બાષ્પશીલ તેલયુક્ત ઔષધો

January, 2000

બાષ્પશીલ તેલયુક્ત ઔષધો

છોડ અથવા વૃક્ષના વિવિધ ભાગોમાંથી મેળવાતાં સુગંધિત ઉડ્ડયનશીલ તેલ ધરાવતાં ઔષધો. આવાં ઉડ્ડયનશીલ યા બાષ્પશીલ તેલનું નામ જે તે છોડ યા વૃક્ષના નામ મુજબ જ રાખવામાં આવે છે. આવું તેલ અર્ક પણ કહેવાય છે, કારણ કે તે વનસ્પતિના વિવિધ ભાગોમાંથી ભૌતિક રીતો દ્વારા અર્ક રૂપે મેળવાય છે. આવાં તેલ છોડના અમુક ખાસ કોષો યા ભાગમાં હોય છે; દા.ત., ફૂલની પાંખડીઓમાં (ગુલાબ), પર્ણોમાં (નીલગિરિ યા યુકેલિપ્ટસ), થડમાં (ચંદન યા સૅન્ડલવુડ), ફળમાં (લીંબુ, નારંગી), બીજમાં (આરાવે), પ્રકંદ(rhizome)માં (આદુ) અને રેઝિનમાં (પાઇનવૃક્ષ). કેટલીક વાર તે એક કરતાં વધુ ભાગોમાંથી મળે છે; દા.ત., લવન્ડરનું તેલ તેનાં ફૂલ તથા પર્ણો બંનેમાંથી મળે છે.

ખરેખર તો વનસ્પતિ આવાં બાષ્પશીલ તેલ પોતાનાં બચાવ, વૃદ્ધિ તથા ઉત્પાદન માટે બનાવે છે; કારણ કે તેમને અમુક પ્રકારના રોગોથી વનસ્પતિનો બચાવ કરવાનો હોય છે; પ્રજનન કરાવતા જીવજંતુઓને આકર્ષવાનાં હોય છે અને એ રીતે પોતાની વૃદ્ધિ કરવાની હોય છે. બાષ્પશીલ તેલનો જથ્થો જમીનની સ્થિતિ યા બંધારણ, આબોહવા, અક્ષાંશ તથા વાવણીનો સમય વગેરે બાબતો પર આધારિત હોય છે. વનસ્પતિમાં બાષ્પશીલ તેલની સંકેન્દ્રિતતા ગરમ આબોહવામાં વધુમાં વધુ હોય છે અને તેને ભેગું કરવા માટેનો આ જ સમય શ્રેષ્ઠ ગણાય છે; દા.ત., જાઈ યા ચમેલી(jasmine)નાં ફૂલ રાત્રે સુગંધ આપતાં હોઈ સંધ્યાકાળ પછી તેમને ભેગાં કરવાં પડે. સામાન્ય રીતે આવા તેલ આપતા છોડને અમુક ચોક્કસ સમયમાં ઉછેરી, તેમનું તેલ ભેગું કરી લેવું પડે, નહિ તો તેનો જથ્થો પછી ઓછો થઈ જાય છે. વળી મદ્યાર્કની જેમ બાષ્પશીલ તેલની ગુણવત્તા વર્ષે વર્ષે બદલાતી હોય છે.

વનસ્પતિમાં જેમ તેલની ગ્રંથિઓ વધુ હોય તેમ તે સસ્તું પડે છે; દા.ત., લવન્ડર જેવી વનસ્પતિ 100 કિલો દીઠ આશરે 3 લીટર જેટલું ઉડ્ડયનશીલ તેલ આપે છે, જ્યારે ગુલાબની 100 કિલો પાંખડીઓ માત્ર અર્ધો લીટર જેટલું જ તેલ આપે છે. સામાન્ય સ્થિર તેલ કરતાં આ બાષ્પશીલ તેલ જુદાં પડે છે, કારણ કે તે બાષ્પશીલ હોઈ ઊડી જાય છે અને કાગળ પર કોઈ જ ચિહ્ન છોડતાં નથી. તે ચીકટ ધરાવતાં નથી અને મદ્યાર્ક યા મધમાખીનાં મીણ અથવા સુબાબુલ છોડના મીણમાં દ્રાવ્ય હોય છે. તે પાણીમાં આંશિકપણે દ્રાવ્ય છે. આથી નાહવાનાં પાણીમાં થોડાંક ટીપાં નાખી ઉપયોગમાં લઈ શકાય છે.

બાષ્પશીલ તેલ પ્રાપ્ત કરવાની વિવિધ પદ્ધતિઓ છે. તેમાં સૌથી શ્રેષ્ઠ પદ્ધતિ છે સીધા નિસ્યંદનની. તે ઇજિપ્તની પુરાણી મૃત્તિકાપાત્ર (clay-pot) પદ્ધતિનું આધુનિકીકરણ છે. નળાકાર પાત્રમાં જે તે વનસ્પતિના અંશો પાણીના સીધા સંપર્કમાં મૂકી તેમને ગરમ કરવામાં આવે છે. ઉડ્ડયનશીલ તેલ વરાળ સાથે શીતકમાં જઈ ઠરી બીજી બાજુ ભેગું થાય છે. ત્યારબાદ તે પૃથક્કારી ગળણી (separating funnel) દ્વારા પાણીથી અલગ કરાય છે.

બીજી સારી પદ્ધતિ છે વરાળ-નિસ્યંદન(steam distillation)ની. આમાં ફેર એટલો જ છે કે વાનસ્પતિક અંશો / પદાર્થોનાં તૈલ તત્વો વરાળના સીધા સંપર્કમાં આવી બીજા છેડે ભેગાં થાય છે.

