બાસી-તેરે

January, 2000

બાસી-તેરે : ઍટલાન્ટિક મહાસાગરમાં આવેલા કૅરિબિયન ટાપુઓ પૈકીના ગ્વાડેલુપ ટાપુનું પાટનગર. ભૌગોલિક સ્થાન : 16° 05´ ઉ. અ. અને 61° 30´ પ. રે. ઉપલબ્ધ ઐતિહાસિક માહિતી અનુસાર, આ નગર 1643ની તવારીખ ધરાવે છે. ટાપુના પશ્ચિમ કાંઠા પર આવેલા નૈર્ઋત્ય તરફના છેડાથી આશરે 6 કિમી. અંતરે સમુદ્રકિનારા અને 1484 મીટર ઊંચા સૉફ્રિટી શિખર વચ્ચેના ભાગમાં તે વસેલું છે. કિનારા નજીક વહાણો લાંગરી શકે એટલાં ઊંડાં જળ હોવા છતાં અહીં કોઈ બારું નથી. અઢારમી સદીના ઉત્તરાર્ધકાળ દરમિયાન ગ્રૅન્ડ-તેરે પરના પૉઇન્તે-પિત્રે નગરને સર્વોપરી (paramountcy) વાણિજ્યમથક બનાવેલું. 1979માં આ નગરનો બંદર વિભાગ અહીં ત્રાટકેલા વાવાઝોડાથી તારાજ થઈ ગયેલો. આ કારણે અહીંના અર્થતંત્રને વિસ્તારવાના તથા આધુનિક ઓપ આપવાના પ્રયાસોને ફટકો પડેલો.

ગિરીશભાઈ પંડ્યા