બાવા, બળવંતસિંહ (જ. 1915) : પંજાબી લેખક. એમનું મૂળ નામ મંગલસેન. એમણે તખલ્લુસ બળવંતસિંહ રાખ્યું. એમણે પરંપરાગત મહાજની લિપિનો ઊંડો અભ્યાસ કર્યો અને મુનીમનું કામ શીખી લીધું. એમણે રીતસરનું શાળાનું શિક્ષણ લીધું નહોતું; પણ એમના પિતાએ એમને હિન્દી, ઉર્દૂ અને ફારસી શીખવ્યું.
એમણે આજીવિકા માટે જાતજાતનાં કામો કર્યાં. એમણે ઉર્દૂમાં રાષ્ટ્રપ્રેમનાં ગીતો રચી સાહિત્યક્ષેત્રમાં પ્રવેશ કર્યો. 1932માં રાષ્ટ્રપ્રેમનાં ઉર્દૂ કાવ્યોનો તેમનો સંગ્રહ ‘શેરે હિન્દ’ શીર્ષકથી પ્રગટ થયો. 1914માં ‘મહાન-નાચ’ નામનો એમનો પંજાબી કાવ્યસંગ્રહ પ્રગટ થયો, જેણે એમને અગ્રગણ્ય પંજાબી કવિ તરીકે સ્થાપ્યા. એ સંગ્રહનાં કાવ્યોમાં એમણે વ્યોમમાં ભ્રમણ કર્યું છે અને વિરાટની ઝાંખી કરાવી છે. એમના ત્રીજા કાવ્યસંગ્રહ ‘સુગંધ-સમીર’ને 1965ના વર્ષના શ્રેષ્ઠ પંજાબી ગ્રંથ તરીકે પંજાબ સરકારે જાહેર કરી, કવિને પુરસ્કૃત કર્યા હતા. એમના જીવનમાં અનેક આઘાતો આવ્યા હોવા છતાં – અનેક શારીરિક તેમજ માનસિક વ્યથાઓ હોવા છતાં એમનાં કાવ્યોમાં આશાવાદ અને પ્રસન્નતા છે, જે એમની વિશેષતા છે. એમની અન્ય રચનાઓ છે : ‘અમર ગીત’ (1942); ‘જ્વાલામુખી’ (1945), ‘બંદરગાહ’ (1952); ‘કિસ કિસ તરહ કે નાચ’ (1962). ‘કવ સાગર’ (1954) શ્રેષ્ઠ પંજાબી કવિતાનું એમણે કરેલું સંપાદન છે.
ચન્દ્રકાન્ત મહેતા