બાડમેર : રાજસ્થાનના નૈર્ઋત્ય ભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક અને શહેર. ભૌગોલિક સ્થાન : 24° 58´થી 26° 32´ ઉ. અ. અને 70° 05´થી 72° 52´ પૂ. રે. વચ્ચેનો કુલ 28,387 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તર અને ઈશાનમાં જેસલમેર અને જોધપુર, પૂર્વમાં જોધપુર અને પાલી, અગ્નિ અને દક્ષિણ તરફ જાલોર જિલ્લાઓ તથા પશ્ચિમ તરફ પાકિસ્તાનનો થરપારકર રણભાગ આવેલાં છે.
આ જિલ્લાનું નામ જિલ્લામથક બાડમેર શહેર પરથી પડેલું છે. બહાડમેર અથવા બાડમેર નામ બહાડ અને મેર (કિલ્લાની ટેકરી) પરથી પડ્યું છે.
પ્રાકૃતિક રચના : જિલ્લાની પૂર્વ તરફ આવેલા અરવલ્લીના એક નાના ફાંટાને બાદ કરતાં આખોય પ્રદેશ રેતાળ છે. તેનું ઉપસ્તર નાઇસ ખડકોથી બનેલું છે. રેતાળ વિસ્તારની વચ્ચે વચ્ચે ક્યાંક ક્યાંક 243થી 304 મીટરની ઊંચાઈ ધરાવતી નાઇસ ખડકોથી બનેલી ટેકરીઓ વિવૃત થયેલી જોવા મળે છે. ઉત્તરમાં અને પશ્ચિમમાં આ રેતાળ મેદાનો ટીંબા તરીકે ઓળખાતી 91થી 122 મીટર ઊંચી ટેકરીઓથી ખંડિત બનેલાં છે. આ સમગ્ર વિસ્તાર નિર્જન અને ભેંકાર છે તથા થરના રણનો એક ભાગ બની રહેલો છે. સિવાના તાલુકામાં આવેલું અહીંનું સર્વોચ્ચ શિખર છપ્પનકા પહાડ 973 મીટર જેટલી ઊંચાઈ ધરાવે છે.
વનસ્પતિ : જિલ્લાનો ઘણોખરો વિસ્તાર સૂકી આબોહવાવાળો છે અને ગરમ રણની રેતીથી છવાયેલો છે. વર્ષાઋતુ દરમિયાન જે થોડોઘણો વરસાદ પડે છે, તે વખતે રણની વનસ્પતિ, જંગલી ઘાસ અને ફૂલવાળા છોડ ઊગી નીકળે છે અને થોડા સમયગાળા માટે ટકે છે. અહીં જોવા મળતાં વૃક્ષોમાં ખીજડો, રોહિડો, ખેર, ફોગ, આકડો, બોરડી, લીમડો, પીપળો મુખ્ય છે. તેમાંથી લાકડાં અને ફળો મળી રહે છે. કેટલાંક ઔષધીય મૂલ્ય ધરાવતાં વૃક્ષો પણ થાય છે. નાના છોડવા અને ઘાસ પૈકી ધમાસો, ભરૂટ, સેવન, મકરા, લૅમ્પ વગેરે થાય છે.
જળપરિવાહ : ખારું પાણી ધરાવતી લૂણી અહીંની મુખ્ય નદી છે, તે અજમેર શહેરના નૈર્ઋત્ય ભાગમાંથી નીકળે છે. નાગૌર, પાલી અને જોધપુર જિલ્લાઓમાંથી પસાર થઈને અહીં પચપદ્ર તાલુકાના રામપુરા ગામ નજીક પ્રવેશે છે, ત્યાંથી પશ્ચિમ તરફ તિલવાડાથી આગળ સુધી વહે છે. ત્યાં તેનો વહનમાર્ગ નૈર્ઋત્ય તરફ ફંટાય છે, ત્યાંથી જાલોર જિલ્લામાં થઈને કચ્છના રણભાગની પંકભૂમિમાં સમાઈ જાય છે. અહીં વધુ વરસાદ તો પડતો નથી; જ્યારે પણ જેટલો વરસાદ પડે છે, તેમાંથી આ નદીમાં રેલ આવે છે; તેને કારણે ત્યાં ઘઉં, ચણા અને જવ થઈ શકે છે. બીજી એક સુકરી નદી છે, તે સમદરી નજીક લૂણીમાં ભળી જાય છે. આ સિવાય સુકરી (નંબર 2), મિતરી, લીક નામની નાની નદીઓ છે, તથા રાણીગાંવ નાળું, કવાસ નાળું અને ખેવરાયલ નાળું પણ છે.
