બાળમૃત્યુદર

January, 2000

બાળમૃત્યુદર (infant mortality rate) : વર્ષ દરમિયાન જીવતાં જન્મેલાં દર હજાર બાળકોમાંથી એક વર્ષનું આયુષ્ય પૂરું કર્યા પહેલાં મૃત્યુ પામતાં બાળકોની સંખ્યા. બાળમૃત્યુદરને લોકોના આરોગ્યનો તેમજ માનવવિકાસનો એક નિર્દેશક માનવામાં આવે છે. બાળમૃત્યુદરને હવે બે રીતે તપાસવામાં આવે છે. 1 વર્ષનું આયુષ્ય પૂરું કર્યા પહેલાં મૃત્યુ પામતાં બાળકોની સાથે 5 વર્ષનું આયુષ્ય પૂરું કર્યા પહેલાં મૃત્યુ પામતાં બાળકોની સંખ્યાનો પણ વિચાર કરવામાં આવે છે. તેને અંગ્રેજીમાં ‘અંડર ફાઇવ મૉર્ટાલિટી રેટ’ અથવા ‘ચાઇલ્ડ મૉર્ટાલિટી રેટ’ કહેવામાં આવે છે.

બાળમૃત્યુદરને દેશના આર્થિક વિકાસ અને તબીબી જ્ઞાન તથા સેવાના વિકાસ સાથે ગાઢ સંબંધ છે. એક વ્યાપ્તિ રૂપે એમ કહી શકાય કે જેમ જેમ દેશનો આર્થિક વિકાસ સધાતો જાય છે તેમ તેમ બાળમૃત્યુદર ઘટતો જાય છે. આર્થિક વિકાસની પ્રક્રિયામાં કુટુંબોની આવક વધતાં ગર્ભાવસ્થામાં માતાઓ વધુ પોષણ મેળવી શકે છે. તેને પરિણામે ગર્ભાવસ્થામાં બાળકનો સારો વિકાસ થાય છે. સુખી કુટુંબ બાળકની સારી સારસંભાળ લઈ શકે છે, તેને આધુનિક તબીબી સેવાઓનો  રસીકરણ રૂપે અને બીજી રીતે લાભ આપી શકે છે. તેથી દેશમાં આવકવૃદ્ધિની સાથે બાળમૃત્યુદર ઘટે છે. આનો અર્થ એવો નથી કે મોટા આર્થિક વિકાસ વિના બાળમૃત્યુદરને ઘટાડી જ ન શકાય. દેશ કે પ્રદેશનો આર્થિક વિકાસ ઓછા પ્રમાણમાં થયો હોય છતાં આરોગ્ય-વિષયક યોગ્ય નીતિઓ દ્વારા બાળમૃત્યુદરમાં ગણનાપાત્ર ઘટાડો થયો હોય એવા દાખલાઓ મળી આવે છે.

1996ના વર્ષમાં ભારતમાં (એક વર્ષથી નીચેનાનો) બાળમૃત્યુદર 73 હતો, જે પાકિસ્તાનમાં 95 અને બાંગ્લાદેશમાં 83 હતો. આ ગરીબ દેશોની તુલનામાં ઝડપથી વિકસેલા કેટલાક વિકાસશીલ દેશોમાં બાળમૃત્યુદર આ પ્રમાણે હતો : દક્ષિણ કોરિયા 6, મલયેશિયા 13, મૅક્સિકો 27. આની તુલનામાં કૅનેડા, અમેરિકા, ઇંગ્લૅન્ડ, જાપાન તથા જર્મની જેવા વિકસિત દેશોમાં બાળમૃત્યુદર 5થી ઓછો છે. દેશના આર્થિક વિકાસના સ્તર અને બાળમૃત્યુદર વચ્ચેના વ્યસ્ત સંબંધની આ તરેહમાં કેટલાક અવપાદરૂપ દાખલા નોંધવા જેવા છે. શ્રીલંકા એક ગરીબ વિકાસશીલ દેશ છે, છતાં તેમાં બાળમૃત્યુદર 17 હતો અને ચીનમાં તે 38 હતો.

