બારામુલ્લા : જમ્મુ-કાશ્મીર રાજ્યનો એક જિલ્લો અને તે જ નામ ધરાવતું જિલ્લામથક. સ્થાન-સીમા-વિસ્તાર : ભૌગોલિક સ્થાન : 32° 55´થી 33° 50´ ઉ. અ. અને 73° 45´થી 75° 20´ પૂ. રે. વચ્ચેનો 4,588 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે કુપવારા, પૂર્વમાં કારગિલ, અગ્નિ તરફ શ્રીનગર, દક્ષિણે બડગામ, નૈર્ઋત્યમાં પૂંચ તથા પશ્ચિમ અને વાયવ્ય તરફ કુપવારાની સરહદો આવેલી છે. પશ્ચિમ તરફ તે પીર પંજાલ હારમાળાથી અને પૂર્વ તરફ કાશ્મીર ખીણથી ઘેરાયેલો છે.
ભૂપૃષ્ઠ–જળપરિવાહ : આ જિલ્લાની ભૂમિ પહાડી હોઈ અસમતળ છે. અહીંની સરેરાશ પ્રાદેશિક ઊંચાઈ 1,581 મીટરની છે. આ જિલ્લો, કાશ્મીરની અંડાકાર ખીણમાં આવેલા 6 જિલ્લાઓ પૈકીનો એક છે. અહીં કેટલાક સપાટી મેદાની વિસ્તારો પણ આવેલા છે. આ સમગ્ર વિસ્તાર તેની ખુશનુમા ઠંડી આબોહવા તેમજ પ્રાકૃતિક રમણીય શ્યો માટે દુનિયાભરમાં જાણીતો બનેલો છે. જેલમ નદી અહીંથી પસાર થાય છે. બારામુલ્લા નજીક બારેક જગાએ જ્વાળામુખી-પ્રસ્ફુટન દ્વારા જળ-ઝરા ફૂટી નીકળે છે. અહીં વુલર, માનસબાલ તેમજ સંખ્યાબંધ અન્ય સરોવરો આવેલાં છે.
ખેતી–સિંચાઈ–પશુપાલન : જિલ્લાની મોટાભાગની વસ્તી ગ્રામ-વિસ્તારોમાં રહેતી હોવાથી તેમનો મુખ્ય વ્યવસાય ખેતી છે. ડાંગર, ઘઉં, મકાઈ અને કઠોળ અહીંના મુખ્ય કૃષિપાકો છે. અખરોટ અહીંનો મુખ્ય બાગાયતી પાક છે. 1,38,502 હેક્ટર જેટલી ખેતભૂમિ પૈકી 1,09,142 હેક્ટર જમીનને નહેરો દ્વારા સિંચાઈ ઉપલબ્ધ છે. જિલ્લામાં પશુપાલનનું પણ ખેતી જેટલું જ મહત્વ છે. અહીં આશરે 4.16 લાખ જેટલાં ઢોર છે, જ્યારે 3.23 લાખ જેટલાં મરઘાંનો ઉછેર થાય છે.
ઉદ્યોગ-વેપાર : ઊની ઉદ્યોગ આ જિલ્લાનો મુખ્ય ઉદ્યોગ છે. 1981–82 દરમિયાન અહીં આશરે 277 જેટલા નાના પાયા પરના ઔદ્યોગિક એકમો હતા, તેમાં 1990 પછી થોડીક ઓટ આવી છે. બારામુલ્લા, બાંદીપોર, ગુલમર્ગ, પટ્ટણ, સોપોર અને ઊરી નગરો ખાતે મુખ્ય વેપારી મથકો વિકસ્યાં છે. ત્યાં ઊની ધાબળા, ગાલીચા, શેતરંજીઓ, દીવાસળી અને મુરબ્બાનું ઉત્પાદન લેવાય છે. અહીંથી ફળો અને દૂધની નિકાસ થાય છે; તો સિમેન્ટ, પૉપ્લરનું લાકડું, ચોખા, માંસ, ચા અને મકાઈની આયાત કરવામાં આવે છે.
પરિવહન : 1981–82 મુજબ આ જિલ્લામાં 1,095 કિમી.ના સડકમાર્ગો હતા; તે પૈકી 434 કિમી.ના રસ્તા ડામરવાળા, 301 કિમી.ના પાકા, 284 કિમી.ના કપચીવાળા, 68 કિમી.ના મોસમી તથા 8 કિમી.ના જીપયોગ્ય છે.
પ્રવાસન : કુદરતે આ જિલ્લાને ઘણાં જોવાલાયક સ્થાનોની બક્ષિસ આપી છે, ગુલમર્ગ, ગુરેઝ, વાટલબ, માનસબાલ અને વુલર સરોવર જેવાં સ્વાસ્થ્ય-જાળવણી માટેનાં આરોગ્યધામો અને સરોવરો પણ આપ્યાં છે. ગુલમર્ગ શિયાળુ રમતો માટે જાણીતું છે. તે દેશી-પરદેશી પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેલું છે.