ત્રીજી આધુનિક પદ્ધતિ છે શૂન્યાવકાશ-નિસ્યંદન(vacuum distillation)ની. આ પદ્ધતિમાં હવાચુસ્ત નિસ્યંદન-પાત્રમાં હવાનું દબાણ ઓછું કરવામાં આવે છે. આથી શૂન્યાવકાશ પેદા થાય છે અને તેલનું નિસ્યંદન થવું જોઈએ તેના કરતાં ઘણા ઓછા તાપમાને થાય છે, જેથી તેની ફોરમ પણ જળવાઈ રહે છે.

અમુક પ્રકારનાં બાષ્પશીલ તેલો પ્રાપ્ત કરવાની પદ્ધતિ એકદમ સરળ છે; દા.ત., નારંગી જેવાં ફળોમાં બહારની છાલમાં બાષ્પશીલ તેલ હોય છે જે માત્ર થોડાક દબાણથી મેળવી શકાય છે. પહેલાં તે હાથથી દબાણ દ્વારા છાલમાંથી મેળવાતું હતું, હવે તે કેન્દ્રાપગામી (centrifugal) બળ ધરાવતા અપકેન્દ્રણ યંત્ર દ્વારા મેળવવામાં આવે છે.

એક સાવ ભુલાઈ ગયેલી પદ્ધતિ એન્ફલ્યુરેજની છે. તેમાં ઑલિવ તેલ જેવી પ્રાણીજ ચરબી ઉડ્ડયનશીલ તેલનું શોષણ કરવા વપરાતી હતી. તે પછી તેલથી પ્રાણીજ ચરબી છૂટી પાડવા માટે તેમાં મદ્યાર્ક નખાતો હતો તેથી તેલ તેમાં દ્રાવ્ય થઈ જતું અને પ્રાણીજ ચરબી છૂટી પડી જતી. પછી મદ્યાર્ક ઉડાડી મૂકતાં બાષ્પશીલ તેલ રહી જતું.

સારણી 1 : સફેદ ઉંદરોની ત્વચા પર લગાડાયેલા 1 મિલી. બાષ્પશીલ તેલની વિષમયતા (toxicity)

બાષ્પશીલ તેલ ત્વચાની બહેરાશ (મિનિટ બાદ) શોધી કઢાયેલ હાજરી (મિનિટ બાદ)
તજ 10 85
વિન્ટરગ્રીન 60 જીવિત રહે છે.
વિન્ટરગ્રીન (2 મિલી.) 60 75
વરિયાળી 90 150
બર્ચ 105 120
લેમન ગ્રાસ 60 270
નારંગી 30 300
એનિસીડ 24 150
પિપરમિન્ટ 12 60
થાઇમ 22 105
ગુલાબ 22 105
જાસ્મિન 10
બર્ગામોટ 20

બાષ્પશીલ તેલ મોટેભાગે જીવાણુનાશક (antiseptic) હોય છે. તેમાંનાં ઘણાં શરીરના સોજા સામે લડવાની ક્ષમતા (antiinflammatory) ધરાવે છે. તે વિષાણુ સામે પણ કામ (antiviral) આપે છે. ચાનાં વૃક્ષ(tea-tree)નો તથા લસણનો અર્ક શક્તિશાળી વિષાણુનાશક મનાય છે. ચામડી અથવા પેશીઓ માટે તે બિનહાનિકર્તા છે, છતાં જીવાણુ સામે શક્તિશાળી આક્રમણકર્તા છે. સૌરભ-ચિકિત્સા(aroma therapy)ના ફ્રેન્ચ પ્રણેતા ડૉ. જિન વેલ્નેટે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન સૈનિકોને પડેલા મસમોટા ઘાની ચિકિત્સા માટે બાષ્પશીલ તેલોનો ઉપયોગ કર્યો હતો. બાષ્પશીલ તેલ આવા ઘાની ગંધ દબાવી દે છે; તેટલું જ નહિ, તેના જીવાણુઓનો નાશ કરી ઘામાં રૂઝ પણ લાવી દે છે. આવાં તેલ શરીરની પોતાની ક્રિયાવિધિ(mechanism)ને ઉત્તેજિત અને સજ્જ કરી ઘાને કુદરતી રીતે રુઝાવવામાં મદદ કરે છે; દા.ત., ચેમોમિલ (chamomile) અને થાઇમ(thyme)ના અર્ક શ્વેતકણોનું ઉત્પાદન વધારે છે. જે રોગ સામે લડવાની શક્તિ આપે છે. લવન્ડરનો અર્ક ચામડીના કોષોને પુનર્જીવિત કરવાની ક્ષમતા ધરાવે છે, જે પેશીનાં ડાઘા, દાઝવાથી પડેલા વ્રણ, ચાંદાં વગેરે રુઝાવવામાં પણ મદદરૂપ થાય છે.

બાષ્પશીલ તેલો મધ્ય ચેતાતંત્ર પર પણ અસર કરે છે. કેટલાંક તેલ તેને શિથિલ (relax) કરે છે; દા.ત., ચેમોમિલ તથા લવન્ડર. કેટલાંક તેલ તેને ઉત્તેજિત (stimulate) કરે છે; દા.ત., રોઝમેરી, બૅસિલ વગેરે. અમુકમાં આ તંત્રને સામાન્ય (normal) કરવાની ક્ષમતા હોય છે; દા.ત., લસણ, જે ઓછા રક્તચાપને વધારે છે જ્યારે ઊંચા રક્તચાપને નીચું લાવે છે. આ જ રીતે બર્ગામોટ તથા જિરેનિયમનાં તેલ વ્યક્તિની જરૂરિયાત પ્રમાણે તેને ઉત્તેજિત કરે છે  યા શિથિલ બનાવે છે અને આ ગુણધર્મ રાસાયણિક સંશ્લેષિત ઔષધના ગુણધર્મથી બિલકુલ વિપરીત છે.

