બાર્સિલોના પેવિલિયન – બાર્સિલોના – સ્પેન
August, 2025
બાર્સિલોના પેવિલિયન – બાર્સિલોના – સ્પેન : 20મી સદીના આધુનિક સ્થાપત્યની એક ઉલ્લેખનીય રચના. સ્પેનના બાર્સિલોનામાં આવેલું ‘બાર્સિલોના પેવિલિયન’. જે ન્યૂનતમવાદ, ઇજનેરી સૌંદર્ય, ભાવનાત્મક અનુભૂતિ અને સ્થાનની પ્રવાહીતતાની વાત સચોટતાથી વ્યક્ત કરે છે. સ્થાપત્યમાં ‘લેસ ઇઝ મોર’ના સિદ્ધાંતની અહીં સ્પષ્ટ અભિવ્યક્તિ છે. આધુનિક સ્થાપત્યના ઇતિહાસના સીમાચિહ્ન સમાન આ પેવિલિયન સ્થાપત્ય ઉપરાંત તેમાં પ્રદર્શિત કરાયેલ રાચરચીલા માટે પણ પ્રખ્યાત છે. તેમાં મૂકવામાં આવેલ બાર્સિલોના ખુરશીની સંરચના આજે પણ લોકો વખાણે છે.

બાર્સિલોના પેવિલિયન
મુખ્યત્વે આરસપહાણ, લોખંડ અને કાચનો ઉપયોગ કરી બનાવાયેલ આ ‘શિલ્પ’ સમાન રચના તે સમયના જર્મનીની ઔદ્યોગિક પ્રગતિ અને આધુનિકતાને વ્યક્ત કરે છે. પ્રથમ વિશ્વયુદ્ધ પછી જર્મનીએ જે પ્રગતિ કરી હતી અને તેની વિચારધારામાં આધુનિકતા જે રીતે વણાતી જતી હતી તે વ્યક્ત કરવા માટે આ પેવિલિયન આ રીતે નિર્ધારિત કરાયું છે. આવકારતું પ્રવેશ, પાણીના હોજથી અનુભવાતી માનસિક શીતળતા, પરસ્પર લંબ દીવાલોને કારણે સરળતાથી સ્થાપિત થતી સ્પષ્ટતા તથા પેવિલિયનની પ્રત્યેક ધારને આપવામાં આવેલો વિશેષ અર્થ; જેવી બાબતો આ રચનાને નોંધપાત્ર બનાવે છે. આમ તો આ પેવિલિયનનું તલ-આયોજન (પ્લાન) સરળ છે પરંતુ જે રીતે સમગ્ર રચનાનું વિગતીકરણ થયું છે તેનાથી તેની દૃશ્ય અનુભૂતિ સમૃદ્ધ રહે છે. તે ઉપરાંત પ્લિન્થ, શિલ્પ, દીવાલ, પાણી અને છત વચ્ચે સર્જાતું અદ્ભુત સમીકરણ, સ્થાપત્યની પરિકલ્પનામાં બાંધકામની સામગ્રીનો સંવેદનશીલ તેમજ સર્જનાત્મક ઉપયોગ, શાંતિ, હળવાશ તેમજ સ્થિરતાની થતી પ્રતીતિ, પૂરી સંવેદનશીલતાથી જળવાયેલું માનવીય પ્રમાણમાપ જેવી બાબતોનો ઉલ્લેખ પણ આ રચના માટે કરાતો હોય છે.

બાર્સિલોના પેવિલિયન-2
વર્ષ ૧૯૨૯માં સ્પેનના બાર્સેલોનામાં આંતરરાષ્ટ્રીય પ્રદર્શનીનું આયોજન કરાયું હતું. તેમાં જર્મની તરફથી સ્થપતિ લુડવિગ મિસ વાન ડેર રોહ અને લિલી રીક દ્વારા નિર્ધારિત કરાયેલી આ રચના ‘બાર્સિલોના પેવિલિયન’ તરીકે બનાવવામાં આવી હતી. પ્રદર્શનીની પૂર્ણાહુતિ બાદ વર્ષ ૧૯૩૦માં તેને તોડી પડાયું હતું. હાલમાં જે ‘બાર્સિલોના પેવિલિયન’ હયાત છે તેનું પુનર્નિર્માણ વર્ષ ૧૯૮૬માં તે જ જગ્યાએ જેમનું તેમ કરાયું છે. આ બાબત આ રચનાનું મહત્ત્વ સ્થાપિત કરવા માટે પૂરતી છે.
એક અભિપ્રાય પ્રમાણે બાર્સિલોના પેવિલિયન એક સ્થાપત્યકીય શિલ્પ છે.
હેમંત વાળા