ઝરા (ઝરણાં) : આ જિલ્લામાં પર્વતોમાંથી આલાપથર, દૂધસર, યમલસર અને નીલસર નામના ઝરા નીકળે છે. અહીં તેમનું ઘણું મહત્વ અંકાય છે. (1) અફોવત પર્વતમાંથી આશરે 4,062 મીટરની ઊંચાઈએથી નીકળતો આલાપથર ઝરો ત્રણ ઝરણાં તૈયાર કરે છે. એક પૂંચ તરફ, બીજું ઊરી તાલુકાના બનિયાર તરફ વહે છે, જ્યારે ત્રીજું ઝરણું ગુલમર્ગમાંથી પસાર થાય છે. (2) ગુરેસ ખીણ નજીકના હરમુખ પર્વતની વાયવ્યમાંથી દૂધસર ઝરો નીકળે છે. દર વર્ષે ઑગસ્ટ માસ દરમિયાન ત્રણ વાર સળંગ 24 કલાક સુધી તેનું પાણી તદ્દન દૂધ જેવું સફેદ બની જાય છે. (3) યમલસર ઝરો બડાબાલ ટેકરી પર આવેલો છે. તે હરમુખ પર્વતમાંથી નીકળતા બાંદીપોર નાળા(અગાઉની મધુમતી નદી)માં ભળી જાય છે. એમ કહેવાય છે કે આ ઝરો પ્રેતાત્માઓનું સ્થાનક છે અને અહીં ક્યારેક વાદ્યસંગીત પણ સંભળાય છે. (4) નીલસર ઝરો વીજબાલ પર્વત પર બાંદીપોરથી ગુરેસ જવાના માર્ગ પર આવેલો છે. તેનું પાણી નિર્મળ અને સ્ફટિકવત્ પારદર્શક છે. ભારે હિમવર્ષાને કારણે જ્યારે અહીં ભૂસ્ખલન થાય છે ત્યારે પથ્થરો અને વૃક્ષો પડવાથી તે અવરોધાય છે, એકબે મહિના બાદ ફરી પાછું તે વહેવા માંડે છે.
પર્વતો ઉપરાંત અહીંના ગ્રામ તથા નગરવિસ્તારોમાંથી પણ ઝરા નીકળે છે. આ પૈકી પાપચન, બચનાગ, ચાપરીશોર, ઝેલીશર, લછમન તીરથ, શંગપાલ અને ઝૈતીશાહ નામના ઝરા પણ જુદાં જુદાં કારણોસર ખૂબ જાણીતા બનેલા છે. (1) પાપચન ઝરો પાપચન ગામ પાસે આવેલો છે. પવિત્ર મનાતા આ પાપમોચન ઝરામાં સ્નાન કરવાથી પોતાનાં પાપ ધોવાઈ જાય છે એવું શ્રદ્ધાળુ હિન્દુઓનું માનવું છે. નવરાત્રિ ટાણે અહીં મેળો ભરાય છે. (2) બચનાગ ઝરો સોપોર તાલુકાના ગરુડ ગામ પાસે આવેલો છે. તેમાં સ્નાન કરવાથી ખસનો રોગ દૂર થાય છે. (3) ચાપરીશોર ઝરો સોપોર તાલુકાના હરવાન ગામ નજીક આવેલો છે. તે ખૂબ પવિત્ર ગણાય છે. (4)-(5) ઝેલીશોર અને લછમન તીરથ ઝરા સોપોર તાલુકામાં આવેલા છે. તે પણ પવિત્ર મનાય છે. (6) શંગપાલ ઝરો પણ સોપોર તાલુકામાં જ આવેલો છે. તેની નજીક 400 વર્ષ પહેલાં કાશ્મીરના મુસ્લિમ સંત શેખ દાઉદ ખાખીએ બંધાવેલી એક મસ્જિદને કારણે તે જાણીતો બનેલો છે. (7) સોળમી સદીમાં થઈ ગયેલા મુસ્લિમ સંત ઝૈતીશાહના નામ પરથી અહીંના એક ઝરાને સંત ઝૈતીશાહનું નામ અપાયેલું છે. આ ઝરો તેમના મકબરામાંથી પસાર થાય છે. તેના પાણીમાં ઘણી માછલીઓ જોવા મળે છે.
