બાળલગ્ન : ગૃહસ્થજીવન વિવેકપૂર્વક નિભાવી શકે તેવી પક્વ વય પ્રાપ્ત થતાં પૂર્વે છોકરા તથા કન્યાનાં લગ્ન કરાવી દેવાની પ્રથા. પ્રાણીશાસ્ત્ર અનુસાર પ્રાણીના જીવનનું પ્રમુખ કર્તવ્ય પોતાનો વંશ ચાલુ રાખવા સંતાન ઉત્પન્ન કરવાનું છે. મોટાભાગનાં પ્રાણીઓ જન્મ સમયે આ કાર્ય માટે સક્ષમ હોતાં નથી. તેની જનેતા અથવા પ્રકૃતિમાતા તે પક્વ થાય ત્યાં સુધી તેનું પાલનપોષણ કરે છે. પક્વ વય એવી વય છે, જ્યારે પ્રાણી પ્રજનનક્ષમ બને છે તથા આનુષંગિક વિષયોની સમજણ પ્રાપ્ત કરે છે. આમ પ્રાણીઓમાં તથા પુરાતન કાળમાં માણસમાં પણ પક્વ વય પૂર્વે નરમાદાના સંબંધની કોઈ સમસ્યા નહોતી. વૈદિકકાળ પૂર્વે પણ, મહાભારતમાં પાંડુ કુંતીને કહે છે (આદિપર્વ 122 / 4, 7) તે પ્રમાણે, લગ્નપ્રથા નહોતી અને સ્ત્રીપુરુષ પક્વ વયે ઇચ્છા પ્રમાણે સંબંધ બાંધતાં. પરિવાર-પદ્ધતિના વિકાસ પછી ઉદ્દાલક ઋષિના પુત્ર શ્વેતકેતુ આરુણિએ નિયમિત અને સંયમિત ગૃહસ્થજીવન માટે આવશ્યક એવી લગ્નપ્રથાનો આરંભ કર્યો. સ્ત્રીપુરુષ પક્વ વયે સંબંધ બાંધે તેને જ લગ્નનું નામ અપાયું; તેથી આ પ્રારંભિક લગ્નો સદા પક્વ વયનાં લગ્નો જ હતાં. ઋગ્વેદમાં જણાવ્યું છે (10/27/12) કે કન્યા સ્વયં પુરુષોના ટોળામાં જઈ વરને પસંદ કરતી. ‘વર’ શબ્દનો અર્થ પણ પતિ તરીકે પસંદ કરેલો પુરુષ એવો થાય છે. સીતા તથા દ્રૌપદી સહિત સંખ્યાબંધ કન્યાઓ પક્વ વયે પતિની વરણી કરે છે એવાં ર્દષ્ટાંતો પ્રાચીન ગ્રંથોમાં મળે છે. ઋગ્વેદના વિવાહમંત્રો (10/85/26–27,46) પણ કન્યાનાં લગ્ન બાળવયે થતાં નહોતાં તે મતને અનુમોદન આપે છે. ગૃહ્યસૂત્રો તથા ધર્મસૂત્રો પરથી જાણી શકાય છે કે કન્યાના યુવાનવયે લગ્ન કરાતાં. મોટાભાગના સૂત્રકારોએ કન્યાના એક ‘નગ્નિકા’ સ્વરૂપની ચર્ચા કરી છે. નગ્નિકા એવી કન્યા છે જે યૌવનના ઉંબરે પ્રવેશ માટે ઊભી છે. ગૃહ્યસૂત્રોની બીજી એક વાત પણ, ત્યારે બાળલગ્નની પ્રથા નહોતી તે મતનું સમર્થન કરે છે. નવપરિણીતો માટે નિયમ છે કે તેમણે વિવાહના ત્રણ દિવસ તપસ્વી જીવન ગાળવું તથા પ્રથમ વર્ષે સમાગમથી દૂર રહેવું. બારમી શતાબ્દીના ધર્મશાસ્ત્રકાર હરદત્તના જણાવ્યા અનુસાર, ત્યારે કન્યા 14 વર્ષની થઈ જાય તે પછી જ તેનાં લગ્ન અંગે વિચાર કરાતો. શાસ્ત્રોએ વરને સમાવર્તન-સંસ્કાર પછી (અધ્યયન સમાપ્ત થયે) લગ્નયોગ્ય માન્યો છે. વળી, વિવાહ પછીની ચતુર્થ કર્મની વિધિ પણ પક્વ વયનો નિર્દેશ કરે છે. લગ્નની ચાલુ વિધિએ કન્યા રજસ્વલા બને તો શું કરવું તે વિશે ગૃહ્યસૂત્રોએ સ્પષ્ટતા કરેલી છે. વિવાહયોગ્ય કન્યાને પિતા પરણાવવામાં ઢીલ કરે તો કન્યા પોતે પોતાનો યોગ્ય જીવનસાથી શોધી શકે છે એવું ગૌતમ કહે છે. વર્તમાન પૂર્વે 1800 સુધી પરિસ્થિતિ આ પ્રમાણે રહી.
