બામુલાયજા હોશિયાર (1976) : પંજાબી ચર્ચાસ્પદ લેખક નરેન્દ્રપાલસિંહની નવલકથા. તેણે ઘણો ઊહાપોહ જગાવ્યો હતો. એક તરફ અશ્લીલતા તથા અમુક ધાર્મિક કોમની ધાર્મિક અને સાંસ્કૃતિક માન્યતા અને ભાવના પર પ્રહાર કરીને, કોમી રમખાણ જગાવે એવી ગણાવી પંજાબની સરકારે એની પર પ્રતિબંધ મૂક્યો હતો, તો બીજી તરફ કેન્દ્રીય સાહિત્ય અકાદમીએ એને 1976ની પંજાબી શ્રેષ્ઠ કૃતિ ઠરાવી, એ માટે નરેન્દ્રપાલસિંહને ઍવૉર્ડ આપ્યો હતો. પંજાબીમાં એ પ્રથમ અસ્તિત્વવાદી કૃતિ મનાઈ છે.
એ નવલકથાની શરૂઆત અમેરિકાના કેનેડી આંતરરાષ્ટ્રીય વિમાનઘરથી થાય છે. ત્યાં સખત બરફવર્ષાને કારણે જમીન પરનો અને આકાશનો બધો વાહનવ્યવહાર ખોરવાઈ જાય છે. નવલકથાનો નાયક અવતારસિંહ એની સ્ત્રીમિત્ર મોરિયા જે વિમાનમાં ભારતથી પાછી ફરતી હતી, તેને લેવા માટે જતો હોય છે. પણ વાહનવ્યવહાર ખોરવાઈ જવાથી એ રસ્તામાં ફસાઈ જાય છે. વિમાનઘર પર પારાવાર ભીડ હોય છે અને ત્યાં ખાદ્ય વસ્તુનાં ભયાનક કાળાંબજાર થતાં હોય છે. વિમાનઘર પર અંધાધૂંધીનું અને ગુનેગારોને માટે બહુ અનુકૂળ એવું વાતાવરણ સર્જાય છે. એવામાં ન્યૂયૉર્કનો મેયર જે તાજેતરમાં થનારા અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણી માટે ઉમેદવાર હતો તે, ટોળાને ઉશ્કેરવા લાગે છે. અહીં યંત્રવાદ કેવી ભીષણ પરિસ્થિતિ સર્જે છે, તેનો ત્રાસદાયક ચિતાર અપાયો છે. એ ર્દશ્ય મૂલ્યોનો જે હ્રાસ થઈ રહ્યો છે તેનું પ્રતીક બને છે. એમાં સમલિંગી યૌનસંબંધનું પણ વિસ્તારથી નિરૂપણ થયું છે. વળી વિમાનઘરમાં જ સ્ત્રીઓ લોહીનો વેપાર કરે છે, તેનું પણ કમકમાં ઉપજાવે એવું ચિત્ર આપ્યું છે. એમાં ધક્કામુક્કીમાં નાયક અવતારસિંહ આગ ઓલવવાના બંબાના નળામાં પડે છે, અંદર ભેરવાઈ જાય છે ને ત્યાં જ મૃત્યુ પામે છે. અહીં યંત્રો ને આધુનિક વૈજ્ઞાનિક વિકાસ માનવમૂલ્યોને અને માનવતાને જે રીતે ભરડામાં લઈ લે છે તેનું દર્શન અવતારસિંહના પાત્ર દ્વારા કરાવાયું છે.
ચન્દ્રકાન્ત મહેતા