બારાં : રાજસ્થાનમાં અગ્નિકોણ તરફ આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : 25° 06´ ઉ. અ. અને 76° 31´ પૂ. રે.ની આજુબાજુનો 6,955.4 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તર, વાયવ્ય અને પશ્ચિમ તરફ કોટા જિલ્લો; ઉત્તર, ઈશાન, પૂર્વ અને અગ્નિ તરફ મધ્યપ્રદેશની સીમા; તથા દક્ષિણ, નૈર્ઋત્ય અને પશ્ચિમ તરફ ઝાલાવાડ જિલ્લો આવેલા છે. આ જિલ્લાનું નામ નજીક નજીક આવેલાં 12 ગામડાં પરથી પડેલું છે.
ભૂપૃષ્ઠ-જળપરિવાહ : આ જિલ્લાની ભૂમિ દક્ષિણથી ઉત્તર તરફના આછા ઢોળાવવાળી છે. અહીંથી ચંબલ તથા તેની શાખાનદીઓ વહે છે. ઉત્તર, દક્ષિણ અને પૂર્વ વિભાગોમાં ટેકરીઓ આવેલી છે. આ જિલ્લામાં વિંધ્ય પર્વતોની 145 કિમી. લાંબી મુકંદવારા હારમાળા આવેલી છે. તે કેટલાંક સ્થળોએ બે સમાંતર ડુંગરધારોની શ્રેણીમાં વહેંચાઈ ગયેલી છે. તેમની વચ્ચે બે કિલોમીટર પહોળાઈ ધરાવતા ખીણ-વિભાગો આવેલા છે. ચંબલ અહીંની મુખ્ય બારમાસી નદી છે. તે કોટા જિલ્લા સાથે પશ્ચિમ સરહદ રચે છે. તેને મળતી શાખાનદીઓમાં કાલી, સિંધ, પાર્વતી, પરવણ અને અંધેરીનો સમાવેશ થાય છે. સુકરી, કુલ અને બનગંગા પાર્વતીની ઉપનદીઓ છે.
જંગલો : મુકંદવારા હારમાળાની 2 સમાંતર ડુંગરધારો વચ્ચેનો 2,187 ચોકિમી. જેટલો ભાગ ગીચ જંગલોથી છવાયેલો છે, તે પૈકીનો 2,172.5 ચોકિમી. વિસ્તાર અનામત જંગલોવાળો છે. મુકંદવારાની ટેકરીઓ પણ જંગલોથી આચ્છાદિત છે. અહીંનાં જંગલોમાં ગુરજન, બેલ, ટીમરુ, ખીજડો, ખેર, કલમ, અમલતાસ, બહેડાં, બાવળ વગેરેનાં વૃક્ષો જોવા મળે છે. લાકડાં, ઇંધનકાષ્ઠ અને કોલસો અહીંથી મેળવાતી મુખ્ય જંગલ-પેદાશો છે. અન્ય પેદાશોમાં ગુંદર, રાળ, મધ અને મીણનો સમાવેશ થાય છે.
ખેતી–પશુપાલન : આ જિલ્લામાં મોસમ મુજબ જૂનથી સપ્ટેમ્બર દરમિયાન રવી પાક, ઑક્ટોબરથી માર્ચ દરમિયાન ખરીફ પાક અને એપ્રિલથી જૂન દરમિયાન ઝઇદ પાક લેવાય છે. રવી પાકોમાં જુવાર, મકાઈ, કઠોળ, મગફળી, તલ, કપાસ, શેરડી, ડાંગર, સોયાબીન અને શાકભાજી; ખરીફ પાકોમાં ઘઉં, ચણા, સરસવ, જવ, ફળો, શાકભાજી, વટાણા, કોથમીર; જ્યારે ઝઇદ પાકોમાં ફળો, શાકભાજી, કઠોળ અને ઢોર માટેના ઘાસચારાનું વાવેતર થાય છે. મોટાભાગની ખેતી કૂવાઓના પાણીથી તો કેટલીક નહેરસિંચાઈથી થાય છે. જિલ્લામાં જોવા મળતાં મુખ્ય પાલતુ પશુઓમાં ભેંસો, ઘેટાં, ઘોડા, ટટ્ટુ, ખચ્ચર, ગધેડાં, ઊંટ અને ડુક્કરનો સમાવેશ થાય છે. જિલ્લાનાં નગરો અને કેટલાંક ગામડાંઓમાં પશુ-દવાખાનાંની સગવડો છે. પશુઓ માટે કૃત્રિમ ગર્ભાધાન-કેન્દ્રો, ગૌશાળાઓ, ઘેટાં-વિસ્તરણમથકો ઊભાં કરવામાં આવેલાં છે.
