બાલચંદ્ર (ઈ. 13મી સદીનો પૂર્વાર્ધ) : સોલંકી યુગના સંસ્કૃત ભાષાના વિદ્વાન ગુજરાતી કવિ. તેમના પિતાનું નામ ધરદેવ અને માતાનું નામ વિદ્યુત્ હતું. તેમનાં માતાપિતા મોઢેરામાં રહેતાં હતાં. પિતા બ્રાહ્મણ હોવા છતાં જૈન ધર્મ તરફ આસ્થાવાળા હતા અને ગરીબો તથા સાધુઓને ઉદાર હાથે દાન આપનારા હતા. તેમનો પુત્ર મુંજાલ એ જ જૈન સાધુ બાલચંદ્ર. બાળપણથી બાલચંદ્ર સંસાર તરફ વૈરાગ્ય ધરાવતા હતા. અંતે, હરિભદ્રસૂરિનો ઉપદેશ સાંભળીને તેમણે જૈન સાધુ તરીકે તેમની પાસેથી દીક્ષા લીધી. ગુરુ હરિભદ્રે તેમને ‘બાલચંદ્ર’ એવું નામ આપ્યું ત્યારે હરિભદ્રને પ્રતીતિ થયેલી કે મુંજાલ ઉર્ફે બાલચંદ્ર ભવિષ્યમાં ઘણા વિદ્યાવાન બનશે. હરિભદ્રે પોતાના મૃત્યુ સમયે પોતાના ચંદ્રગચ્છના આચાર્યપદે તેમને બેસાડ્યા હતા. તેઓ મહામાત્ય વસ્તુપાળના પ્રશંસક હતા, તેથી ઈસવી સનની તેરમી સદીનો પૂર્વાર્ધ બાલચંદ્રનો જીવનકાળ હોવાનું માનવામાં આવે છે.
ધોળકાના રાણા વીરધવલના પ્રધાન વસ્તુપાળ પાટણના સોલંકી રાજા ભીમદેવ બીજાના મહામાત્ય બન્યા હતા અને તેમણે બાલચંદ્રને ઘણું માન આપ્યું હતું. મહામાત્ય વસ્તુપાળની પ્રધાન તરીકેની કારકિર્દી વર્ણવતું 14 સર્ગનું બનેલું ‘વસંતવિલાસ’ નામનું મહાકાવ્ય બાલચંદ્રે રચ્યું હતું. એના આરંભમાં જ બાલચંદ્ર પોતાના જીવન વિશે પણ કેટલીક માહિતી આપે છે. ચાલુક્ય સોલંકી વંશના રાજાના માનીતા વિદ્વાન પદ્માદિત્ય પાસે પણ બાલચંદ્ર શિષ્યભાવે ભણ્યા હતા. બાલચંદ્રના કાવ્યવિદ્યાના ગુરુ ઉદયસૂરિ હતા.
‘પ્રબંધચિંતામણિ’માં જણાવ્યા મુજબ આ કવિએ રચેલા ‘વસંતવિલાસ’ કાવ્યને જોઈને વસ્તુપાળ મહામાત્યે ખુશ થઈને તેમને આચાર્યપદે બેસાડવાના વિધિમાં એક હજાર દ્રમનો ખર્ચ કરેલો.
દંતકથા મુજબ બાલચંદ્ર એક વાર ધ્યાનસ્થ હતા ત્યારે સરસ્વતીદેવીએ પ્રગટ થઈ તેમની ભક્તિની પ્રશંસા કરેલી અને કાલિદાસ વગેરે કવિઓ જેવા જ બાલચંદ્ર પોતાના પુત્ર હોવાનું જાહેર કરેલું. મહામાત્ય વસ્તુપાળના સાહિત્યવર્તુળના તેઓ એક તેજસ્વી તારક હતા.
પ્ર. ઉ. શાસ્ત્રી