ભારતમાં બાળમૃત્યુદરની બાબતમાં રાજ્યવાર તફાવતો ઘણા મોટા છે. 1992માં ગુજરાતમાં બાળમૃત્યુદર 65 હતો, જ્યારે કેરળમાં તે 15 હતો, પંજાબમાં 55 અને હરિયાણામાં તે 70 હતો. ઉત્તરપ્રદેશમાં 96 અને ઓરિસામાં 116 હતો. આર્થિક વિકાસની ર્દષ્ટિએ જોઈએ તો પંજાબ, હરિયાણા અને ગુજરાત કેરળની તુલનામાં વધુ વિકસિત રાજ્યો છે, પરંતુ બાળમૃત્યુદરની બાબતમાં એ રાજ્યો કેરળથી ઘણાં પાછળ છે. કેરળમાં વધુ સારી આરોગ્યસેવાનો પ્રભાવ બાળમૃત્યુદર પરથી જોઈ શકાય છે.

ભારતમાં રાજ્યવાર બાળમૃત્યુદરનો તફાવત જેમ મોટો છે, તેમ ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં પ્રવર્તતા બાળમૃત્યુદરમાં પણ નોંધપાત્ર તફાવત જોવા મળે છે. 1992માં સમગ્ર દેશમાં ગ્રામીણ વિસ્તારોમાં સરેરાશ બાળમૃત્યુદર 85 હતો, જ્યારે શહેરી વિસ્તારોમાં તે 50 હતો. ગુજરાતમાં ગ્રામીણ વિસ્તારમાં તે 70 અને નગરવિસ્તારમાં 51 હતો. કેરળમાં તે અનુક્રમે 16 અને 12 તથા ઓરિસામાં 121 અને 73 હતો. દેશનાં જે રાજ્યોમાં ગ્રામીણ વિસ્તારોમાં આરોગ્યસેવાઓ વધુ પ્રમાણમાં પ્રસરી છે ત્યાં બાળમૃત્યુદરમાં નોંધપાત્ર ઘટાડો નિપજાવી શકાયો છે, અને તેથી શહેરી અને ગ્રામીણ બાળમૃત્યુદર વચ્ચેનો તફાવત ઘટ્યો છે. ઓરિસામાં ગ્રામીણ વિસ્તારમાં ઊંચો બાળમૃત્યુદર કેવળ ગરીબીનું જ પરિણામ નથી, ગ્રામવિસ્તારોમાં અપ્રાપ્ય કે નબળી આરોગ્યસેવા પણ તેના માટે જવાબદાર છે.

બાળમૃત્યુદરની બાબતમાં એક વિલક્ષણ વલણ ભારતમાં જોવા મળે છે. એક વર્ષથી નાની વયે મૃત્યુ પામતાં બાળકોનો મૃત્યુદર છોકરાઓ અને છોકરીઓ બંને માટે 1992માં 78 હતો, ગુજરાતમાં તે બંને માટે 65 હતો, જ્યારે ઓરિસામાં તે છોકરાઓ માટે 119 અને છોકરીઓ માટે 113 હતો. કેરળમાં તે અનુક્રમે 18 અને 13 હતો. આમાં ઉત્તરપ્રદેશ જેવા કેટલાક અપવાદો પણ છે, જ્યાં છોકરાઓ કરતાં છોકરીઓમાં બાળમૃત્યુદર વધારે હતો (અનુક્રમે 91 અને 102).

5 વર્ષનું આયુષ્ય પૂરું કર્યા પહેલાં મૃત્યુ પામતાં બાળકોના મૃત્યુદરની બાબતમાં જુદું ચિત્ર જોવા મળે છે. 1990ના વર્ષમાં એ બાળમૃત્યુદર સમગ્ર ભારતમાં છોકરાઓ માટે 119 અને છોકરીઓ માટે 132 હતો, ગુજરાતમાં તે 111 અને 123 હતો, ઓરિસામાં 154 અને 159 હતો. આમાં અપવાદરૂપ રાજ્ય કેરળ છે, જ્યાં છોકરાઓમાં બાળમૃત્યુદર 30 અને છોકરીઓમાં 25 હતો. આ હકીકતોનો અર્થ સ્પષ્ટ છે. 1થી 5 વર્ષની વય દરમિયાન છોકરાઓની તુલનામાં છોકરીઓ વધુ સંખ્યામાં મૃત્યુ પામે છે. આપણે ત્યાં બાળઉછેરમાં છોકરીઓની વિરુદ્ધમાં જે ભેદભાવ જોવા મળે છે તેનું આ પરિણામ છે. તબીબી સારવાર અને પોષણની બાબતમાં છોકરીઓ પ્રત્યે ઉદાસીનતા સેવવામાં આવે છે. તેને પરિણામે છોકરીઓમાં બાળમૃત્યુદર વધુ જોવા મળે છે.

રમેશ ભા. શાહ