બાષ્પશીલ તેલોની રાસાયણિક સંરચના જટિલ છે, કારણ કે તે કાર્બનિક રસાયણમાં જાણીતા એવા ટર્પિન, આલ્કોહૉલ, આલ્ડિહાઇડ જેવા હજારો ઘટકો ધરાવે છે. એસ્ટર પ્રકારના ઘટકો તેલને સુગંધી અર્પે છે. આથી જ બાષ્પશીલ તેલો ઘણા બધા રોગોમાં મદદકર્તા નીવડે છે. કુદરતમાંથી પ્રાપ્ત થતાં બાષ્પશીલ તેલોની આડઅસરો ભાગ્યે જ જોવા મળે છે; જ્યારે પ્રયોગશાળા દ્વારા પ્રાપ્ત થતાં સંશ્લેષિત બાષ્પશીલ તેલો આડઅસરથી મુક્ત હોતાં નથી. આ ઉડ્ડયનશીલ તેલોની સંરચનામાં કાર્બન, હાઇડ્રોજન, ઑક્સિજન, નાઇટ્રોજન તથા સલ્ફર જેવા પરમાણુઓનો ફાળો મુખ્ય હોય છે.

આ તેલોની સંરચના અમુક નિયમોને અધીન હોય છે. આલ્કોહૉલ, આલ્ડિહાઇડ, કીટોન, એસ્ટર, ઍસિડ, લૅક્ટોન જેવા ઘટકો ઑક્સિજન પરમાણુ ધરાવતા હોવાથી તે ઑક્સિજનયુક્ત (oxygenated) પદાર્થો કહેવાય છે. તેમને ખાસ ચોક્કસ વાસ હોય છે અને તેઓ મદ્યાર્કમાં દ્રાવ્ય હોય છે. ઑક્સિજન ધરાવતું સંકુલ ક્રિયાશીલ સમૂહ (functional group) કહેવાય છે અને જો તેને અમુક ચોક્કસ સુવાસ હોય તો તે ‘ઑસ્મોફૉર’ કહેવાય છે. એક સંકુલને એક કરતાં વધુ ઑસ્મોફૉર કે ફંક્શનલ-ગ્રૂપ હોઈ શકે છે. નાઇટ્રોજન ધરાવતાં સંકુલોની વાસ તીવ્ર હોય છે. દા.ત., ઇન્ડોલ, એન્થ્રાનિલેટ, એમાઇન, ક્વિનૉલિન, પિરિડિન, સાઇનાઇડ વગેરે સંયોજનો.

બાષ્પશીલ તેલો એક કરતાં વધુ રાસાયણિક પદાર્થોનાં મિશ્રણ હોય છે, જેમાં કાર્બનિક રસાયણનાં સંતૃપ્ત યા અસંતૃપ્ત એલિફૅટિક, ચક્રીય, એલિસાઇક્લિક, ઍરોમૅટિક વગેરે ઘણાબધા વર્ગોનાં રસાયણો હોય છે. આ ઉડ્ડયનશીલ યા બાષ્પશીલ તેલોમાં કયાં કયાં રાસાયણિક ઘટકો આવેલા છે તેનું પૃથક્કરણ કરવા માટે બાષ્પ પ્રાવસ્થા વર્ણલેખિકી (vapour – phase – chromatography) નામની આધુનિક પદ્ધતિ વપરાય છે.

સારણી 2 : કેટલાંક ઉડ્ડચનશીલ તેલોની ત્વચા પર બળતરા કરતી અસરો

બાષ્પશીલ/ઉડ્ડયનશીલ તેલ કસોટી સંખ્યા (કુલ) હકારાત્મક અસર (કુલ)
બર્ગામોટ 20 3
કડવી બદામ 24 1
રોઝવુડ 30 1
કાસિયા 24 2
ધાણા 22 1
જિરેનિયમ-અલ્જિરિયા 24 1
આઇરિસ 20 2
લવન્ડર (38 %) 28 1
પિપરમિન્ટ 20 1

બાષ્પશીલ તેલ ચિકિત્સામાં ઔષધ તરીકે વપરાતાં હોવાથી પ્રાણીઓ પર તેમના પ્રયોગો કરી તેમની ક્રિયાશીલતા નક્કી કરાય છે, જે ઔષધગુણવિજ્ઞાનીય સક્રિયતા (pharmacological activity) તરીકે ઓળખાય છે. આવાં તેલોની ચામડીમાં શોષાવાની પ્રક્રિયા ત્વરિત અને વધુ હોય છે, જે તેમનાં વસા-દ્રાવ્યતા (liposolubility) નામક ગુણને આભારી છે; દા.ત., ટર્પેન્ટાઇન, લવન્ડર, નીલગિરિ, નારંગી જેવાં તેલ ગિનીપિગ નામક ઉંદરડા જેવાં નાનાં પ્રાણીઓની ત્વચા પર લગાડવામાં આવ્યાના બે કલાક પછી તેમના શ્વાસમાંથી શોધી કાઢવામાં આવ્યાં હતાં. તજ અથવા ફુદીનામાંથી મળતા તેલનું શોષણ પણ ત્વરિત હોય છે.