(1) વુલર સરોવર : કાશ્મીરનું સૌથી મોટું સરોવર. તે શ્રીનગરથી આશરે 33 કિમી.ને અંતરે વાયવ્ય તરફ આવેલું છે. સમુદ્રસપાટીથી તે 1,554 મીટર જેટલી ઊંચાઈ પર છે. સામાન્ય સંજોગોમાં તેનો વિસ્તાર 32 ચોકિમી.; સરેરાશ ઊંડાઈ 3.6 મીટર અને પરિઘ 48 કિમી. જેટલો રહે છે. તેમાં ઘણાં ઝરણાં મળે છે. જૂના સમયની મધુમતી નદી જે હવે બાંદીપોર નાળાના નામથી ઓળખાય છે તે વુલર સરોવરને મળે છે. જેલમ નદી તેના પૂર્વ ભાગમાં પ્રવેશે છે અને નૈર્ઋત્યમાંથી બહાર
નીકળીને વહે છે. આ બધાં ઝરણાં અને નદીમાં જ્યારે પૂર આવે છે ત્યારે સરોવરની નજીકના નીચાણવાળા ભાગો ડૂબી જવાથી તેનો વિસ્તાર 256 ચોકિમી. જેટલો થઈ જાય છે. શ્રીનગરમાં આવેલું દાલ સરોવર સ્થિર જળવાળું છે, જ્યારે વુલર સરોવરનું જળ દરિયાની જેમ હિલોળા મારે છે. હવામાન તોફાની હોય ત્યારે તેના જળ પરથી પસાર થતા સૂસવાતા પવનો તેનાં જળને ઊંચાં ઉછાળે છે. આ સરોવરનું ‘વુલર’ નામ સંસ્કૃત શબ્દ ‘ઉલ્લોલ’(વમળોવાળું) પરથી ઊતરી આવ્યું હોવાનું મનાય છે. ઊછળતાં મોજાં ક્યારેક નાવિકોના જાનમાલને હાનિ પણ પહોંચાડે છે. આ કારણે તેમાં અવરજવર કરતા નાવિકો હવામાન શાંત હોય ત્યારનો, સવારનો સમય પસંદ કરે છે.
સરોવરની ઉત્તર અને દક્ષિણ તરફ ઊંચા પર્વતો આવેલા છે. પશ્ચિમ કાંઠે નાની ટેકરી પર બાબા શુકર-ઉદ્-દીનની કબર આવેલી છે. આ સરોવરના પૂર્વભાગમાં જ્યાં જેલમ નદીનો પ્રવેશ થાય છે તેની નજીકમાં દક્ષિણ તરફ ઝૈનાલંક નામનો એક નાનો ટાપુ આવેલો છે. પંદરમી સદીના પ્રથમ ચરણમાં કાશ્મીર પર શાસન કરતા બાદશાહ ઝૈન-ઉલ-આબદીનના નામ પરથી તેને એ નામ અપાયેલું છે. ઐતિહાસિક સંદર્ભમાં જોતાં, આ સરોવર અગાઉ સમ્બલ સુધી વિસ્તરેલું હતું. ત્યારે તેને પસાર કરવામાં એક આખો દિવસ વીતી જતો હતો, ક્યારેક લોકો તેમાં ફસાઈ પણ જતા હતા. આ મુશ્કેલી દૂર કરવા બાદશાહ ઝૈને નાવિકોને રોકાવા કે બચવા માટે આ ટાપુ બંધાવેલો. તે 100 મીટર લાંબો અને 76 મીટર પહોળો છે. તેનું બાંધકામ ઈ.સ. 1,443(હિજરી સંવત 847)માં થયું હોવાનું કહેવાય છે.
આ સરોવરમાં નૌકા-સફરની અનુકૂળતા હોવા ઉપરાંત નજીકના સ્થાનિક લોકો માટે કમાણીનું સાધન બની રહેલું છે. લોકો તેમાંથી માછલીઓ પકડે છે તથા તેમાં શિંગોડાં ઉગાડે છે અને શહેરી વિસ્તારોમાં જઈને વેચે છે. માછલીઓ અને શિંગોડાંનો વ્યવસાય કરવા ઇચ્છતા લોકોને નજીવા દરથી રાજ્ય સરકાર મોસમ પૂરતા પરવાના આપે છે.