તે પછીના સમયના ‘યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ’નો પ્રચાર વધ્યો. બૌદ્ધ અને જૈન સંપ્રદાયોની વિચારધારા હેઠળ યુવતીઓ સાધ્વી થવા પ્રેરાતી. સાથે સાથે તેનું ભયસ્થાન પણ હતું. ‘ખીલેલું પુષ્પ ભ્રમરોને આકર્ષે તેમ ખીલેલા યૌવનવાળી કન્યા પુરુષભ્રમરોને આકર્ષે છે.’ આ સંજોગોમાં આપત્તિ આવે તે પહેલાં કન્યાને ઠેકાણે પાડી દેવાની વૃત્તિ પ્રબળ બની. લગ્નની વય ઘટતી ગઈ. વિવાહયોગ્ય કન્યા જ્યાં સુધી લગ્નથી વંચિત રહે ત્યાં સુધી તેનો પિતા પાપનો ભાગી બને છે, એવું કહ્યું છે. બીજી એક માન્યતા એવી પ્રબળ બની કે અવિવાહિત કન્યાને સ્વર્ગ પ્રાપ્ત થતું નથી. આમ વર્તમાન પૂર્વે 1400 આસપાસ ખાસ કરીને બ્રાહ્મણોમાં કન્યાની લગ્નવય ઘટીને 14 વર્ષની અંદર ગઈ.
લગ્નવય સંબંધે કન્યાની વયની વિશેષ ચર્ચા થાય છે. જોકે તેનો એવો અર્થ નથી કે વરની વય વિશે મતમતાંતરો નથી. પ્રાચીન વર્ણાશ્રમ પ્રથામાં બ્રહ્મચારી સમાવર્તન-સંસ્કાર પછી જ ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ એટલે કે લગ્નને પાત્ર ગણાતો. સવર્ણોમાં આ વય સામાન્ય રીતે પચીસ વર્ષની હતી. કેટલીક વાર એક, બે કે ત્રણ વેદ તથા અન્ય શ્રુતિસ્મૃતિનાં શાસ્ત્રોના અધ્યયનની ઠરાવેલી અવધિ પ્રમાણે બ્રહ્મચારી વહેલો કે મોડો ઉત્તીર્ણ થતો. એ રીતે તેની લગ્નવયમાં વધઘટ થતી. મનુ અનુસાર વરની વય 30 હોવી જોઈએ; તે 24 હોય ત્યાં સુધી પણ માન્ય છે. મહાભારતે 21થી 30ની વયની ભલામણ કરી છે. આની સામે કન્યાની વય ઘટતી જવાથી વરકન્યાની વય વચ્ચેનો ગાળો વધ્યો. આનું એક સીધું પરિણામ કન્યાના અભ્યાસનાં વર્ષોમાં કાપનું આવ્યું.
