બારહત, કરણીદાન (જ. 1925, કેફોના, જિ. હનુમાનગઢ, રાજસ્થાન) : રાજસ્થાનના જાણીતા દ્વિભાષી કવિ તથા વાર્તાકાર. તેમને તેમના શ્રેષ્ઠ વાર્તાસંગ્રહ ‘માટી રી મહક’ માટે 1994ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે.
તેઓ એમ.એ.ની પદવી મેળવ્યા બાદ અધ્યાપનકાર્યમાં જોડાયા અને સતત 34 વર્ષ (1947થી 1980) સુધી કાર્યરત રહ્યા. 1942થી લેખનકાર્યનો પ્રારંભ. હિંદીમાં વિવિધ સામયિકોમાં તેમનાં કાવ્યો પ્રગટ થયાં છે.
અત્યાર સુધીમાં તેમણે રાજસ્થાનીમાં 13 કૃતિઓ પ્રગટ કરી છે. તેમાં ‘શકુંતલા’ (મહાકાવ્ય), ‘ચ્યાન્નો’, ‘લિચ્છનિ’, ‘ઝિંદિયો’, ‘ઝર ઝર કંઠ’ અને ‘રાણી સતી’ ઉલ્લેખનીય છે. હિંદીમાં તેમની 5 કૃતિઓ પ્રગટ થઈ છે. તેમાં ‘વડવાનલ’, ‘કલાઈ કા ધાગા’, ‘પ્રેમલતા’, ‘છાયા કે ધબ્બે’ અને ‘ખુરદરા આદમી’નો સમાવેશ થાય છે. તેમની કેટલીક કૃતિઓના હિંદી તેમજ અંગ્રેજી અનુવાદ થયા છે.
રચનાત્મક કાર્ય બદલ તેમને ઘણા પુરસ્કાર મળ્યા છે, જેમાં રાજસ્થાની ભાષાસાહિત્ય અને સંસ્કૃતિ અકાદમી, બીકાનેરનો પ્રથમ ગદ્ય પુરસ્કાર, મારવાડી સંમેલનનો સરાફ પુરસ્કાર અને મેજર રામપ્રસાદ પોદ્દાર પુરસ્કાર તથા રાજસ્થાની ગ્રૅજ્યુએટ એસોસિયેશન મુંબઈના પુરસ્કારો મુખ્ય છે. રાજસ્થાન સરકાર તથા રાજસ્થાની અકાદમી દ્વારા તેમનું અનેક વાર સન્માન કરવામાં આવ્યું છે.
તેમની પુરસ્કૃત કૃતિ ‘માટી રી મહક’ (1992) નામના વાર્તાસંગ્રહમાં પરંપરા અને આધુનિક્તા વચ્ચેનો સંઘર્ષ, કૌટુંબિક ભાગલા, યુવાનોની હતાશા જેવા સમકાલીન વિષયોની રોચક ગૂંથણી કરવામાં આવી છે. તેમાં પ્રગટ થતું કઠોર અને યંત્રવત્ આધુનિક સભ્યતાનું વિવેચન, વંચિત અને શોષિત વર્ગ પરત્વેની પોતાની માનવતાભરી સહાનુભૂતિ, પારંપારિક મૂલ્યો અંગેનું દર્દ તેમજ શૈલીની સુંદરતાને લીધે તેમની આ રાજસ્થાની કૃતિને ભારતીય વાર્તાસાહિત્યમાં મોખરાનું સ્થાન પ્રાપ્ત થયું છે.
બળદેવભાઈ કનીજિયા