બાદામી : કર્ણાટક રાજ્યના બીજાપુર જિલ્લામાં આવેલો તાલુકો અને તે જ નામ ધરાવતું તાલુકામથક. ભૌગોલિક સ્થાન : 15° 55´ ઉ. અ. અને 75° 41´ પૂ. રે.. આ નગર જિલ્લાના છેક દક્ષિણ ભાગમાં આવેલું છે. પ્રાચીન સમયમાં તે ‘વાતાપિ’ નામથી ઓળખાતું હતું અને પ્રથમ ચાલુક્યવંશી રાજાઓના રાજ્યનું પાટનગર હતું. તે બે ટેકરીઓ વચ્ચેના કોતરના મુખભાગ પર વસેલું છે. આ નગરની પૂર્વમાં આવેલી નદી પર બંધ બાંધવામાં આવ્યો છે અને તેની પાછળ વિશાળ જળાશય આવેલું છે. આ જળાશયના ઉત્તર કાંઠે તેગીના ઇરપ્પાનું, જળાશયના પાળાના મધ્યભાગ નજીક યોગેશ્વરનું અને જળાશયને પૂર્વ છેડે દ્રવિડ સ્થાપત્યશૈલી મુજબ બાંધેલાં ભૂતનાથનાં મંદિરોનું જૂથ આવેલું છે. અહીંના રાતા રેતીખડકોથી બનેલી ભેખડોની પેલી પાર ટટ્ટુકોટિ મારુતિનું મંદિર છે. આ બધાં મંદિરો ચાલુક્ય શૈલીએ બંધાયાં છે.
બાદામીનું આ સ્થળ ઈસવી સનનાં શરૂઆતનાં વર્ષોમાં પણ અસ્તિત્વમાં હોવાનું જાણવા મળે છે. ટૉલેમી(ઈ. સ. 150)એ બાદામી માટે બાદિયામાઇયોઇ (Badiamaioi) તરીકે ઉલ્લેખ કરેલો હોવાનું જાણવા મળે છે.
છઠ્ઠી–સાતમી સદીમાં એ ચાલુક્યવંશની રાજધાની બનતાં આ નગરની ભારે ખ્યાતિ થઈ. અહીં ઈ. સ. 550માં પુલકેશી પહેલાએ પોતાની રાજધાની સ્થાપી અને અહીં અશ્વમેધ યજ્ઞ કર્યો. ઈ. સ. 608માં પુલકેશી બીજાએ અહીં સત્તા ધારણ કર્યા પછી 20 વર્ષોમાં ગુજરાત, રાજસ્થાન, માળવા, કોંકણ, વેંગી વગેરે અનેક પ્રદેશોને કબજે કર્યા. તેણે ઈ. સ. 620માં ઉત્તર ભારતના પ્રસિદ્ધ નરેશ મહારાજ હર્ષને હરાવ્યો. 630માં વાતાપિ-નરેશ ભારતમાં સર્વાધિક યશસ્વી રાજા હતો. તેના સમયમાં વાતાપિમાં ઈરાનના બાદશાહ ખુસરો બીજાએ એલચી મોકલ્યો હતો. ઈ. સ. 642માં પલ્લવનરેશ નરસિંહ વર્માએ પુલકેશી બીજાને હરાવી ચાલુક્ય સત્તાનો અંત આણ્યો. આ પલ્લવોએ નગરને લૂંટ્યું પણ ખરું. ચાલુક્યોના બસો વર્ષના અમલ દરમિયાન બાદામીની ખૂબ ઉન્નતિ થઈ. હિંદુ, બૌદ્ધ અને જૈન – ત્રણેય ધર્મોએ અનેક મંદિરો અને કલાકૃતિઓથી નગરને સુશોભિત કર્યું. છઠ્ઠી સદીના અંતમાં મંગલેશે અહીં એક ગુફા-મંદિર કરાવ્યું. આઠમી સદીમાં અહીંના રાષ્ટ્રકૂટ વંશના દંતિદુર્ગ અને કૃષ્ણ (પહેલો) નામના બે નરેશોએ શાસન કર્યું. કૃષ્ણના સમયમાં ઇલોરાનું જગપ્રસિદ્ધ કૈલાસ મંદિર અને બીજાં મંદિરો કોરાવ્યાં. રાષ્ટ્રકૂટોના સમયમાં બાદામીમાં ચાલુક્યકાલીન ગૌરવ પાંગર્યું નહિ અને તેની ખ્યાતિ ધીમે ધીમે લુપ્ત થઈ.
