.
આ બિલાડી મધ્યપૂર્વ એશિયા, ઉત્તર આફ્રિકા, ભારત, શ્રીલંકા, મ્યાનમાર, ઈરાન વગેરે દેશોમાં પણ જોવા મળે છે. ગુજરાતના તમામ જિલ્લાઓમાં તે વસે છે. અનુકૂલનની ર્દષ્ટિએ આ બિલાડી બેજોડ છે. આથી જંગલ અને માનવ-વસવાટમાં જોઈ શકાય છે. તે મોટાભાગે દિવસે શિકાર કરે છે. નાનાં સસ્તનો અને પક્ષીઓનાં બચ્ચાં પર તે નભે છે. માદા 3થી 4 બચ્ચાંને જન્મ આપે છે.
સામાન્ય રોગો : બિલાડીમાં અનેક રોગો જોવા મળે છે, જેમાંના કેટલાક ચેપી હોવાથી તેનો મૃત્યુ-દર ઊંચો રહે છે. કેટલાક મહત્વના રોગો નીચે પ્રમાણે છે :
(1) પાન લ્યુકોપેનિયા : યુવાવસ્થામાં થતો આ રોગ ઘણો ચેપી છે. આ રોગના કારણે પ્રાણીમાં હતાશા જન્મે છે, ગળામાં સોજો આવે છે, તાવ રહે છે, પ્રાણી ખોરાક અને પાણી બંધ કરે છે. ઊલટી અને ઝાડાનાં ચિહ્નો પણ જોવા મળે છે અને પાણીની ઊણપથી તે મૃત્યુ પામે છે.
(2) ન્યુમોનાઇટિસ : આ રોગના કારણે પ્રાણીના નાકમાંથી પાણી વહે છે, ગળાનો સોજો થાય છે, તેને ભૂખ લાગતી નથી તથા તાવ અને હતાશા જેવાં ચિહ્નો તેનામાં જોવા મળે છે.
(3) હડકવા : કૂતરામાં થતો આ પ્રચલિત રોગ, બિલાડીમાં પણ ક્વચિત્ જોવા મળે છે. આ માટે પાલતુ બિલાડીઓને દર ત્રણચાર વર્ષે હડકવાની રોગપ્રતિકારક રસી આપવામાં આવે છે.
(4) પરોપજીવીઓ : ચાંચડ, જૂ, ઇતરડી, ચિમોડી અને ફૂગ તેના બાહ્ય પરોપજીવીઓ છે; જ્યારે સૂત્રકૃમિ અને પટ્ટીકીડા શરીરની અંદર વસે છે.
બિલાડી વિશેની અંધશ્રદ્ધા લગભગ બધા જ દેશોમાં પ્રવર્તે છે. ભારતમાં બિલાડીને અપશુકનિયાળ ગણવામાં આવે છે. ઘણા લોકો બિલાડીથી ભય અનુભવે છે. એ ભયને એલ્યુરોફોબિયા કહે છે.
દિલીપ શુક્લ