વિવિધ બાષ્પશીલ તેલો સફેદ ઉંદર(mouse)ની ત્વચા પર લગાડવાના પ્રયોગ પછી તેનાં જે તે અંગ બહેર મારી જવાની યા ઠંડું પડી જવાની અસરો પણ માલૂમ પડી છે. વળી કદીક મૃત્યુ પણ નીપજી શકે તેવી વિષમય અસરો પણ નોંધવામાં આવી છે. (સારણી 1).

પ્રયોગકારોએ એક વાત નોંધી છે કે જ્યારે કોઈ પણ બાષ્પશીલ તેલ (ઊર્ણાવસા) લેનોલિન ક્રીમમાં મેળવીને લગાડાય છે ત્યારે તે ખૂબ જ ધીમી ગતિએ ત્વચામાં શોષાય છે. ઘણાં તેલો સૂક્ષ્મ જીવાણુનો નાશ કરવાની ક્ષમતા ધરાવે છે, પરંતુ આધુનિક પ્રતિજૈવક ઔષધો (antibiotics) આવ્યા બાદ તેમનો ઉપયોગ ઘટી ગયો છે. વળી આ બાષ્પશીલ તેલો લગાડતાં ત્વચા પર થતી ચરચરાટી યા બળતરાનો  અનુભવ થાય છે. આથી જ ઘણાં આવાં તેલો માનવીની ત્વચા પર લગાડવા માટે ઓછાં ઉપયોગી રહ્યાં છે. (જુઓ સારણી 2).

બર્ગામોટ બાષ્પશીલ તેલ ત્વચા પર લગાડી તેને  સૂર્યના પ્રકાશમાં ખુલ્લી રખાય તો બેરલોક ત્વચાશોથ (dermatitis) નામક ત્વચાનો રોગ થાય છે; પણ જો તેને પ્રકાશની ગેરહાજરીમાં મલમ સાથે ભેળવીને લગાડાય તો સૂક્ષ્મ જીવાણુ યા ફૂગ વડે રોગિષ્ઠ/ખરાબ થયેલી ત્વચામાં ઉત્કૃષ્ટ પરિણામ આપે છે.

ચેમોમિલ જેવું તેલ શરીરના સોજા સામે શક્તિશાળી અસર દાખવે છે, કારણ કે તેમાં કેમાઝ્યુલીન (chamazulene) નામક સત્વ યા રસાયણની સંકેન્દ્રિતતા વધુ હોય છે.

ઉડ્ડયનશીલ યા બાષ્પશીલ તેલો વિશે થોડી જરૂરી માહિતી સારણી 3માં આપી છે.

