બાર્લેરિયા : દ્વિદળી વર્ગમાં આવેલા ઍકેન્થેસી કુળની એક પ્રજાતિ. તે ઉષ્ણકટિબંધીય પ્રદેશોમાં થતી કાંટાળી કે અશાખિત શાકીય અથવા ઉપક્ષુપ (undershrub) જાતિઓની બનેલી છે. ભારતમાં તેની 26 જેટલી જાતિઓ થાય છે. ઉદ્યાનોમાં નીચી વાડ તરીકે સામાન્યત: Barleria. gibsonii Dalz. B. lupulina Lindl. અને B. montana Nees. ઉગાડવામાં આવે છે.
કાંટાશેળિયાનું વૈજ્ઞાનિક નામ B. Prionitis Linn. (સં. કુરંટક; મ. કોરાંટી; હિં. કટશરૈયા; ક. ગોરંટે) છે. તે બહુશાખિત, 3.0 મી. સુધીની ઊંચાઈ ધરાવતું કાંટાળું ક્ષુપ (shrub) છે અને ભારતના વધારે ગરમ પ્રદેશોમાં થાય છે. પર્ણો અખંડિત, ઉપવલયાકાર, અણીદાર, અરોમિલ અથવા નીચેની સપાટીએ રોમિલ હોય છે. પુષ્પો નારંગી-પીળાં અથવા આછા પીળા રંગનાં હોય છે અને પર્ણાભ (foliaceous) નિપત્રો(bracts)ની કક્ષમાંથી ઉત્પન્ન થાય છે. ફળ 2.5 સેમી. લાંબું, અંડાકાર અને પ્રાવર પ્રકારનું હોય છે. તે બે બીજ ધરાવે છે. બીજ ચપટાં, અંડાકાર અને લીસા રોમમય હોય છે.
તેનાં પર્ણો અને પ્રકાંડ 5 બહુરંગી (iridoid), ગ્લુકોસાઇડ ધરાવે છે; તે પૈકી ત્રણ ઍસિટાઇલ બાર્લેરિન (C21H30O13.H2O), બાર્લેરિન (C19H28O121.5H2O) અને શાન્ઝિસાઇડ મિથાઇલ ઍસ્ટર છે.
આયુર્વેદ અનુસાર ધોળો કાંટાશેળિયો કડવો, કેશ્ય, સ્નિગ્ધ, મધુર, તીખો, ઉષ્ણ તથા દાંતોને હિતાવહ છે અને વલિપલિત, કોઢ, વાત, રક્તદોષ, કફ, કંડૂ (ખરજ), સોજો, તાવ, વાતરોગ, કફ, રક્તવિકાર, પિત્ત, આધ્માન, શૂલ, દમ અને ઉધરસનો નાશ કરે છે. પીળો કાંટાશેળિયો ઉષ્ણ, કડવો, તૂરો તથા અગ્નિદીપક છે અને વાયુ, કફ, કંડૂ, સોજો, રક્તવિકાર અને ત્વગ્દોષનો નાશ કરે છે. તેનો ઉપયોગ બાળકોને સળેખમ અને ઉધરસ ઉપર; વીર્યપતન પર; પિત્ત અને દુખતી દાઢ પર; ગર્ભધારણ માટે; મોઢું આવ્યું હોય તેના ઉપર; દાંતમાંથી લોહી આવતું હોય તેના ઉપર; દંતકૃમિથી વાતરોગ ઉપર, વીંછીના દંશ ઉપર; તથા, સોજા અને સુવારોગ ઉપર થાય છે.
B. cristata Linn. (બં. જતિ; હિં. रक्तसिंती; મ. ગોકરન; ત. નીલામૂલી)નાં પુષ્પો જાંબલી-ભૂરાં, ગુલાબી કે સફેદ હોય છે અને હિમાલયમાં 2,000 મી.ની ઊંચાઈ સુધી થાય છે. તે કાંટાશેળિયા કરતાં નાની જાતિ છે. દાંતના દુખાવામાં તેનાં પર્ણો ચૂસવામાં આવે છે. મૂળમાં ઍન્થ્રેક્વિનૉન્સ, બાર્લેક્રિસ્ટોન અને ક્રિસ્ટેબાર્લોન હોય છે. મૂળ અને પર્ણો સોજા પર લગાડવામાં આવે છે અને મૂળનો ક્વાથ પાંડુરોગ અને કફમાં આપવામાં આવે છે.
