બિટુમિનસ કોલસો : કોલસાનો એક પ્રકાર. કોલસાની ઉત્પત્તિ દરમિયાન તૈયાર થતી એક કક્ષા. સામાન્ય રીતે કોલસાનું વર્ગીકરણ તેમાં રહેલા કાર્બનના પ્રમાણ પરથી કરવામાં આવે છે. આ મુજબ કોલસાને ચાર મુખ્ય પ્રકારોમાં વહેંચેલો છે : (1) એન્થ્રેસાઇટ, (2) બિટુમિનસ કોલસો, (3) નિમ્ન બિટુમિનસ કોલસો, (4) લિગ્નાઇટ અથવા કથ્થાઈ કોલસો. આ ચારે પ્રકારોમાં કાર્બનનું પ્રમાણ નીચે તરફ જતાં ક્રમશ: ઘટતું જાય છે. એન્થ્રેસાઇટમાં આશરે 98 % જેટલું ઊંચું કાર્બન-પ્રમાણ હોય છે અથવા હોઈ શકે છે, સૌથી નીચેના લિગ્નાઇટમાં તે ઘટીને 30 % જેટલું થઈ જાય છે. આ બે પ્રકારની વચ્ચેનું પ્રમાણ ધરાવતા કોલસાને બિટુમિનસ પ્રકારમાં મૂકી શકાય. બિટુમિનસમાં હોવું જોઈએ એના કરતાં થોડા ઓછા કાર્બન-પ્રમાણ(મધ્યમથી ઓછા)વાળા કોલસાને નિમ્ન બિટુમિનસ કોલસાના નામથી ઓળખાવાય છે. બિટુમિનસ પ્રકારમાં ભેજમાત્રા એન્થ્રેસાઇટ કરતાં વધુ, પણ લિગ્નાઇટ કરતાં ઓછી હોય છે; જ્યારે ઉષ્મામૂલ્ય એન્થ્રેસાઇટ અને લિગ્નાઇટ કરતાં થોડું વધુ હોય છે.
બિટુમિનસ કોલસો કાળા રંગનો પટ્ટાદાર કોલસો છે, જેમાં પ્રત્યેક પટ્ટો મૂળભૂત પીટ માટેની કળણભૂમિમાં જમા થયેલાં વનસ્પતિદ્રવ્યનાં પડોના તફાવતથી જુદો પાડી શકાય છે. તેજસ્વી પટ્ટા (વિટ્રેઇન) વનસ્પતિના કાષ્ઠદ્રવ્યમાંથી તૈયાર થાય છે, જેમાં મૂળભૂત કોષરચના જળવાઈ રહે છે. આવા તેજસ્વી પટ્ટાની જાડાઈ 2–3 મિલિમીટર જેટલી હોય છે. વૃક્ષનાં આખાં ને આખાં થડ(જે પરિવર્તિત થઈ ગયાં હોય છે અને પરખયોગ્ય રહેતાં નથી)નો અવશેષ હોઈ શકે. મંદ રંગવાળા પટ્ટા ટુકડાઓમાં વિભાજિત થયેલા કે કચરાયેલા વનસ્પતિકણો, પરાગકણો, બીજાણુઓ, બીજ, લીલ અને રાળના બનેલા હોય છે.
કૉનલ કોલસો અને પંકભૂમિજન્ય કોલસો પણ બિટુમિનસ પ્રકારની જાતો જ છે. તે સંપૂર્ણપણે મંદ રંગવાળા હોય છે. તેમાં બીજાણુઓ અને લીલ, વગેરેનું પ્રમાણ વધુ હોય છે. આ બંને જાતોમાં બાષ્પશીલ દ્રવ્ય પણ વધુ હોય છે, આ કારણે તે ધૂમ્રસેરો સહિત પીળી જ્યોતમાં બળે છે. પટ્ટાવાળા કોલસા, કેનલ અને પંકભૂમિજન્ય કોલસાની જાતો, જે મંદ હોય તે, મૂળભૂત પીટનિર્માણ કળણભૂમિના ખુલ્લા જળવિસ્તારોમાંના એકત્રિત થયેલા જથ્થાઓની પેદાશ ગણાય.
બિટુમિનસ કોલસાનું વિસ્તૃત વર્ગીકરણ
પ્રકાર | સમૂહ | નિયતકાર્બન % | બાષ્પશીલ દ્રવ્ય % | કૅલરીમૂલ્ય Btu/lb | ||||
(શુષ્ક, ખનિજદ્રવ્યવિહીન) | (શુષ્ક, ખનિજદ્રવ્યવિહીન) | ભેજવાળો (ખનિજદ્રવ્યવિહીન) | ||||||
જેટલું અથવા –થી વધુ | –થી ઓછું | જેટલું અથવા –થી વધુ | –થી ઓછું | જેટલું અથવા –થી વધુ | –થી ઓછું | |||
બિટુમિનસ | Low-ન્યૂન બાષ્પશીલ
બિટુમિનસ કોલસો |
78 | 86 | 14 | 22 | – | – | |
મધ્યમ બાષ્પશીલ
બિટુમિનસ કોલસો |
69 | 78 | 22 | 31 | – | – | સામાન્યત: | |
વધુ બાષ્પશીલ
બિટુમિનસ કોલસો-A |
– | 69 | 31 | – | 14,000 | – | ગોલકનિર્માણયોગ્ય | |
વધુ બાષ્પશીલ
બિટુમિનસ કોલસો-B |
– | – | – | – | 13,000 | 14,000 | ||
વધુ બાષ્પશીલ
બિટુમિનસ કોલસો-C |
– | – | – | – | 11,500 | 13,000 | ||
10,500 | 11,500 | ગોલકનિર્માણયોગ્ય | ||||||
નિમ્ન બિટુમિનસ | નિમ્ન બિટુમિનસ-A | – | – | – | – | 10,500 | 11,500 | |
નિમ્ન બિટુમિનસ-B | – | – | – | – | 9,500 | 10,500 | ગોલકનિર્માણ માટે અયોગ્ય | |
નિમ્ન બિટુમિનસ-C | – | – | – | – | 8,300 | 9,500 |
દુનિયાભરમાં બિટુમિનસ કોલસો પુષ્કળ પ્રમાણમાં મળે છે. ઔદ્યોગિક ર્દષ્ટિએ વધુ વિકસિત દેશોમાં બિટુમિનસ કોલસો અન્ય કોઈ પણ પ્રકારના કોલસા કરતાં વ્યાપારી ધોરણે મોટા પ્રમાણમાં ઇંધન તરીકે ઉપયોગમાં લેવાય છે, કારણ કે તે વાહનવ્યવહાર દ્વારા લાવવા-લઈ જવા માટે અનુકૂળ પડે છે. આ જ માત્ર એવો કોલસો છે જે કોક બનાવવા માટે યોગ્ય ગણાય છે. એન્થ્રેસાઇટને પ્રજ્વલિત કરવાનું મુશ્કેલ હોવાથી મોટેભાગે બિટુમિનસનો વધુ ઉપયોગ થાય છે, જોકે નિમ્ન બિટુમિનસ ઓછા પ્રમાણમાં ઉપયોગમાં લેવાય છે.
બિટુમિનસ કોલસાનું વિસ્તૃત વર્ગીકરણ સારણીમાં આપેલ છે.
ગિરીશભાઈ પંડ્યા