સારણી 3 : અગત્યનાં બાષ્પશીલ તેલો વિશે જરૂરી માહિતી

બાષ્પશીલ તેલ વાનસ્પતિક સ્રોતો છોડના ભાગ % તેલ અગત્યનાં રસાયણ ઉપયોગ
કડવી બદામનું તેલ પ્રુનસ એમિગ્ડેલસ ફળનાં મીંજ 0.5–0.7 બૅન્ઝાલ્ડિહાઇડ ત્વચાના રોગ માટે
બે (bay) પિમેન્ટા રેસમોસા પર્ણો 1.0–3.4 યુજિનોલ, ચેવિકોલ જંતુનાશક; વાળના પોષણમાં
બર્ગામોટ સાઇટ્રસ ઓરેન્ટિથમ એલ ફળ 0.5 લિનેલાઇલ એસિટેટ ઔષધમાં; વાળનાં પોષણમાં
સ્વીટ બર્ચ બેટ્યુલા લેન્ટા એલ છાલ 0.1–0.2 મિથાઇલ સેલિસિલેટ ઔષધમાં; માઉથવૉશ, બામ માટે
કેજીપુટ મેલાલ્યૂકા માઇનર પર્ણ, ડાળી 1.0 સિનિયોલ કફ, દમ, દાંત, કરમિયાનાં ઔષધોમાં
કપૂર સિનેમોનમ કૅમ્ફોરા થડ, ડાળી 1.0–3.0 કૅમ્ફર, સેફરોલ ઔષધ, બામ, ઇન્હેલર માટે
ઇલાયચી ઇલેટારિયા કાર્ડેમોમમ બીજ 3.5–7.0 સિનિયોલ, ટર્પિનિયોલ, ટર્પિનાઇલ એસિટેટ ઔષધમાં
દેવદાર સિડરસ ઍટલાન્ટિકા થડ 2.0–2.5 સિડરોલ, સિડ્રીન, સિડ્રેનોલ ઔષધમાં
તજ (સિનેમોન) સિનેમોનમ ઝિલેનિકમ છાલ 0.2 સિનેમાલ્ડિહાઇડ, યુજિનોલ ઔષધમાં; માઉથવૉશ માટે
સિટ્રોનેલા (જાવા) સિમ્બૉપૉગૉન સિટ્રોનેલાલ, જિરેનયોલ
વિન્ટરિયેનસ જોવિટ ઘાસ 0.7 ડી-સિટ્રોનેલોલ ઔષધમાં
લવિંગ યુજેનિયા કારિયોફિલસ કળી 15–20 યુજિનોલ કફ, શરદીનાં ઔષધો; માઉથવૉશ માટે
કોથમીર કોરિએન્ડ્રમ સટાઇવમ એલ. ફળ 0.4–1.1 ડી-લિનાલુલ ઔષધમાં
યુકેલિપ્ટસ યુકેલિપ્ટસ સિટ્રિઓડોરા પર્ણો 2.0–3.0 યુકેલિપ્ટોલ યુકેલિપ્ટોલ ઔષધ બનાવવા માટે
વરિયાળી ફોએનિક્યુલમ વલ્ગારી ફળ 1.0–6.0 એમિથોલ, ફ્રેન્ચોન એસેમાથેરાપી માટે
જિરેનિયમ પેલાર્ગોનિયમ ગ્રેવિયોલેન્સ પર્ણ, ડાળી 0.1–0.3 જિરેનિયૉલ સિટ્રોનેલોલ ઔષધમાં
આદુ (જિન્જર) જિન્જર ઑફિસિનેલ રોઝ રાઇઝોમ 1.5–3.0 જિન્જિબેરિન આયુર્વેદિક ઔષધમાં
જ્યુનિપર જ્યુનિપેરસ કૉમ્યુનિસ એલ. ફળ 0.8–1.6 ટર્પિન્સ મૂત્રલ; ઔષધો માટે
લવન્ડર લેવેન્ડ્યુલા ઓફિસિનાલિસ ફૂલ 0.3–0.9 સિનેલાઇલ એસિટેટ ઉત્તેજક ઔષધમાં
લીંબુ સાઇટ્રસ લિમોનમ ફળની પેશી 0.35 લિમોનિન, સિટ્રાલ ઔષધમાં
જાયફળ (નટમેગ) મિરિસ્ટિકા ફ્રેગ્રન્સ કળી 6–16 સેબિનિન, બીટા પાઇનિન્સ ઔષધમાં
નારંગી (ઑરેન્જ) સાઇટ્રસ ઑરેન્ટિયમ ફળની પેશી 0.3 લિમોનિન, ઑક્ટેનાલ ઔષધમાં
પિપરમિન્ટ મેન્થા પાઇપેરિટા એલ. પર્ણ વગેરે 0.3–0.4 મૅન્થૉલ ઉત્તેજક ઔષધો; માઉથવૉશ માટે
પાઇન (નિડલ્સ) પાઇનસ ટ્યુમિલિયો ડાળી, પર્ણ 0.3–0.4 બોર્નિયોલ, બોર્નીલ, એસિટેટ (ટર્પિન્સ) કફ, શરદી, સંધિવાનાં ઔષધમાં
રોઝમેરી રોઝમેરિનસ ઑફિસિનાલિસ પર્ણ, ડાળી 0.4–0.7 સિરિયોલ, કૅમ્ફર, બોર્નિયોલ રોઝમેરી ઔષધ-સહાયક (adjuvant)
થાઇમ થાયમસ ઝિજીસ એલ. પર્ણ વગેરે 0.7 કારવેકરોલ, થાયમોલ જીવાણુનાશક ઔષધોમાં દાંતની સારવાર માટે
યેલાન્ગ-યેલાન્ગ કેનેન્ગા ઓડોરાટા હુક ફૂલ 1 એસ્ટર, આલ્કોહૉલ ઔષધમાં

બાષ્પશીલ તેલો ઔષધ તરીકે ઘણા રોગોમાં વપરાય છે. મોટેભાગે તે મલમ અથવા ક્રીમના રૂપમાં વધુ વાપરવામાં આવે છે. ચિકિત્સામાં તે એક જ નહિ, પણ એક કરતાં વધારે તેલ ભેગાં કરીને વાપરવામાં આવે છે. તેની માલિશ કરવામાં આવે છે યા નાહવાના પાણીમાં થોડાંક ટીપાં નાખી સ્નાન કરાય છે. બાષ્પશીલ તેલોના આવા ઔષધીય ઉપયોગો ધરાવતી ચિકિત્સાને સૌરભ-સારવાર (એરોમા થેરાપી) તરીકે ઓળખવામાં આવે છે. વિવિધ રોગોમાં બાષ્પશીલ તેલોનો ઉપયોગ નીચે પ્રમાણે થાય છે :

જો લોહીનું પરિભ્રમણ બરોબર ન થતું હોય યા ખૂબ જ ઓછું થતું હોય તો તેમાં જ્યુનિપર, સાઇપ્રસ, આદુ, લવન્ડર, નારંગી તથા લીંબુનાં તેલના મિશ્રણનું શરીર પર માલિશ કરાય છે. આની સાથે કસરત, ઊંડા, શ્વાસોચ્છવાસ વગેરે ખૂબ જ લાભકર્તા છે.લોહીનું ભ્રમણ : ઘણી વાર રુધિરાભિસરણમાં અનેક પ્રશ્નો ઊભા થાય છે ત્યારે વિવિધ બાષ્પશીલ તેલોનો ઔષધ તરીકે ઉપયોગ કરવામાં આવે છે; દા.ત., ઉચ્ચ રક્તચાપ અથવા લોહીનું ઊંચું દબાણ હોય ત્યારે બે તેલો ખાસ ઔષધ તરીકે વાપરવામાં આવે છે – લવન્ડર અને યેલાન્ગ–યેલાન્ગ. નાહવાના પાણીમાં તેનાં ટીપાં નાખવામાં આવે છે, શરીર પર તેનું મર્દન કરવામાં આવે છે અને ઓરડામાં તેનો સ્પ્રેની જેમ છંટકાવ કરવાથી લોહીના ઊંચા દબાણને નીચું લાવવામાં મદદ મળે છે.બાષ્પશીલ તેલો ઔષધ તરીકે ઘણા રોગોમાં વપરાય છે. મોટેભાગે તે મલમ અથવા ક્રીમના રૂપમાં વધુ વાપરવામાં આવે છે. ચિકિત્સામાં તે એક જ નહિ, પણ એક કરતાં વધારે તેલ ભેગાં કરીને વાપરવામાં આવે છે. તેની માલિશ કરવામાં આવે છે યા નાહવાના પાણીમાં થોડાંક ટીપાં નાખી સ્નાન કરાય છે. બાષ્પશીલ તેલોના આવા ઔષધીય ઉપયોગો ધરાવતી ચિકિત્સાને સૌરભ-સારવાર (એરોમા થેરાપી) તરીકે ઓળખવામાં આવે છે. વિવિધ રોગોમાં બાષ્પશીલ તેલોનો ઉપયોગ નીચે પ્રમાણે થાય છે :