B. dichotoma Roxb. syn. B. cristata var. dichatoma (Roxb.) Prain. સમગ્ર ભારતમાં થાય છે અને ઉદ્યાનોમાં અને મંદિરની આજુબાજુ શોભનજાતિ તરીકે ઉગાડવામાં આવે છે. તેનાં પુષ્પો પૂજામાં વાપરવામાં આવે છે. તે ઉત્તેજક અને શામક (demulcent) ગુણધર્મો ધરાવે છે.
B. acanthoides Vahl. નાની કાંટાળી ઉપક્ષુપ જાતિ છે. તેને સફેદ પુષ્પો આવે છે અને પંજાબ, હરિયાણા અને રાજસ્થાનની સૂકી ટેકરીઓ પર થાય છે. તેનો ઉપયોગ ઊંટ-બકરીના ચારા તરીકે થાય છે.
B. buxifolia Linn. નીચું કાંટાળું ઉપક્ષુપ છે. તેનાં પુષ્પો જાંબલી, વાદળી, ગુલાબી કે સફેદ રંગનાં હોય છે. તે મહારાષ્ટ્ર અને તેની દક્ષિણે 1,200 મી.ની ઊંચાઈ સુધી રસ્તાઓની બંને બાજુએ અને ઊખર ભૂમિમાં જોવા મળે છે. તેનાં મૂળમાં બાર્લેરિયા ક્વિનૉન નામનું ઍન્થ્રેક્વિનૉન પ્રકારનું રંજકદ્રવ્ય હોય છે. મૂળ અને પર્ણોનો ઉપયોગ કફ અને શોથમાં થાય છે.
B. courtallica Nees. (તામ, વેનકુરંજી) મોટી અશાખિત ટટ્ટાર રહેતી જાતિ છે. તેનાં પુષ્પો વાદળી, પીળાં કે સફેદ હોય છે અને તે આંધ્રપ્રદેશ અને મહારાષ્ટ્ર, કર્ણાટક અને કેરળમાં થાય છે. તે મંદ પ્રતિરોધી ગુણધર્મ ધરાવે છે. મૂળનો ક્વાથ સંધિવા અને ન્યુમોનિયામાં વપરાય છે. તેલમાં ઉકાળેલ પર્ણોનો ઉપયોગ આંખની તકલીફોમાં કરવામાં આવે છે.
B. longifolia Linn. f. 60 સેમી.થી 120 સેમી. ઊંચું રોમિલ ક્ષુપ છે. તે ઓરિસા, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ અને તામિલનાડુમાં થાય છે. તેનાં મૂળનો ક્વાથ જલશોફ (dropsy) અને મૂત્રપિંડમાં થતી પથરીમાં આપવામાં આવે છે.
B. strigosa Willd. (બં. દાસી; મલ, નીલકુરુની; ત. નીલી; તે. નીલબરામુ.) લગભગ 120 સેમી. ઊંચાઈ ધરાવતી ક્ષુપજાતિ છે. તે સઘન શૂકી (spike) સ્વરૂપે વાદળી પુષ્પો ધરાવે છે. તે ઉત્તરપ્રદેશ, પશ્ચિમ બંગાળ, બિહાર, ઓરિસા, મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશમાં 1,200 મી.ની ઊંચાઈ સુધી થાય છે. તેને ઉદ્યાનોમાં પણ ઉગાડવામાં આવે છે. તેનાં મૂળનો ઉપયોગ ઉગ્ર (spasmodic) કફમાં થાય છે. B. cuspidata Heyne ex Nees.નાં પુષ્પો વાળના સુશોભનમાં વપરાય છે.
મ. ઝ. શાહ