બારી બહાર (પ્ર. આ. 1940) : ગુજરાતી કવિ પ્રહલાદ પારેખ (જ. 1912; અ. 1962) નો કાવ્યસંગ્રહ. ગાંધીયુગની વિચારસૃષ્ટિ અને વાસ્તવસૃષ્ટિથી અલગ પોતાની ઇન્દ્રિયસંવેદ્ય સૃષ્ટિ રચતું અહીંનું કાવ્યવિશ્વ ગુજરાતી સાહિત્યમાં સૌંદર્યલક્ષી બારી ઉઘાડી કવિતાનો નવો માપદંડ સ્થાપે છે. કવિવર ટાગોરની સંવેદનાને ઝીલી નિજી સંવેદના સાથે આ કવિએ, ઉમાશંકર જોશીએ કહ્યું છે તેમ, ‘આંખ, કાન અને નાકની કવિતા’ આપી છે એટલે કે તુરત ઇન્દ્રિયગ્રાહ્ય બને એવો, વર્ણમાધુર્યયુક્ત ભાષાનો સરલ અને નીતર્યો અનુભવ કરાવ્યો છે. માનવહૃદયના છટકણા ભાવોને કવિએ સહજલીલાથી સ્થિર ભાષામુદ્રાઓમાં ઝડપ્યા છે.
અહીં સીમિતના અનુભવનો અસ્વીકાર કરતું ‘બારી બહાર’ જેવું ખંડકાવ્ય છે, તો વિયોગને નખશિખ શિલ્પમાં ઢાળતું ‘વિદાય’ જેવું પાણીદાર સૉનેટ છે. સકલ નિજનું આપીને ઝરી જતાં સાચાં ફૂલોની સામે લાંબું જીવન જીવતાં ‘બનાવટી ફૂલોને’નું વૃત્તબદ્ધ ઊર્મિક છે, તો ઝૂલણાના લયમાં અંધારનો ખુશબોભર્યો અનુભવ કરાવતો અપૂર્વ માત્રિક ઘાટ છે. પોતાની ભીતર ઘાસને સમાવી લેતી ચેતનાનો વિસ્તાર બતાવતું ‘ઘાસ અને હું’ પણ આ સંગ્રહની અત્યંત નોંધપાત્ર રચના છે. જાદુઈ સરળતા પ્રગટ કરતાં કર્ણમધુર ગીતો આ સંગ્રહની કીમતી મૂડી છે. એમાં બંગાળી લયથી માંડી ગુજરાતના પારંપરિક ઢાળોનો કવિએ લાભ લીધો છે. અહીં રવીન્દ્રનાથ ટાગોરનાં કેટલાંક કાવ્યોનાં અનુસર્જનો પણ આસ્વાદ્ય છે.
સહજ આંતરપ્રાસ અને વર્ણસગાઈના સંસ્કાર સાથે આ કવિએ પ્રકૃતિની અઢળક સામગ્રીનો વિનિયોગ કરીને ઉત્સુકતા, એકલતા, નિરાશા કે આનંદને અવતરણક્ષમ બનાવ્યાં છે, એટલે કે એવી પંક્તિઓમાં ઢાળ્યાં છે કે તુરત સ્મરણમાં રહી જાય.
1960ની બીજી સંવર્ધિત આવૃત્તિમાં કેટલાંક કાવ્યો ઉમેરવામાં આવ્યાં છે.
ચન્દ્રકાન્ત ટોપીવાળા