ખેતી : આ જિલ્લો પશ્ચિમથી પૂર્વ તરફ રણપ્રદેશ જેવો વિસ્તાર આવરી લેતો હોવાથી અહીં મોટેભાગે ખરીફ પાકો જ લેવાય છે. જે વર્ષે સારો વરસાદ પડે ત્યારે લૂણી નદીમાં રેલ આવે છે; તેની આજુબાજુ ત્યારે રવી પાક લઈ શકાય છે. ઘઉં અહીંનો મુખ્ય રવી પાક છે. કેટલાક ભાગોમાં ચણા અને જવનું વાવેતર થાય છે. ખરીફ પાકોમાં મુખ્યત્વે બાજરો, જુવાર, મકાઈ, કઠોળ અને તેલીબિયાંનું વાવેતર થાય છે. 88.92 % ધાન્ય પાકો, 8.72 % કઠોળ તથા 2.36 % તેલીબિયાં તેમજ અન્ય પાક લેવાય છે. અહીં કુલ 65 જેટલા કૂવાઓ મારફતે સિંચાઈ થાય છે.
પશુપાલન : જિલ્લાનાં મુખ્ય પશુઓમાં ભેંસ, ઘેટાં-બકરાં, ઊંટ, ઘોડા ટટ્ટુ, ગધેડાં અને ડુક્કરનો સમાવેશ થાય છે. અહીં 9 પશુદવાખાનાં, 1 પશુચિકિત્સાલય, 4 કૃત્રિમ ગર્ભાધાન-કેન્દ્રો, 2 હરતાં-ફરતાં પશુ-ચિકિત્સા વાહનો, 4 ગૌશાળાઓ અને 9 ઘેટાં-વિસ્તરણ-કેન્દ્રો આવેલાં છે.
ઉદ્યોગો : આ જિલ્લો ધાતુખનિજોની અછતવાળો છે. બેન્ટોનાઇટ, ચિરોડી, સિલિકા, મુલતાની માટી, સાદી માટી અને મીઠું જેવાં ખનિજો જિલ્લા માટે આવકનાં સાધનો છે. મીઠું પચપદ્ર સરોવરમાંથી મેળવાય છે. ગ્રૅનાઇટ અને રહાયોલાઇટના પથ્થરો સિવાના અને બાડમેર નજીકથી મેળવાય છે. અહીં લિગ્નાઇટના નિક્ષેપો હોવાનું પણ જાણવા મળ્યું છે.
જિલ્લાભરમાં 39 જેટલાં અધિકૃત કારખાનાં આવેલાં છે. નાના પાયા પર ચાલતા કુટિર-ઉદ્યોગોમાં સુતરાઉ કાપડનું વણાટકામ, છપાઈકામ, રંગાટીકામ, લુહારીકામ, સુથારીકામ, પગરખાં તથા માટીનાં વાસણો, બીડી અને ઘી બનાવવાનું કામ ચાલે છે.
વેપાર : જિલ્લામાં બાડમેર, બલોત્રા, સિવાના, ગદ્રારોડ, ચોહતાન વગેરે જેવાં સ્થળોમાં ગોળ, ખાંડ, અનાજ, ઊન, શાકભાજી જેવી ચીજવસ્તુઓનાં બજાર તેમજ હાટડીઓ છે. અહીં બૅંકોની સુવિધા પણ છે. જિલ્લા બહાર નિકાસ થતા માલસામાનમાં રંગેલા તથા છાપેલા કાપડનો, ઊન, ઘી, ચિરોડી, બેન્ટોનાઇટ, મીઠું તથા પશુઓનો સમાવેશ થાય છે; તો ધાન્ય ગોળ, ખાંડ, ઇમારતી પથ્થરો, સિમેન્ટ, ખનિજતેલ-પેદાશો, વનસ્પતિ તેલો, સૂકાં ફળો, વીજળીનો સામાન, ધાતુની ચીજવસ્તુઓ, દવાઓ તેમજ ઢોરના ખોરાકની આયાત કરવામાં આવે છે.