આઠમી સદીથી ભારત પર મુસલમાનોનાં આક્રમણોનો આરંભ થયો. સ્ત્રી-બાળકો સહિત ‘કાફરો’ની સર્વ સંપત્તિ પડાવી લેવી તેને ધર્મકાર્ય ગણવામાં આવ્યું. બુદ્ધ અને મહાવીરના અહિંસાના બોધના પ્રચંડ પ્રભાવ હેઠળ ભારતીય પ્રજા હિંસક પ્રતિકારને સ્વીકારી શકી નહિ. રક્ષા માટે તેમણે અન્ય ઉપાયો પ્રયોજ્યા. કન્યાને વહેલી પરણાવી દેવાની વૃત્તિ વધી. લાજ અને ઘૂમટાની પ્રથા પ્રવેશી. આક્રમકોએ વિદ્યાપીઠોનો નાશ કર્યો; ધર્મગ્રંથો બાળી મૂક્યા તથા આચાર્યોની હત્યા કરી. દેશની સમગ્ર શિક્ષણ-પદ્ધતિનો વિધ્વંસ કરાયો. અજ્ઞાન અને દરિદ્રતાએ બાળલગ્નને સમસ્યાનું રૂપ આપ્યું. એની ગંભીરતા વધારવામાં બીજાં કારણોનો ફાળો પણ છે.
ભારત ખેતીપ્રધાન દેશ હોવાથી ખેતીવાડી સંભાળવા કુટુંબવિસ્તાર લાભકારી હતો. વયસ્ક કન્યા ઇચ્છાનુસાર વરને પરણે તેથી ઊભી થતી સમસ્યાને નિવારવા પિતા કન્યાને વહેલી પરણાવી દેવાનું ઇષ્ટ ગણવા લાગ્યા. મોટી વયે કન્યાને સુયોગ્ય વર મળવો કઠિન બનવા લાગ્યું. તેથી સમયસર સારો વર શોધી તેને પરણાવી દેવી અનિવાર્ય બન્યું. વિવાહયોગ્ય ક્ષેત્ર નાનાં થતાં એવા સમાજોની સંખ્યા વધી, જેમાં વર કે કન્યાની અછત હોય. આથી વેળાસર લગ્ન કરી લેવાની વૃત્તિ વધી. પુત્રીની વય જેમ મોટી તેમ ઘણા સમાજોમાં દહેજની રકમ મોટી એવું થવા માંડ્યું. મોટા દહેજથી બચવા પિતા કન્યાને નાની વયે પરણાવવા ઉતાવળા બનતા. વયસ્ક કન્યાના કૌમાર્યભંગનો સંભવ વિશેષ હોય છે. આ ભયથી બચવા પણ કન્યાનાં વહેલાં લગ્ન કરવાના વલણને ઉત્તેજન મળ્યું. સંયુક્ત પરિવાર પ્રથાને લીધે કન્યાનો નિભાવ ભારે પડતો નથી. જ્યારે ઘરનાં કામોમાં તે ઉપયોગી થાય છે. પિતાના અવસાન સાથે માતા સતી થાય તે સંજોગોમાં નાની વયની પુત્રી નિરાધાર ના બને તે હેતુથી તેને વહેલી પરણાવી દેવાનું વલણ હતું. ઊંચી જ્ઞાતિમાં વરની અછત અને નીચી જ્ઞાતિમાં કન્યાની અછત હોય ત્યાં યોગ્ય પાત્ર મળતાં જ માબાપ પુત્રીને પરણાવવા ઉતાવળાં થઈ જતાં. સમય જતાં એવું બન્યું કે કેટલાક સમાજોમાં બાળલગ્નનું ધોરણ સ્થાપિત થયું. તેની ઉપેક્ષા કરવા કોઈ સાહસ કરતું નહિ.
બાળલગ્નના લાભ પણ જોઈ શકાય છે. બાલ્યવયથી વરવધૂ એકબીજાને હળતાં-મળતાં રહે તેથી પરસ્પર ઓળખ અને સમજ સુધરે છે. લગ્નને કારણે વર આર્થિક રીતે પગભર થવા સભાન બને છે. આવેગ સંતોષવાનું સરળ બનવાથી નૈતિક સ્ખલનના પ્રસંગો ઘટે છે.