આ નગરનું વિશેષ મહત્વ તો તેનાં ગુફામંદિરો, ભગ્નાવસ્થામાં જોવા મળતા કિલ્લા, મંદિરોનાં ખંડિયરો, તેમાં જોવા મળતી કોતરણી તથા શિલાલેખોના ઇતિહાસમાં રહેલું છે. અહીં એક શિવનું, બે વૈષ્ણવોનાં અને એક જૈન મંદિર સારી રીતે જળવાયેલાં છે. આ ચાર મંદિરો પૈકીનું શિવમંદિર ‘મામેગિતિ શિવાલય’ વધુ સુંદર અને સૌથી જૂનું છે. છઠ્ઠી અને સાતમી સદીનાં ગુફામંદિરોનું ઘણું મહત્વ અંકાય છે. અહીં આવેલી ટેકરીઓને કોતરીને બનાવેલાં મંદિરો તેમજ તેના પથ્થરો પર કોતરકામ કરી તૈયાર કરેલાં આંતરિક સુશોભનો મનને મુગ્ધ કરી દે એ પ્રકારનાં છે. 543માં શરૂઆતના ચાલુક્ય રાજા પુલકેશી પહેલાએ બાદામીના કિલ્લાઓને મજબૂત બનાવરાવેલા. તેમાં સુધારાવધારા, જીર્ણોદ્ધાર વગેરે વિજયનગર સામ્રાજ્યના અંતસમય સુધી ચાલુ રહેલા. 1845માં આ કિલ્લાઓ પાડી નંખાયેલા. હજી આજે પણ આ નગરને ફરતો એક નાનો કિલ્લો હયાત છે. તે ટેકરી પારના બીજા બે કિલ્લાઓથી આરક્ષિત છે. આ કિલ્લાઓનું નિર્માણ કરવામાં ઘણા પથ્થરોનો ઉપયોગ થયેલો છે અને તેને બુરજો દ્વારા રક્ષણ અપાયેલું છે. ચાલુક્યકાળથી માંડીને વિજયનગરકાળ સુધીના, સંસ્કૃત, પ્રાકૃત અને કન્નડ ભાષામાં કોતરેલા અસંખ્ય શિલાલેખો બાદામીનાં મંદિરોમાં સારી રીતે જળવાયેલા છે.
બાદામીની નજીક પહાડોમાં કોરાયેલી ગુફામાંનાં શિલ્પો અને ચિત્રો એના ભવ્ય ભૂતકાળની સાક્ષી પૂરે છે. આ ગુફાઓ પુલકેશી પ્રથમના સમયમાં કોરાઈ હોવાનું મનાય છે.
બાદામીનાં આ ગુફામંદિરો વૈષ્ણવ સંપ્રદાયને લગતાં છે. અહીંનાં શિલ્પો અને ચિત્રો વૈષ્ણવોની સમૃદ્ધ કલાર્દષ્ટિનો પરિચય કરાવે છે. અહીંનાં ગુફાચિત્રોની શૈલી લગભગ અજંતાની ચિત્રશૈલી જેવી છે. અહીં કુલ પાંચ ગુફાઓ છે. પહેલી શૈવ, ત્રીજી બૌદ્ધ, બીજી અને ચોથી વૈષ્ણવ અને પાંચમી ગુફા જૈન કલાને અનુસરે છે.
પ્રથમ શૈવ ગુફામાં પગથિયાં ચઢતાં જ સામે શિવના તાંડવ-નૃત્યનું અદભુત શિલ્પ છે. કમલાસન પર સ્થિત પ્રતિમાના પગ નૃત્યની ચતુર્મુદ્રામાં છે. શિવના અઢાર હાથમાં જુદાં જુદાં આયુધો છે. બાજુમાં નંદિ ઊભેલો છે. બીજી બાજુએ બે મૃદંગોનું વાદન થઈ રહ્યું છે. ગુફાની દીવાલો પર કંદોરા ભાગે નૃત્ય કરતા તેમજ વાદ્ય વગાડતા ગણોનાં શિલ્પો છે. ગુફાના મધ્યગર્ભમાં મંદિર છે. આસપાસના સ્તંભો પર વિવિધ પ્રકારની ભાતનાં અંકન છે.
