બાનુ મુશ્તાક (જ. 3 એપ્રિલ 1948) : આંતરરાષ્ટ્રીય બુકર વિજેતા.
ઈ. સ. 2025નું આંતરરાષ્ટ્રીય બુકર પારિતોષિક બાનુ મુશ્તાકના વાર્તાસંગ્રહ ‘હાર્ટલૅમ્પ’ને અર્પણ થયું છે. આપણા માટે ગૌરવ લેવા જેવી બાબત એ છે કે અનુવાદક દીપા ભારતી પણ ભારતીય છે.

મુશ્તાક બાનુ
બાનુ મુશ્તાકે ઈ. સ. 1990થી 2023 સુધીમાં લખેલ છ સંગ્રહોમાંથી પસાર થઈ એમણે એક વાર્તાસંપાદન તૈયાર કર્યું. જે અંગ્રેજીમાં ‘હાર્ટલૅમ્પ’ના નામથી પ્રકાશિત થયું એને આ પુરસ્કાર મળ્યો છે. કેટલીક સરસ વાર્તાઓમાં કન્નડ લોકકથાઓ પ્રચુર માત્રામાં વિનિયોગ પામી છે.
બાનુ મુશ્તાકે પ્રારંભિક શિક્ષણ ઉર્દૂમાં લીધેલું પરંતુ ત્યારબાદ હેલ્થ ઇન્સ્પેક્ટર પિતાએ માતૃભાષા કન્નડમાં ભણવાનું એમને સૂચવ્યું. કન્નડમાં બી.એ. થયાં બાદ વકીલાતનો વ્યવસાય સ્વીકાર્યો. આરંભમાં જ વાર્તાઓમાં એવું વિશ્વ બતાવ્યું કે સગાસંબંધીઓ રાડ નાંખી ગયાં. આ છોકરી ધનોતપનોત કાઢી નાંખશે. આજે નાનકડા ગામ હસનની છોકરી, 77મા વર્ષે વિશ્વવિખ્યાત લેખિકા બન્યાં ! જેમની હત્યા થઈ એ ગૌરી લંકેશના પિતાનું સામયિક ‘લંકેશ પત્રિકે’માં તેઓ નિયમિત લખતાં હતાં. ’70ના દાયકા બાદ કન્નડ સાહિત્યમાં રૂઢિચિસ્તતા અને સામાજિક અન્યાય સામેના સાહિત્ય રૂપે જે બાંદયા આંદોલન શરૂ થયું એના બાનુ મુશ્તાક અગ્રણી લેખિકા બન્યાં. માત્ર લેખનમાં જ નહીં પણ કર્મશીલ રૂપે પણ કાર્ય કર્યું. મસ્જિદમાં સ્ત્રીઓને નમાજ પઢવાની પરવાનગી હોવી જોઈએ એ બાબતે લડત કરેલી. દુનિયાભરના દેશોમાં આ વ્યવસ્થા હોઈને એ ઇસ્લામસંગત છે. એવી જ રીતે પૈતૃક સંપત્તિનો છઠ્ઠો ભાગ દીકરીને મળવો જ જોઈએ એવું આંદોલન ચલાવેલું. આના કારણે એમના માટે એક મૌલવીએ ફતવો જાહેર કરી ટીકા કરી, એક માણસે સલમાન રશ્દી પર થયો હતો તેમ છરી મારીને હુમલો પણ કર્યો હતો. એમના પતિ પર આવું લખનાર બાનુને તલાક આપી દેવા માટે સગાસંબંધીઓ દબાણ કરતા હતા. એ જમાનામાં મુસ્લિમ છોકરીઓ માટે ઠીક ઠીક મોટી ઉંમર ગણાય એવી છવ્વીસ વર્ષની ઉંમરે પસંદગીના પુરુષ સાથે પ્રેમ લગ્ન કર્યાં હતાં. એ નિરંતર લખતાં રહ્યાં. એમની પાસેથી છ વાર્તાસંગ્રહો, એક નવલકથા, એક નિબંધસંગ્રહ અને એક કવિતાસંગ્રહ પ્રાપ્ત થયેલ છે. વકીલ તરીકે અડધી રાતેય સ્ત્રીઓ એમને ઘેર આવી શકે છે. વાર્તાઓમાં આ બધું ધરબાયું છે. બાંદ્યા આંદોલનના કારણે દલિત અને નારીવાદી સાહિત્ય વિશેષપણે લખાયું. સ્ત્રીઓ પાસેથી સાંભળેલી વાતો એમને રાતોની રાતો ઊંઘવા ન દેતી. એ ઘટનાઓ બે-ત્રણ વર્ષે વાર્તા રૂપે પ્રગટતી થઈ. ત્રણ તલ્લાકનો કાયદો તો આવ્યો પણ દહેજના કાયદાની માફક જ એનું અમલીકરણ થતું નથી. તેથી એ Critical Insider બનીને લિંગભેદને વાર્તાઓના વિષય તરીકે લાવ્યાં છે. અગાઉ એમને કન્નડ સાહિત્ય અકાદમીનો ઍવૉર્ડ તેમજ કન્નડનો જાણીતો સાહિત્ય પુરસ્કાર દીના ચિંતામણી પુરસ્કાર પણ મળ્યો છે. જેટલું એમનું કામ સાહિત્યક્ષેત્રે છે એટલું જ પત્રકારત્વ ક્ષેત્રે પણ છે.