(2) માનસબાલ સરોવર : આ સરોવર શ્રીનગરથી આશરે 24 કિમી.ને અંતરે વાયવ્ય તરફ આવેલું છે. તે સમ્બલથી હેઠવાસમાં નહેર દ્વારા જેલમ નદી સાથે સંકળાયેલું છે. તે લંબગોળાકાર છે અને તેનો પરિઘ આશરે 8 કિમી. જેટલો છે. કાશ્મીર વિસ્તારનું તે ઊંડામાં ઊડું સરોવર ગણાય છે. તેની ઊંડાઈ 13થી 14 મીટર જેટલી હોવાનો અંદાજ મુકાયેલો છે, પરંતુ કેટલાકના મત મુજબ તે અત્યંત ઊંડું છે. એક લોકવાયકા મુજબ ઘણાં વર્ષો અગાઉ એક પવિત્ર માણસે તેની ઊંડાઈ માપવાનો નિષ્ફળ પ્રયાસ કરેલો. છેવટે નિરાશ થઈને તે ડૂબીને મરણ પામેલો. આ સરોવરને ઘણાં ઝરણાં મળે છે. તેનું પાણી ઘેરા લીલા રંગનું છે. તેના છીછરા ભાગોમાં સફેદ અને લાલ રંગનાં કમળ થાય છે. સરોવરની એક તરફ મુઘલ શહેનશાહ જહાંગીરે બંધાવેલા મહેલ અને બાગના અવશેષો છે, તો દક્ષિણ તરફ નીચી ટેકરીઓની હારમાળા છે. તેની તળેટીમાં કુંદાબાલ ગામ છે. અહીં પુષ્કળ પ્રમાણમાં ચૂનાખડકો મળતા હોવાથી ચૂનાના ભઠ્ઠા આવેલા છે. અહીંથી ચૂનાખડક શ્રીનગર ખાતે મોકલાય છે. દાલ તથા અંચાર સરોવરની જેમ આ સરોવરમાં પણ માછલીઓ થાય છે. માછલીઓનો વધારાનો જથ્થો શ્રીનગર તેમજ અન્ય શહેરોમાં મોકલાય છે.
મેદાનો : ઝરાઓ અને સરોવરો ઉપરાંત અહીં ગુલમર્ગ, મણિમર્ગ, વિજિમર્ગ અને મહાલીશમર્ગ જેવાં વિશાળ હરિયાળાં મેદાનો પણ આવેલાં છે. ગુલમર્ગ તથા ગુરેઝની ખીણ ખાતે પ્રવાસી વિહારધામોની સુવિધા ઊભી કરવામાં આવેલી છે.
આ સિવાય આ જિલ્લાનાં જુદાં જુદાં સ્થળોએ પ્રાચીન મંદિરોનાં ખંડિયેરો, મસ્જિદો, કબરો તથા બાગબગીચા આવેલાં છે. જિલ્લામાંનાં વિવિધ સ્થળોમાં વારતહેવારોને દિવસે મેળા ભરાય છે. ઈદ-ઉલ-ફિત્ર, ઈદ-ઉલ-ઝુહા, મીલાદ-ઉન-નબી તથા મિરાજે આલમના તહેવારો અહીં ઊજવાય છે.
વસ્તી : 1981ની વસ્તીગણતરી મુજબ આ જિલ્લાની વસ્તી 6,70,142 જેટલી છે; આતંકવાદી આક્રમણને કારણે ત્યાં 1991ની વસ્તીગણતરી થઈ નથી. તે પૈકી 3,58,293 પુરુષો અને 3,11,849 સ્ત્રીઓ છે. ગ્રામીણ અને શહેરી વસ્તીનું પ્રમાણ અનુક્રમે 5,80,376 અને 89,766 જેટલું છે. જિલ્લામાં શિક્ષણની ટકાવારી 26.67 % જેટલી છે. બારામુલ્લા, ગુલમર્ગ, સોપોર અને પત્તન નગરો શિક્ષણક્ષેત્રે આગળ પડતાં છે. તે જ રીતે અહીંનાં 90 % ગામડાંમાં પણ શિક્ષણનો વ્યાપ સારો છે. જિલ્લામાં 1,066 પ્રાથમિક શાળાઓ, 314 માધ્યમિક અને 88 ઉચ્ચ માધ્યમિક શાળાઓ છે. બારામુલ્લા ખાતે 1 અને સોપોર ખાતે 3 કૉલેજો આવેલી છે. જિલ્લાભરમાં 6 હૉસ્પિટલો, 101 નાનાં દવાખાનાં, 4 જાહેર સ્વાસ્થ્ય-કેન્દ્રો, 24 કુટુંબનિયોજન-કેન્દ્રો આવેલાં છે. 116 ગામડાંને હૉસ્પિટલ, નાનાં દવાખાનાં તેમજ પ્રાથમિક સ્વાસ્થ્ય-કેન્દ્રોની સુવિધા મળી રહે છે.
જિલ્લાને વહીવટી સરળતા માટે બારામુલ્લા, સોપોર, બાંદીપોર, ગુલમર્ગ, સોનાવાડી અને ઊરી જેવા 6 તાલુકાઓમાં તથા 14 સમાજવિકાસ ઘટકોમાં વહેંચી નાખવામાં આવેલો છે. ઉપર્યુક્ત 6 તાલુકામથકો તેમજ હજન, સમ્બલ, પત્તન, સોનાવાડી અને કુંઝર એક લાખથી ઓછી વસ્તીવાળાં નગરો છે. જિલ્લામાં કુલ 660 (14 વસ્તીવિહીન) ગામડાં છે.
ગિરીશભાઈ પંડ્યા