વિશ્વના બીજા ઘણા દેશોમાં બાળલગ્નની સમસ્યા ભારતની તુલનામાં ઓછી ગંભીર નથી. પ્રશાંત મહાસાગરના દ્વીપોમાં રહેતા બહુએશિયાઈ તથા લઘુએશિયાઈ સમાજોમાં બાળલગ્નની પ્રથા ચાલી આવે છે. પાપુઆ ન્યુગિનીના ત્રોબ્રિયાં દ્વીપસમૂહમાં બાળલગ્ન અતિવ્યાપક છે. પૂર્વે અમેરિકા ખંડોના હબસીઓમાં બાળલગ્ન પ્રચલિત હતાં. એશિયા ખંડમાં પણ એવા સમાજો છે, જ્યાં બાળલગ્ન અજાણ્યાં નથી. ચીનમાં વાગ્દાન માટે કશી વયમર્યાદા નથી. કેટલીક વાર બાળકના જન્મપૂર્વે વાગ્દાન થઈ જાય છે. કોરિયામાં તેરમી સદીમાં બાળલગ્નની પ્રથા વ્યાપક હતી. મૉંગોલ આક્રમકોને પ્રસન્ન રાખવા કોરિયાનો રાજા કોંજોંગ કુમળી કન્યાઓ ભેટ મોકલતો. આ કારણથી ત્યાં બાળલગ્નને ઉત્તેજન મળ્યું. મધ્યયુગમાં ઇંગ્લૅન્ડ સહિત યુરોપના દેશોમાં પાંચ વર્ષની કન્યાનાં લગ્ન કરી દેવાની પ્રથા હતી. અત્યારે પણ યુરોપના દેશો તથા યુનાઇટેડ સ્ટેટ્સમાં લગ્નવયમાં નોંધપાત્ર ઘટાડો થવા સાથે વિનાલગ્ને નાની વયમાં છોકરાછોકરી માતાપિતા બને તેવા પ્રસંગો વધતા જાય છે.
બીજી બાજુ ભારતમાં અંગ્રેજી શાસનમાં સ્થિરતા, રક્ષા અને શિક્ષણનું વાતાવરણ પ્રસરતાં નવા વિચારોનો પવન ફૂંકાવા લાગ્યો. નવી કેળવણીએ સમાજસુધારા આંદોલનને જન્મ આપ્યો. રામમોહન રાય, ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર, કેશવચંદ્ર સેન, જ્યોતિબા ફુલે, મહાદેવ ગોવિંદ રાનડે, ધોંડો કેશવ કર્વે, દલપતરામ, નર્મદ, ગાંધીજી આદિ અગ્રણીઓએ નવા વિચારો પ્રવર્તાવ્યા. બહેરામજી મલબારી, લાલા ગિરધારીલાલ, બક્ષી સોહનલાલ, હરિસિંહ ગૌર, હરવિલાસ સારડા વગેરેએ કુરૂઢિઓ સામે ધારા ઘડવાની વાત કરી. બાળલગ્નના પરિપાકરૂપ બાળમરણ, બાળવિધવા, અવૈધ સંતાન, ભ્રૂણહત્યા આદિ અનિષ્ટોની વ્યાપક ચર્ચા થવા લાગી. સ્ત્રીકેળવણીની ક્ષિતિજ ઊઘડતાં બાળલગ્ન-પ્રથાને એક વધુ ફટકો પડ્યો. કેવળ શારીરિક રીતે જ નહિ, પણ માનસિક રીતે પણ વરકન્યા માતાપિતા થવાને યોગ્ય બને તે પછી જ તે લગ્ન માટે યોગ્ય ગણાય એ વાતનો સ્વીકાર થવા લાગ્યો.
1860માં ભારતીય દંડસંહિતામાં કલમ 375 અને 376 અન્વયે દસ વર્ષથી ઓછી વયની કન્યા કે પત્ની સાથે સમાગમ કરવા પ્રતિબંધ મુકાયો. 1894માં મૈસૂર શાસને બાળલગ્ન-પ્રતિબંધક ધારો ઘડ્યો. 1904માં વડોદરા દેશી રાજ્યે તથા 1927માં ઇંદોર રિયાસતે લગ્ન માટે વરકન્યાની લઘુતમ વય ઠરાવી.