ઘણી વાર હાથપગ ઠંડીમાં ફૂલી જાય છે, જે ચિલબ્લેઇન્સ તરીકે ઓળખાય છે. તેમાં લવન્ડર તથા લીંબુનું તેલ વપરાય છે. તેનું મર્દન કરાય છે. તે હાથપગ ધોવામાં વપરાય છે તથા આ બંને તેલના મિશ્રણને મલમના રૂપમાં પણ વાપરવામાં આવે છે.

ઘણી વાર કોષોમાં સોજો આવી જતાં ગડગૂમડ થાય છે, જેને સેલ્યુલાઇટ કહે છે. તે લોહીના અનિયમિત પરિભ્રમણને જ આભારી હોય છે. તેમાં ઘણાં બધાં તેલોનું મિશ્રણ વપરાય છે; જેમાં જ્યુનિપર, સાઇપ્રસ, રોઝમેરી, લવન્ડર, લીંબુ તથા વરિયાળીના તેલનો સમાવેશ થાય છે. ખાસ તો તે માલિશ કરવા તથા નાહવા માટે વાપરવામાં આવે છે.

કબજિયાત : કબજિયાતના નિરાકરણ માટે ગુલાબ, રોઝમેરી, મારજોરમ તથા વરિયાળીનાં તેલો વપરાય છે. તે નાહવામાં તથા મર્દન કરવામાં પણ વપરાય છે. ખાસ કરીને પેઢુના ભાગ પર ઘડિયાળની દિશામાં મોટા આંતરડાના આકાર પ્રમાણે માલિશ કરવાથી લાભ થાય છે.

મુખના રોગો : મુખપાક(mouth ulcers)ના રોગોમાં કોગળા કરવા (mouth wash) માટે ચાના છોડનું તેલ (tea-tree oil), સાઇપ્રસ વગેરે વપરાય છે. આ સાથે માનસિક તાણ ઘટાડવાનો પ્રયત્ન કરવાથી તથા રોજ 1 ગ્રામ વિટામિન-સી તથા બી-કૉમ્પ્લેક્સ લેવામાં આવે તો તે વધુ લાભકર્તા નીવડે છે.

વાળના રોગો : વાળમાં ઘણી વાર ખોડો થાય છે. પુરુષો કરતાં મહિલાઓ માટે આ ખૂબ જ નાજુક પ્રશ્ર્ન બની રહે છે. આ ખોડો દૂર કરવા માટે ચેમોમિલ, જ્યુનિપર, રોઝમેરી, લવન્ડર તથા યુકેલિપ્ટસનાં બાષ્પશીલ તેલ ભેગાં કરી માથાના વાળના મૂળમાં માલિશ કરવામાં આવે તો લાભ થાય છે અને ખોડો થતો અટકે છે. વળી તે વાળ વધારવામાં પોષક તત્ત્વ તરીકે પણ કાર્ય કરે છે.

વાળમાં થતી જૂ માટે વાળમાં નાખવાના તેલ તરીકે લવન્ડર, રોઝમેરી, ચા તથા નીલગિરિનાં તેલનું મિશ્રણ કરી માથામાં નખાય છે, જે ખૂબ જ લાભકર્તા નીવડે છે.

સ્નાયુ તથા સાંધાના રોગો : ઘણી વાર અત્યંત શ્રમને લીધે સ્નાયુઓનો દુખાવો થાય છે. આવા સમયે લવન્ડર, નીલગિરિ, રોઝમેરી, જ્યુનિપર, સાઇપ્રસ, મારજોરમ, ચેમોમિલ તથા પાઇન-નિડલનાં તેલો ભેગાં કરી માલિશ કરવાથી, નાહવાના પાણીમાં થોડાંક ટીપાં નાખી સ્નાન કરવાથી અથવા સ્નાયુ પર લગાડી પટ્ટી દબાવી રાખવાથી દુખાવો ઓછો થાય છે યા તે બિલકુલ મટી જાય છે. માલિશને રોજની આદત બનાવવાથી આવા સ્નાયુના દુખાવામાં બાષ્પશીલ તેલોનું ઉપર્યુક્ત મિશ્રણ અત્યંત લાભકર્તા નીવડે છે.

વા તથા સંધિવા જેવા રોગોમાં ચેમોમિલ, સાઇપ્રસ, આદુ, મારજોરમ, રોઝમેરી, લીંબુ, નીલગિરિ, જ્યુનિપર, ધાણા તથા લવન્ડરનું તેલ મિશ્ર કરી આ મિશ્રણનું દુખતા સાંધા પર માલિશ કરવાથી અને માલિશ કર્યા બાદ હૂંફાળા પાણી તથા ઠંડા પાણીનો વારાફરતી શેક લેવાથી અને છેલ્લે ઠંડા પાણીથી સ્નાન કરવાથી અત્યંત લાભ થાય છે. જો ખૂબ જ સોજા ચડ્યા હોય તો આવા સોજા પર માલિશ કરવી હિતાવહ ગણાતું નથી.

