બાર્શિ : મહારાષ્ટ્ર રાજ્યના સોલાપુર જિલ્લાનો તાલુકો અને તે જ નામ ધરાવતું તાલુકામથક. ભૌગોલિક સ્થાન : તે 18° ઉ. અ. અને 76° પૂ. રે.ની આજુબાજુ વિસ્તરેલો છે. તેની નૈર્ઋત્યે અને દક્ષિણે સીના નદી વહે છે. તેની ઉત્તરે બાલાઘાટની હારમાળા આવેલી છે. તાલુકાનો મોટાભાગનો વિસ્તાર પહાડી છે. અહીંનાં ઉનાળા અને શિયાળાનાં સરેરાશ તાપમાન અનુક્રમે 25°થી 27.5° સે. અને 20°થી 22° સે. જેટલાં રહે છે. આ વિસ્તાર પશ્ચિમ ઘાટની વર્ષાછાયાના પ્રદેશમાં પડતો હોવાથી અહીં વરસાદનું પ્રમાણ માત્ર 80થી 100 મિમી. જેટલું જ રહે છે. અહીંની જમીનો ઊંડી અને કાંપની બનેલી હોવાથી ખેતી માટે અનુકૂળ હોવા છતાં ઓછા વરસાદ અને સિંચાઈના અભાવને કારણે ખેતીની પ્રવૃત્તિ વધુ વિકસી શકી નથી. મોટેભાગે જુવાર, મકાઈ અને કઠોળની ખેતી થાય છે. અહીંનાં જંગલોમાં કાંટાળી વનસ્પતિ ઊગી નીકળે છે. ટીમરુનાં વૃક્ષો વધુ પ્રમાણમાં થતાં હોવાથી અહીં બીડી વાળવાનો ગૃહઉદ્યોગ વિકસેલો છે. પુણે અને નાંદેડને જોડતા બ્રૉડગેજ રેલમાર્ગ તથા સાંગલી અને નાંદેડને સાંકળતા રાજ્ય ધોરી માર્ગ પર બાર્શિ આવેલું હોવાથી તે આ વિસ્તાર માટેનું મુખ્ય મથક બની રહેલું છે. રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. 9 બાર્શિની દક્ષિણેથી પસાર થાય છે. બાર્શિની પૂર્વે લાતૂર-ઓસ્માનાબાદ શહેરો આવેલાં હોવાથી બાર્શિનો પણ ભૂકંપને ગ્રાહ્ય એવા ક્ષેત્રમાં સમાવેશ થાય છે. બાર્શિની પૂર્વે આવેલા બૈરાગી ગામમાં સાંઈનાથના મંદિર ખાતે દર વર્ષે શ્રાવણ સુદ અગિયારશથી પૂનમ સુધી મેળો ભરાય છે. બાર્શિ ખાતે કૉમર્સ કૉલેજ અને શિક્ષણની કૉલેજ આવેલી છે.
નીતિન કોઠારી