બિનરાકાન ઍસ્ટ્રોનૉમિકલ ઑબ્ઝર્વેટરી, રશિયા

January, 2000

બિનરાકાન ઍસ્ટ્રોનૉમિકલ ઑબ્ઝર્વેટરી, રશિયા : ભૂતપૂર્વ સોવિયેત સમાજવાદી પ્રજાસત્તાક સંઘ(USSR)ની વિજ્ઞાન અકાદમી દ્વારા સંચાલિત રશિયાની પ્રમુખ વેધશાળા. આ વેધશાળા આર્મેનિયન રિપબ્લિકની રાજધાની યેરવાનથી વાયવ્યે 27 કિમી. દૂર, માઉન્ટ આરાગટ્ઝના દક્ષિણવર્તી ઢોળાવ ઉપર સમુદ્રની સપાટીથી 1,500 મીટર ઊંચાઈએ 40°20´ ઉત્તર અક્ષાંશ અને 44° 17.5´ પૂર્વ રેખાંશ ઉપર આવેલી છે.

આ વેધશાળાની સ્થાપના એના હાલના નિયામક વિક્ટર અમાઝાસ્કોવિચ અમ્બાર્ટ સુમિયને 1946માં કરેલી. આ વેધશાળા યેરેવાન યુનિવર્સિટી સાથે સંલગ્ન છે અને ખગોળશાસ્ત્રમાં સ્નાતક તથા અનુસ્નાતક અભ્યાસક્રમની સુવિધા ધરાવે છે.

1976થી અહીં 2.6 મીટર વ્યાસનું એક દર્પણ(પરાવર્તક)-દૂરબીન કાર્યરત છે. 1 મીટરનું શ્મિટ દૂરબીન પણ તે ધરાવે છે. આ વેધશાળાની સ્થાપનાના પ્રારંભિક તબક્કે જ ‘સ્ટેલર એસોસિયેશન્સ’ની શોધ અહીંથી થયેલી. તેવી જ રીતે, બી.ઇ મર્કેરિયન નામના રશિયાના ખગોળશાસ્ત્રીએ 1970માં એક વિશિષ્ટ તારાવિશ્વની શોધ પણ અહીંથી જ કરેલી, જે આજે ‘મર્કેરિયન તારાવિશ્ર્વો’ (Markarian galaxies) તરીકે ઓળખાય છે. ભભકિયા તારા (flare stars) તરીકે ઓળખાતા નિસ્તેજ લાલ વામન (red dwarf) તારા અંગે પણ અહીં નોંધપાત્ર સંશોધન થયું છે.

સુશ્રુત પટેલ