શ્વસનતંત્રના રોગો : શ્વસનતંત્રના રોગોમાં મુખ્યત્વે શરદી, ફ્લૂ, સાઇનસ તથા ઉધરસ-કફ વગેરેનો સમાવેશ થાય છે. આ માટે જ્યુનિપર, નીલગિરિ, ચા, પિપરમિન્ટ, પાઇન-નિડલ, મારજોરમ, લવન્ડર, લીંબુ, લસણ (કૅપ્સૂલ્સ), લવિંગ, તજ વગેરે તેલોનો ઉપયોગ થાય છે. ઉપર્યુક્ત તેલોનાં મિશ્રણનો વરાળિયો નાસ લેવાથી યા નાહવાના પાણીમાં થોડાંક ટીપાં નાખી સ્નાન કરવાથી ફાયદો થાય છે. છાતી ઉપર માલિશ કરવું પણ શરદી, કફ માટે લાભકર્તા છે. લવન્ડર, નીલગિરી, લવિંગ, તજ વગેરે તેલનાં મિશ્રણનો ઓરડામાં છંટકાવ કરવો પણ ફાયદાકારક ગણાય છે.

નાક ગળતું હોય, ગળામાં સોજો આવ્યો હોય તો તેમાં લવન્ડર, માયર, સૅન્ડલવુડ યા ચંદન, ચેમોમિલ, નીલગિરિ તથા રોઝમેરી જેવાં બાષ્પશીલ તેલોનાં મિશ્રણનો નાહવામાં તથા વરાળિયા નાસમાં ઉપયોગ કરવાથી લાભ થાય છે.

ત્વચાના રોગ : ચહેરા પર થતા ખીલ એ ત્વચાનો રોગ ગણાય છે. આ ખીલ ન થાય તે માટે ચેમોમિલ, જ્યુનિપર, લવન્ડર, ચંદન તથા રોઝમેરીનાં તેલનું મિશ્રણ ચહેરા પર લગાડી માલિશ કરાય છે. તે ચહેરા પર પોષક દ્રવ્ય તરીકે પણ કાર્ય કરે છે. વરાળિયા નાસમાં આ તૈલમિશ્રણ નાખી નાસ લેવાથી પૂરતો લાભ મળે છે અને ખીલ ખૂલી જઈ મટી જાય છે.

રમતવીરોમાં મોટેભાગે જોવા મળતો પગનો રોગ જે ‘એથલેટ્સ ફૂટ’ તરીકે ઓળખાય છે તેમાં અસરગ્રસ્ત ભાગ પર (જે ખાસ કરીને પગના અંગૂઠાની વચમાં હોય છે.) દાદર જેવું થાય છે; જેમાં લવન્ડર, નારંગી તથા ચાના તેલના મિશ્રણને સીધું જ લગાડાય છે યા તો તેનો મલમ બનાવી લગાડાય છે. ત્યારબાદ પગે શેક લેવામાં આવે છે. પગને હવા તથા સૂર્યપ્રકાશમાં ખુલ્લા રાખવા જરૂરી હોય છે.

ચામડીના અન્ય રોગો જેવા કે દાદર, ખસ તથા ખરજવામાં અનુક્રમે ચા તથા જિરેનિયમનાં; પિપરમિન્ટ, લવન્ડર, રોઝમેરી તથા ચાનાં અને ચેમોમિલ, લવન્ડર વગેરેનાં મિશ્રણ ઘસવામાં આવે છે. લીલા ખરજવામાં જ્યુનિપર બાષ્પશીલ તેલ લાભકર્તા છે. આ માટે ઉપર્યુક્ત તેલોનો મધમાખીના મીણમાં મલમ બનાવાય છે અને તેઓની સંકેન્દ્રિતતા પ્રમાણમાં ઓછી રાખવામાં આવે છે.

માનસિક રોગો : આજના સમયમાં ઘણી બધી ચિંતાઓના બોજને કારણે પ્રત્યેક માનવી યેન કેન પ્રકારેણ માનસિક તાણનો અનુભવ કરે છે. આ માટે બર્ગામોટ, ચેમોમિલ, સાઇપ્રસ, જિરેનિયમ, ફ્રૅન્કિન્સેન્સ, ચંદન, જ્યુનિપર, મારજોરમ, પારચોઉલી, ગુલાબ, યેલાન્ગ-યેલાન્ગ જેવાં તેલોનું મિશ્રણ ઓરડામાં છાંટવાથી, તેમનાથી માલિશ કરવાથી તથા નાહવાના પાણીમાં તેમનો ઉપયોગ કરવાથી લાભ થાય છે અને માનસિક તાણ કાં તો દૂર થાય છે અથવા હળવી બને છે.

ઉદાસી (depression) તથા અનિદ્રાના રોગમાં પણ ઉપર્યુક્ત મિશ્રણ લાભ કરે છે. ચેમોમિલ તથા લવન્ડર તેલ તેમાં મુખ્ય હોય છે.

માથાના દુખાવામાં ચેમોમિલ, લવન્ડર, ગુલાબ, રોઝમેરી, મારજોરમ તથા પિપરમિન્ટનાં બાષ્પશીલ તેલોના મિશ્રણને વાળના મૂળમાં ઘસવામાં આવે છે અથવા ગળા, કપાળ, ચહેરા પર તેનું માલિશ કરવામાં આવે છે. પિપરમિન્ટના અર્કની બૉટલમાંથી શ્વાસ/નાસ લેવાથી પણ ફાયદો થાય છે.