1929માં સારડા ધારા નામે જાણીતો થયેલો બાળલગ્નપ્રતિબંધક ધારો આવ્યો. તેમાં વર અને કન્યાની લઘુતમ લગ્નવય અનુક્રમે 18 અને 14 નિશ્ચિત કરાઈ. 1955માં હિન્દુ લગ્નધારાથી કન્યાની વય 15 વર્ષ કરાઈ. છેલ્લે 1978ના ધારાથી કન્યા માટે લગ્નવય 18 અને વર માટે 21 નક્કી કરાઈ. ગુજરાત સરકારે બાળલગ્નપ્રતિબંધક ધારામાં સુધારો કરી તેના પાલન માટે અધિકારીઓ નીમ્યા.
ઘણાં ક્ષેત્રે બને છે તેમ આવા ક્ષેત્રમાં કેવળ ધારા ઘડવાથી સુધારો લાવી શકાતો નથી. જનજાગૃતિથી જ ઇષ્ટ સુધારાનો પ્રચાર શક્ય બને છે. અહીં સમાજસેવકોની ભૂમિકા મહત્વ ધારણ કરે છે. વ્યાપક કેળવણી પણ મોટો ફાળો આપે છે. વર્તમાનપત્રો, રેડિયો તથા દૂરદર્શનની ભૂમિકા મહત્વની છે. વ્યાપક પ્રચારનાં સાધનો સુલભ બનવાથી તથા પરિવહનના વિકાસને લીધે ગામ અને નગર વચ્ચે અંતર ઘટવાથી જાગૃતિનો પવન ગામોમાં પણ પહોંચ્યો. કન્યાકેળવણીમાં પ્રચંડ ઉછાળો આવવાથી ઘણી કન્યાઓ 20 કે તેથી વધારે વય સુધી હજુ ભણતી હોય એવી સ્થિતિ ઊભી થઈ. ભણેલી કન્યાઓ મોટા પ્રમાણમાં નોકરી તથા વ્યવસાય કરતી થઈ. કમાતી કન્યા વર માટે વધારે ઇષ્ટ બની. બાળક હોવું તે યુવાન સ્ત્રી માટે નોકરીમાં બાધક બનવા લાગ્યું. તેથી સંતાન માટે વહેલાં લગ્નની આવશ્યકતા રહી નહિ. એથી ઊલટું, હરવાફરવા ઉપર તથા વૈભવી જીવનધોરણ પર બાળકના જન્મથી અંકુશ ઊભો થવાથી તેનો જન્મ વિલંબમાં નાખવાનું વલણ વધ્યું. સરવાળે એવી પરિસ્થિતિ ઊભી થઈ, જેમાં એક સમયે બાળલગ્નની કુરૂઢિતાને કારણે વગોવાતા ભારતીય સમાજમાં પશ્ચિમી સમાજની તુલનામાં લગ્નવય વધારે પડતી પાછી ઠેલાઈ. હવે ભરવાડ, રબારી અને ચૌધરી જેવી જ્ઞાતિઓ બાદ કરતાં બાળલગ્નોની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે.
શરીરશાસ્ત્ર અનુસાર સ્ત્રીએ માતા બનવા માટે 20થી 30ની વય શ્રેષ્ઠ છે. આ ઉંમરમાં શારીરિક અને માનસિક ર્દષ્ટિએ માતાનાં સંતાનો પૂર્ણવિકસિત થયેલાં જન્મે છે. 30 અને મોડી વયે સ્ત્રી માતૃત્વની ક્ષમતા ક્રમશ: ગુમાવતી જાય છે. મોડી વયે જન્મતાં બાળકો શારીરિક તથા માનસિક ક્ષતિ-વિકૃતિનો ભોગ બનવાનો સંભવ વધારે હોય છે. બીજી બાજુ, મોટી વયે માતા-પિતા બનતાં દંપતી બાળકના ઉછેરકાળમાં જ વૃદ્ધ બને છે. સંતાનોને ભણાવવા, પરણાવવા તથા નોકરીધંધે વળગાડવાનાં કાર્યો માટે વૃદ્ધ માબાપ નિવૃત્તિના સમયે અનાવશ્યક ભારનો અનુભવ કરે છે.
નિરંજના પટેલ
બંસીધર શુક્લ