આ સંગ્રહની વાર્તાઓમાં વિશેષપણે મુસ્લિમ મહિલાઓના પ્રશ્નો રજૂ થયા છે. ‘કફન’ વાર્તામાં નોકરાણીનું કફન મક્કાથી ન લાવી શકવાનો અપરાધબોધ છે. ‘શાઈસ્તા મહેલના ગુંબજનો પથ્થર’, વાર્તામાં એકાધિક સંતાનોના કારણે મૃત્યુ પામતી સ્ત્રીની વાત છે. ‘હાર્ટલૅમ્પ’ વાર્તામાં પતિના લગ્નેતર સંબંધની પીડા છે. ‘બ્લૅક કોબ્રાસ’ વાર્તામાં પણ દીકરો ન થવાથી પતિથી તરછોડાયેલી સ્ત્રીની વાત છે. આ વાર્તા ઉપર જાણીતા ભારતીય દિગ્દર્શક ગિરીશ કસરાવલીએ એક ફિલ્મ બનાવેલી છે. ‘લાલ લૂંગી’, ‘હળવી કાનાફૂસી’, ‘સ્વર્ગનો સ્વાદ’, ‘અરેબિકનો માસ્તર અને ગોબી મનચૂરી’ જેવી વાર્તાઓમાં મુસ્લિમ પરિવેશ નિરૂપાયો છે.
આ વાર્તાઓ વાર્તાકળાની દૃષ્ટિએ સામાન્ય છે પણ વાર્તાઓએ અસામાન્ય પ્રશ્નો ઉઠાવ્યા છે, અરૂઢ પરિવેશનો પ્રગાઢ પરિચય આપ્યો છે. તેથી સામાન્ય વાર્તાઓને અસામાન્ય પારિતોષિક પ્રાપ્ત થયું છે. વિષયવસ્તુમાં પુનરાવર્તન લાવ્યાં કરે છે. નકામાં પતિઓનું કથાઘટક મોટા ભાગની વાર્તાઓમાં છે. પણ વાર્તાઓમાં નકામાં પતિના કાર્યો અવનવાં છે ! એ રીતે યાંત્રિકતાને તોડીને નવા પ્રશ્નો મૂકે છે. વાર્તાઓનો પ્રારંભ પ્રચુર નાટ્યાત્મક ક્ષણથી થતો હોઈને વાચકની જિજ્ઞાસાને ઉત્તેજિત કરે છે. આરંભથી જ વાચક વિના વિલંબે વાર્તા સાથે તાદાત્મ્ય અનુભવવા માંડે છે. મોટા ભાગની વાર્તાઓમાં કટાક્ષ છે. ઉપેક્ષિતાનો સ્ત્રીભાવ અહીં સ્થાયી છે. ભારતીય વાચકો માટે આ વાર્તાઓ કે પરિવેશ વિદેશી વાચકોને જે રીતે આંચકો આપે તેવું નથી. મુસ્લિમ પરિવેશને આપણે ત્યાં રાહી માસુમ રજા, શાની, અબ્દુલ બિસ્મિલ્લાહ, નાસિરા શર્માએ જે વાચા આપી છે, એ બાનુ મુશ્તાક કરતાં ક્યાંય ઉત્તમ કક્ષાની છે. દક્ષિણની ભારતીય ભાષાઓને અંગ્રેજી માટે અનુવાદકો સુલભ છે એવું અન્ય ભારતીય ભાષા માટે ન કહી શકાય. તેથી બુકર પુરસ્કાર દક્ષિણ ભારતના લેખકોને વિશેષ મળ્યો છે. તેમ છતાં સંતોષ એ વાતનો છે કે દલપતરામે ‘મિથ્યાભિમાન’, રમણભાઈ નીલકંઠે ‘ભદ્રંભદ્ર’ લખીને પોતાના વર્ગ/વર્ણની આકરી તપાસ કરી હતી. આવા Critical Insider પ્રત્યેક ભાષામાં મળવા જોઈએ. બાનુ મુશ્તાક આવાં લેખિકા છે. આજે આવી તપાસ કરનારા લેખકોનો લીલો દુકાળ છે ત્યારે બાનુ મુશ્તાક પણ તસલીમાં નસરીનની જેમ પ્રસ્તુત છે. આવા અનુવાદો પૃથ્વીના બેઉ ગોળાર્ધની સંસ્કૃતિને એકબીજાને સમજવાનો અવકાશ આપે છે.
ભરત મહેતા