સ્ત્રીઓના રોગો : અનિયમિત માસિક, માસિક દરમિયાન દુખાવો તથા માનસિક અશાંતિ જેવા સ્ત્રીરોગોમાં સાઇપ્રસ, ક્લેરિયેજ, જિરેનિયમ, ચેમોમિલ તથા વરિયાળીનાં તૈલમિશ્રણનો નાહવામાં, માલિશમાં તથા ઓરડામાં છંટકાવ માટે ઉપયોગ કરવામાં આવે છે. તેથી ફાયદો થાય છે. માસિક દરમિયાન પેઢુના દુખાવા માટે જિરેનિયમ, જ્યુનિપર, સાઇપ્રસ, ચેમોમિલ, લવન્ડર, ચંદન, સિડારવૂડ જેવા તેલોનાં મિશ્રણનું મર્દન, સ્નાન ફાયદો કરે છે. બજારમાં તૈયાર પૅકેટો પણ મળે છે, જેમાં ઝિંક સાથે પ્રિમરોઝ ઑઇલ, વિટામિન-બી તથા સી હોય છે.

પ્રાથમિક સારવાર (First Aid) : ઉઝરડામાં મારજોરમ તથા વરિયાળી જેવાં તેલ અસરકારક પુરવાર થયાં છે, જે મલમ રૂપે વપરાય છે. દાઝ્યા પર લવન્ડરનું તેલ સીધું જ લગાડી શકાય છે. ઘા રુઝાવવા માટે નીલગિરિ લવન્ડર તથા રોઝમેરીનું તેલ વપરાય છે. કીડી, મધમાખ જેવા જીવજંતુના ડંખ માટે લવન્ડર તથા ચાના છોડનું તેલ ખૂબ જ અસરકારક રહે છે.

બાષ્પશીલ તેલોનાં નમૂનારૂપ થોડાંક ઔષધો :

સ્નાયુ તથા સાંધા માટે : ગ્રેપસીડ ઑઇલ અથવા કોઈ પણ વાનસ્પતિક તેલ 50 મિલી. ગાઢા કાચની બાટલીમાં લઈ તેમાં 10 ટીપાં જ્યુનિપર, 10 ટીપાં લવન્ડર તથા 10 ટીપાં લીંબુનું ઉડ્ડયનશીલ તેલ નાખી હલાવી મિશ્ર કરવામાં આવે છે. દુખતા સ્નાયુ તથા સાંધા માટે આ ખૂબ જ અકસીર છે.

જૂ-ની સારવાર માટે : વાળ ભીના કરી માથાના તળ ભાગમાં 75 મિલી. વાનસ્પતિક તેલ(જે 25 ટીપાં નીલગિરિ, 25 ટીપાં લવન્ડર તથા 25 ટીપાં રોઝમેરીનું તેલ નાખી બનાવેલ હોય છે.)ની માલિશ કરવામાં આવે છે, જેથી તે વાળના મૂળ સુધી પહોંચે. કલાકેક પછી શૅમ્પૂથી વાળ ધોઈ નાખી જૂ-નાં ઈંડાં સારી કાંસકીથી દૂર કરવામાં આવે છે.

કોગળા માટે (mouth wash) : 30 મિલી. માયર્હ ટિંક્ચર, 10 ટીપાં પિપરમિન્ટ કે વરિયાળીનું તેલ, તથા 15 ટીપાં ચાના છોડનું તેલ ભેગું કરી તેના 6થી 8 ટીપાં એક કપ હૂંફાળા પાણીમાં નાખી દિવસમાં બેથી ત્રણ વાર કોગળા કરવાથી દાંતનાં પેઢાં મજબૂત થાય છે અને મોંમાં પડેલાં ચાંદાં રુઝાય છે.

ખીલ તથા તૈલી ત્વચા માટે : 1 ચમચો યોગર્ટ યા દહીં, 1 ચમચો યીસ્ટ પાઉડર, ½ ચમચો યા જરૂર પડતું હૂંફાળું પાણી, ½ ચમચો બદામનું તેલ, 1 ટીપું લવન્ડરનું યા નારંગીનું તેલ યા બધું ભેગું કરી તેની પેસ્ટ બનાવી નાહ્યા પછી ચહેરો, ગરદન વગેરે પર લગાડી 10–15 મિનિટ રહેવા દઈ ઠંડા પાણીથી ધોઈ નાખવામાં આવે છે.

આમ ઉડ્ડયનશીલ યા બાષ્પશીલ તેલો કુદરતમાંથી મળતાં નિર્દોષ ઔષધો છે. સૌરભ-સારવાર(aroma-therapy)માં શરીર પર અમુક ચોક્કસ પદ્ધતિથી તેની માલિશ થાય છે અથવા તો તેની સુગંધ આપવામાં આવે છે અને એ રીતે વિવિધ રોગોમાં તેમનો બહોળો ઉપયોગ થાય છે. પ્રત્યેક અંગ પર માલિશ કરવાની અમુક ચોક્કસ પદ્ધતિ હોય છે. તેમને ક્રીમ યા બીઝવૅક્સમાં મેળવીને પણ ત્વચા પર લગાડાય છે.

સુગંધ માનવીના સ્વાસ્થ્ય માટે હિતકારી છે, પણ ચિકિત્સા માટે સુગંધીદાર બાષ્પશીલ તેલોનો ઉપયોગ સાવધાનીથી કરવો જરૂરી છે.

યોગેન્દ્ર કૃ. જાની