બારીપાડા : ઓરિસા રાજ્યના મયૂરભંજ જિલ્લાનું વડું મથક તથા તે જ નામ ધરાવતું નગર. ભૌગોલિક સ્થાન : 21° 56´ ઉ. અ. અને 86° 43´ પૂ. રે. પર તે બુરહાબેલાંગ નદી પર આવેલું છે. આ નગર તેની આજુબાજુના પ્રદેશમાં થતા ડાંગર જેવા કૃષિપાકો, લાકડાં તથા વન્ય પેદાશો માટેનું મહત્વનું વેપારી મથક બની રહેલું છે. અહીં માટીનાં વાસણો, દારૂની ભઠ્ઠીઓ તેમજ વણાટકામના એકમો ચાલે છે. બારીપાડા નજીક બાલીદિહા ખાતે એક સિંચાઈ-યોજના તૈયાર કરવામાં આવેલી છે.
આ નગર 1800ના અરસામાં સ્થપાયેલું છે. અહીંનો જૂનો મહેલ મહારાજા પૂર્ણચંદ્ર કૉલેજ માટે ઉપયોગમાં લેવાય છે તથા અહીં પુરાતત્વીય સંગ્રહાલય પણ આવેલું છે. આ નગર દરિયાકિનારા પરનાં દક્ષિણ-પૂર્વીય રેલમથકો સાથે નૅરો ગેજ રેલમાર્ગથી જોડાયેલું છે. બારીપાડા ખાતે ઉચ્ચ શિક્ષણની કેટલીક સંસ્થાઓ પણ છે.
ગિરીશભાઈ પંડ્યા