બાવા, મનજિત (જ. 1941, પંજાબ) : આધુનિક ભારતીય ચિત્રકાર. દિલ્હી-નિવાસી શીખ પિતા બાંધકામના કોન્ટ્રૅક્ટરનો ધંધો કરતા હતા. 5 બાળકોમાં તેઓ સૌથી નાના હતા. બાળપણ અને વિદ્યાર્થીકાળ દિલ્હીમાં વીત્યાં. તેઓ આઠમા ધોરણમાં આવ્યા ત્યારથી જ સુંદર ચિત્રો દોરી શકતા. પિતા અને મોટા ભાઈઓએ શરૂઆતથી જ કળા માટે તેમને પ્રોત્સાહક વાતાવરણ પૂરું પાડ્યું. દિલ્હી સ્કૂલ ઑવ્ આર્ટમાં 1958થી 1963 સુધી તેમણે કલાભ્યાસ કર્યો અને તે દરમિયાન સાઇકલ પર લાંબા પ્રવાસો ખેડી અઢળક ત્વરાલેખનો (sketches) કર્યાં. 1964થી 1971 સુધી તે ઇંગ્લડ રહ્યા અને ત્યાં ‘ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ એજ્યુકેશન’માં ચિત્રકળાનું શિક્ષણ આપ્યું. 1977થી 1982 સુધી તેઓ હિમાચલ પ્રદેશના ડેલ્હાઉસીના મ્યુનિસિપલ કમિશનર હતા. તે પછી તેઓ દિલ્હી-નિવાસી બન્યા છે.
મનજિત તૈલરંગો વડે વિશાળ કૅન્વાસ પર કામ કરે છે. તેમનાં ચિત્રોમાં બહુધા પ્રાણીઓ અને ક્વચિત્ એકલદોકલ માનવઆકૃતિ સાથે પ્રાણીઓ હોય છે. રંગો હંમેશાં ભડકીલા ઘેરા હોય છે. કોઈ પણ એક રંગની સપાટ ભૂમિકા તૈયાર કરી તેઓ ગાય, વાઘ, સિંહ, બકરાં, ઘોડા, પંખી જેવાં પ્રાણીઓની આકૃતિઓ આકર્ષક રીતે રજૂ કરે છે. તેમની રંગોની પસંદગી આંખને ઝાટકો આપનારી હોય છે, કારણ કે તેઓ વિરુદ્ધ પ્રકૃતિના રંગોને બાજુબાજુમાં મૂકે છે. મનુષ્ય અને પ્રાણીઓની આકૃતિના સંયોગથી તેઓ સર્કસનાં ર્દશ્યો અને જટાયુવધ તથા ગાયો ચરાવતા કૃષ્ણ જેવાં પૌરાણિક ર્દશ્યો પણ ઊભાં કરે છે; પરંતુ આ ર્દશ્યો રાજા રવિવર્માના જેવી વાસ્તવિક શૈલીમાં નથી, કે નથી તેમાં માનવપાત્રો પર ઘરેણાંના ઠઠેરા; કે નથી તેમાં બંગાળશૈલી જેવો પ્રાચીન-મધ્યકાલીન ભારતીય કલાના પુનરુત્થાનનો હેતુ. ચિત્રોની પૃષ્ઠભૂમિકામાં એક જ રંગ સપાટ પૂરવાને કારણે આકૃતિઓ ગુરુત્વાકર્ષણ-વિહીન રંગીન અવકાશમાં તરતી જણાય છે અને આ રીતે બિનજરૂરી જણાતી વિગતો ચિત્રોમાંથી ટાળવાનું તેઓ પસંદ કરે છે. તેઓ નાજુકની સામે વિકરાળ પ્રાણીઓનાં સુંદર સંતુલનો સર્જી શકે છે. ચિત્રમાં વાઘ કે સિંહની સામે નાની ખિસકોલીને તેઓ એવી રીતે ગોઠવે છે કે ઓછી જગા રોકવા છતાં તે ખિસકોલી દર્શકનું ધ્યાન વિરાટકાય વાઘસિંહ જેટલું જ, કે કદાચ તેથી પણ વધુ ખેંચે.
તેમને 1980માં રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો છે અને તેમનાં ચિત્રોનાં અનેક પ્રદર્શનો થયાં છે.
અમિતાભ મડિયા