બીજી વૈષ્ણવ ગુફામાં વરાહ અને ત્રિવિક્રમની ભારતીય શિલ્પકલામાં અજોડ કહી શકાય તેવી મૂર્તિઓ કંડારેલી છે. એમાં રજૂ થયેલા ગતિશીલ અંગભંગ અને મુખના ભાવ વગેરે સિદ્ધહસ્ત કલાકારની કુશળતાની ચરમસીમા દર્શાવે છે.
ત્રીજી બૌદ્ધ ગુફા વ્યવસ્થિત રીતે બંધાઈ લાગતી નથી. તેમાં ભગવાન બુદ્ધનું અને વિરોચન – ભવિષ્યના બુદ્ધનું શિલ્પ છે. એની પાસે ગણપતિની નાની પ્રતિમા ઉપસાવેલી છે.
ચોથી વૈષ્ણવ ગુફાને ‘વૈકુંઠ ગુફા’ પણ કહે છે. આ ગુફામાં ભવ્ય, વિશાળ અને સમૃદ્ધ શિલ્પાગાર આવેલ છે. ગુફામાં પ્રવેશતાં જ ઉપરના ભાગમાં પાંખ પ્રસારેલા ગરુડનું વિશાળ શિલ્પ છે. સંગીત, નૃત્ય, કુસ્તી વગેરેના સુંદર પ્રસંગો અહીં કંડારાયેલા છે. ગુફાના આગલા ભાગમાં બે મૂર્તિઓ ત્રિવિક્રમ અને વિરાટ પુરુષ વિષ્ણુની, બીજી બે મૂર્તિઓ શેષનારાયણ અને નરસિંહની તથા ત્રીજી બે મૂર્તિઓ વરાહ અને વિષ્ણુની છે. ગુફાના સ્તંભો પર હંસપંક્તિ, કબૂતરોની પ્રેમકેલિ, પુષ્પલતાઓ, વચ્ચે વચ્ચે નર્તકીઓ અને વાદ્યો વગાડતા ગંધર્વો અને કિન્નરોનાં યુગલો અંકિત છે. ઉપરની છતમાં કમળોની સુંદર ભાત, મગરો અને હાથીઓની જલક્રીડાનું અંકન છે. આસપાસ ભાગવતના દશમસ્કંધના પ્રસંગોનાં સરળ શૈલીમાં શિલ્પો કંડારાયેલાં છે. બાદામીનાં ગુફાચિત્રો અજંતાનાં અને સિત્તનવાસલનાં બૌદ્ધ-જૈન ગુફાચિત્રોને મળતાં આવે છે.
આ વૈકુંઠ ગુફામાં બહારના છજામાં ચિત્રો આલેખાયાં છે. એમાં પંદર ફૂટ લાંબી અને સાડા પાંચ ફૂટ પહોળી લાંબી પટ્ટીમાં ત્રણ જુદા જુદા પ્રસંગનાં ચિત્રો આલેખાયેલાં છે. પહેલા ચિત્રમાં રાજપ્રાસાદના કક્ષમાં મધ્યમાં એક આકૃતિ સંગીત અને નૃત્યને નિહાળી રહી છે. ઉપરના ઝરૂખામાં નારીવૃંદ છે. મુખ્ય આકૃતિની આસપાસ ઘણી આકૃતિઓ ચામર ઢોળી રહી છે. ડાબી બાજુએ સંગીતવૃંદ જુદાં જુદાં વાજિંત્રો વગાડી રહ્યું છે. બે સુંદર નારી-આકૃતિઓ નૃત્ય કરી રહી છે. પ્રાસાદનો ભવ્ય કક્ષ સુંદર સ્તંભો તેમજ યવનિકાથી શોભાયમાન છે.
ગિરીશભાઈ પંડ્યા
રામજીભાઈ ઠા. સાવલિયા