બાથ પક્ષ : સંયુક્ત આરબ સમાજવાદી રાષ્ટ્રનું ધ્યેય સેવતો અને આરબ એકતાની હિમાયત કરતો રાજકીય પક્ષ. પૂરું નામ આરબ સોશિયાલિસ્ટ બાથ પાર્ટી. તેનો મુખ્ય પ્રભાવ ઇરાક અને સિરિયામાં, અને કંઈક અંશે લેબેનૉન અને જૉર્ડનમાં વર્તાય છે. ‘બાથ’ શબ્દનો અર્થ ‘પુનરુત્થાન’ થાય છે. આરબ રાષ્ટ્રીય અસ્મિતાને પુનર્જીવન બક્ષવાના ધ્યેયથી 1943માં દમાસ્કસમાં મિશેલ અફ્લાક અને સલાહ-અલ-દિન-અલ-બિત્તર દ્વારા આ પક્ષની સ્થાપના કરવામાં આવી હતી. 1953માં તેનો સિરિયન સમાજવાદી પક્ષ સાથે વિલય થયો, અને તે આરબ સોશિયાલિસ્ટ બાથ પાર્ટીના નામે ઓળખાતો હતો. ઇજિપ્તના એક જમાનાના પ્રમુખ નાસર(1918–70)ના પ્રભાવ હેઠળ તેણે સિરિયા અને ઇજિપ્ત વચ્ચેના પ્રજાસત્તાક જોડાણ અને બિનજોડાણવાદી વિચારસરણીનું સમર્થન કરી સામ્રાજ્યવાદી શક્તિઓનો ઉગ્ર વિરોધ કર્યો; પણ પાછળથી નાસરની વધતી આપખુદશાહીને કારણે સિરિયાએ ઇજિપ્ત સાથે છેડો ફાડ્યો.
1963માં આ પક્ષે સિરિયામાં અને ઇરાકમાં સત્તાનાં સૂત્રો સંભાળ્યાં. વીસમી સદીના સાતમા દશકના અંતમાં તથા આઠમા દશકના આરંભમાં સમાજવાદી અને રાષ્ટ્રવાદી જૂથો વચ્ચેની સાઠમારી અને ઇરાક તથા સિરિયામાંની આ પક્ષની શાખાઓ વચ્ચેના ગંભીર મતભેદો ખુલ્લામાં ઊપસી આવ્યા. 1979માં ઇરાકમાં સદ્દામ હુસેને બાથ પક્ષને સત્તાસ્થાને લાવ્યા બાદ ઇરાક અને સિરિયા વચ્ચેના રાજકીય સંબંધો વણસ્યા. સિરિયામાં હાલ હફ્રેઝ અલ અસદ બાથ પક્ષના મુખ્ય નેતા છે.
સરમુખત્યારશાહી અને કેન્દ્રીય સત્તાના સિદ્ધાંતથી સંચાલિત આ પક્ષ સમાજવાદી અર્થતંત્ર અને ઉદ્યોગોના રાષ્ટ્રીયકરણની હિમાયત કરે છે. ઇસ્લામનું પ્રગતિશીલ અર્થઘટન કરનાર આ પક્ષનો રૂઢિચુસ્ત ઇસ્લામી જૂથો દ્વારા સતત પ્રતિકાર થતો રહ્યો છે.
અમિત ધોળકિયા