પરિવહન : જિલ્લામથક બારાં કોટા-બીના બ્રૉડગેજ રેલમાર્ગ પર તથા કોટા–શિવપુરી રાજ્યમાર્ગ 17 પર આવેલું છે. તાલુકામથકો તથા મોટાં ગામડાં માર્ગોથી જોડાયેલાં છે. રાજ્ય પરિવહનની બસો 30 જેટલા માર્ગો પર અવરજવર કરતી રહે છે. જિલ્લામાં 200 કિમી.ના રાજ્ય ધોરી માર્ગો, 826 કિમી.ના પાકા રસ્તા તથા 126 કિમી.ના કાચા રસ્તા આવેલા છે.
પ્રવાસન : જિલ્લામાં કેટલાંક જોવાલાયક ધાર્મિક, ઐતિહાસિક તથા અન્ય સ્થળો આવેલાં છે. ખજૂરાહોની નાની પ્રતિકૃતિ સમું રામગઢનું ભાંડ દેવરાનું મંદિર, સરથલ નજીકનું કકૂણી મંદિરજૂથ, કિશનગઢના કૃષ્ણવિલાસનું મંદિરજૂથ, ભાણસ્થૂની–નાગડા–રામપુરિયાનાં શિવમંદિરો, શહરોદનું કલ્યાણરાય મંદિર, બારાંનાં દિગંબર જૈન મંદિર અને જોડલા મંદિર, અત્રુનાં ગર્ગજ અને ફૂલદેવરાનાં મંદિરો જોવાલાયક છે. અહીંનાં ઐતિહાસિક સ્થળોમાં શાહબાદની જામા મસ્જિદ, અત્રુનો શેરગઢ કિલ્લો, ગુગર(છાબડા)નો અને નહારગઢનો કિલ્લો તથા સીતાવાડી(કેલવાડા)નો સમાવેશ થાય છે. રાજસ્થાનના અન્ય ભાગોની જેમ આ જિલ્લામાં પણ ધાર્મિક-સામાજિક મેળા ભરાય છે, તે પૈકી ડોલીયાત્રા અને સીતાવાડી મેળો તેમજ માતાજીનો અને તેજાજીનો મેળો વધુ મહત્વ ધરાવે છે. રક્ષાબંધન, જન્માષ્ટમી, દશેરા, દિવાળી અને હોળીના હિન્દુ તહેવારો; મહાવીર જયંતી અને પર્યુષણ-સંવત્સરીના જૈન તહેવારો તથા ઈદ-ઉલ-ફિત્ર અને ઈદ-ઉલ-ઝુહાના મુસ્લિમ તહેવારોની સારી રીતે ઉજવણી થાય છે.
વસ્તી : 1991ની વસ્તીગણતરી મુજબ, આ જિલ્લાની વસ્તી 8,10,326 જેટલી છે. તે પૈકી ગ્રામીણ અને શહેરી વસ્તીનું પ્રમાણ અનુક્રમે 6,87,251 અને 1,23,075 જેટલું છે. હિન્દી અને રાજસ્થાની અહીં બોલાતી મુખ્ય ભાષાઓ છે. વહીવટી સરળતા માટે આ જિલ્લાને 3 ઉપવિભાગોમાં, 7 તાલુકાઓમાં, 2 ઉપતાલુકાઓમાં, 7 પંચાયત-સમિતિઓમાં અને 158 ગ્રામપંચાયતોમાં વહેંચી નાખેલો છે. જિલ્લામાં 5 નગરો અને 1,250 (135 વસ્તીવિહીન) ગામડાંઓ આવેલાં છે. ગામડાંઓમાં સ્થાનભેદે 25 %થી 40 % તથા શહેરોમાં સ્થાનભેદે 48 %થી 67 % લોકો શિક્ષિત છે. નગરો અને મોટાં ગામડાંઓમાં દરેક કક્ષાની શાળાઓ છે. બારાં ખાતે 2 કૉલેજો છે. જિલ્લાનાં નગરોમાં હૉસ્પિટલો, નાનાં દવાખાનાં, આયુર્વેદિક તથા હોમિયોપેથિક દવાખાનાં, પ્રસૂતિગૃહો, બાળકલ્યાણ-કેન્દ્રો તથા કુટુંબનિયોજન-કેન્દ્રોની સુવિધા છે.
ઇતિહાસ : 1264માં જૈતસિંહે અકલગઢ જીતીને કોટા કબજે કર્યું હતું, ત્યારથી તે બુંદીની જાગીરનું એક પરગણું હતું. માર્ચ 1948માં કોટા અને ટોંકનાં રાજ્યો રાજસ્થાન રાજ્યમાં જોડાયા પછી કોટા જિલ્લાની રચના કરવામાં આવી હતી. 1991માં કોટા જિલ્લાનું વિભાજન કરીને બારાં જિલ્લો રચવામાં આવ્યો છે. આ જિલ્લાનો ઇતિહાસ કોટા જિલ્લાના ઇતિહાસ સાથે સંકળાયેલો છે.
ગિરીશભાઈ પંડ્યા