બાર્સિલોના : સ્પેનના આઇબેરિયન દ્વીપકલ્પના ઈશાન કિનારા પર આવેલું ઘણું મહત્વનું ઉત્પાદકીય કેન્દ્ર તથા વેપારી મથક. કેટાલોનિયા વિસ્તારનું પાટનગર. ભૌગોલિક સ્થાન : 41° 23´ ઉ. અ. અને 2° 11´ પૂ. રે. સ્પેનનાં સારાં ગણાતાં થોડાં બારાં પૈકીનું એક. સ્પેનના પાટનગર મૅડ્રિડને બાદ કરતાં તે દેશનું બીજા ક્રમે આવતું મોટું શહેર છે. ઘણાં વર્ષોથી તે શિક્ષણનું કેન્દ્ર રહ્યું છે. તે વહાણવટા તેમજ ઔદ્યોગિક પ્રવૃત્તિઓનું પણ મથક છે.
આ વિસ્તારમાં ઉત્પન્ન થતા માલમાં કપાસ, ઊન અને રેશમની ચીજવસ્તુઓ; કાગળ, કાચ, ચામડાં; મોટરગાડીઓ તથા ધાતુ-પેદાશોનો સમાવેશ થાય છે. અહીંના બંદરેથી દારૂ, કૉર્ક, ફળો અને કારખાનાંની પેદાશોની નિકાસ તથા ખાદ્યસામગ્રી, યંત્રસામગ્રી તેમજ જરૂરી અન્ય કાચા માલની આયાત થાય છે.
ફ્રાંસ-સ્પેન વચ્ચે તથા દેશનાં શહેરો અને બાર્સિલોના વચ્ચે અવર-જવર માટેના ભૂગર્ભીય રેલમાર્ગો છે તેમજ હવાઈ મથકની સુવિધા છે. અહીં અદ્યતન ઇમારતો પણ છે. તેરમી સદીના ઉત્તરાર્ધકાળમાં બાંધેલું બાર્સિલોનાનું કથીડ્રલ અહીંની એક ઊંચી ટેકરી પર આવેલું છે.
1450માં સ્થપાયેલી બાર્સિલોના યુનિવર્સિટીનું મથક પણ આ શહેરમાં જ છે. પરંપરાગત ચાલી આવતી લોકવાયકા મુજબ, ક્રિસ્ટોફર કોલંબસે તેણે શોધી કાઢેલી નવી દુનિયાની જાહેરાત અહીંના મધ્યકાલીન મિનારાઓથી ઘેરાયેલા ‘પ્લાઝા ડેલ રે’માં કરેલી.
ઇતિહાસકારો માને છે કે બાર્સિલોનાનું પ્રાચીન શહેર કાર્થેજિનિયન નેતા હૅમિલકર બાર્સાએ આશરે ઈ. પૂ. 230માં સ્થાપેલું. તેણે પોતાના નામ પરથી આ સ્થળને ‘બાર્સિલોના’ નામ આપેલું. નવમીથી બારમી સદી સુધી બાર્સિલોનાના ઉમરાવના વંશજોએ તેના પર શાસન કરેલું. બારમી સદીમાં તે આ વિસ્તારનું મહત્ત્વનું વાણિજ્ય તથા ઔદ્યોગિક શહેર બન્યું. કેટાલોનિયાના પાટનગર તરીકે, બાર્સિલોના 1640માં ફ્રેન્ચ શાસન હેઠળ આવેલું, પરંતુ 1652માં સ્પેને તેનો કબજો મેળવી લીધેલો. 1808થી 1814 સુધી, નેપોલિયનનાં યુદ્ધો દરમિયાન, ફ્રાંસે તેનો ફરીથી કબજો મેળવ્યો. તે પછીથી તે સ્પેનના તાબા હેઠળ છે. ઓગણીસમી સદી દરમિયાન, સ્પેનના મહત્વના ઔદ્યોગિક શહેર તરીકે તે વિકસ્યું. ઓગણીસમી સદીના મધ્યકાળમાં સ્પેનની રાજાશાહી સામે થયેલા ઘણા બળવાઓનું તે સ્થળ અને સાક્ષી રહેલું. વીસમી સદીની શરૂઆતમાં અહીં ચાલેલી મજૂર-ચળવળો હિંસામાં પરિણમેલી. સ્પેનના આંતરવિગ્રાહ દરમિયાન તે થોડા વખત માટે પ્રજાસત્તાકીય સરકારનું વડું મથક પણ રહેલું. 1962ના સપ્ટેમ્બરમાં અહીં આવેલા ઓચિંતા પૂરને કારણે અંદાજે 450 લોકો મૃત્યુ પામેલા તથા આશરે 400 લોકોનો પત્તો મળેલો નહિ. સ્પેનના અર્વાચીન ઇતિહાસમાં આ પૂરને ખરાબમાં ખરાબ કુદરતી હોનારત તરીકે ગણવામાં આવેલું છે. 1992ના ઉનાળુ ઓલિમ્પિક રમતોત્સવ માટે આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિએ બાર્સિલોના પર પસંદગી ઉતારેલી.
ગિરીશભાઈ પંડ્યા