પરિવહન : આ જિલ્લામાં થઈને ઉત્તર વિભાગીય રેલવેનો મીટરગેજ માર્ગ પસાર થાય છે. તેમાં લૂણી જંક્શનથી પાકિસ્તાનની સીમા સુધી જતો રેલમાર્ગ આવેલો છે, આ માર્ગ જિલ્લામાં અજિત પાસેથી શરૂ થઈ સરહદ નજીકના મુનાબો પાસે પૂરો થાય છે. સમદરીથી જાલોરના તથા બાલોત્રાથી પચપદ્ર માટેના નાના રેલ-ફાંટાઓ પણ આવેલા છે. અહીં કુલ 30 જેટલાં રેલમથકો છે. જિલ્લામાં 2,695 કિમી.ના સડકમાર્ગો છે.
પ્રવાસન : બાડમેર, કિરાડુનાં ખંડિયેરો, નગર મેવા, ખેડ અને જાસોલ જેવાં પ્રવાસયોગ્ય સ્થળો આ જિલ્લા માટે મહત્વનાં બની રહેલાં છે.
કિરાડુનાં ખંડિયેરો : બાડમેર તાલુકાના હાથમા ગામ નજીક, ખાદીન રેલમથકથી ઉત્તર તરફ 5 કિમી. અંતરે તથા બાડમેરથી વાયવ્યમાં આશરે 26 કિમી. અંતરે આવેલી ટેકરીની તળેટીમાં કિરાડુનાં ખંડિયેરો આવેલાં છે. 1161ના એક કોતરેલ લેખ મુજબ આ સ્થળ કિરાતકૂપ નામથી ઓળખાતું હતું, ત્યારે તેપું અવરો(શાસકો)નું રાજધાનીનું સ્થળ હતું. અહીં જૂની વસ્તીનાં કોઈ ચિહ્નો મળતાં નથી, પરંતુ પુરાતત્વીય ર્દષ્ટિએ મહત્વનાં પાંચ જૂનાં મંદિરોનાં ખંડિયેરો આવેલાં છે. ભગ્નાવસ્થામાં જોવા મળતાં આ મંદિરો પૈકી સૌથી મોટા સોમેશ્વરના મંદિર સહિતનાં ચાર મહાદેવનાં અને એક વિષ્ણુમંદિર હોવાનું જણાય છે. અહીં શિવ અને વિષ્ણુની મૂર્તિઓ મળે છે, તે પૈકી વિષ્ણુની મૂર્તિ સૌથી જૂની હોવાનું મનાય છે.
નગરમેવા : અગાઉ વિરામપુર હોવાનું કહેવાતું આ સ્થળ બારમી કે તેરમી સદીમાં અસ્તિત્વ ધરાવતું હતું. બાલોત્રા ગામથી આશરે 9 કિમી. અતરે આવેલું મેવા આજે સડકમાર્ગથી સંકળાયેલું છે. અહીં ત્રણ જૈન મંદિરો તથા એક વિષ્ણુનું મંદિર આવેલાં છે, તે પૈકી સૌથી મોટું અને જૂનું મંદિર નકોરા પાર્શ્વનાથજીનું છે અને બાકીનાં બે ઋષભદેવ તથા શાંતિનાથનાં છે. અહીંથી કેટલાક કોતરેલા શિલાલેખો મળી આવેલા છે. દર વર્ષે પોષ માસમાં અહીં મેળો ભરાય છે.
ખેડ : પશ્ચિમ ભારતમાં રાઠોડવંશી રજપૂતોનો ઉદય અહીંથી થયેલો હોવાનો દાવો કરવામાં આવે છે અને તેથી રાઠોડવંશી રજપૂતો માટે તેનું મહત્વ છે. તેરમી સદીના પ્રારંભમાં રાવ સિંહાજી અને તેના પુત્ર આસ્થાનજીએ ગોહેલ રજપૂતો પાસેથી ખેડ સહિતનો આ વિસ્તાર જીતી લઈને રાઠોડોને અહીં વસાવેલા. અહીં પહેલાંની જાહોજલાલીના કોઈ અંશો જળવાયેલા મળતા નથી, માત્ર રણછોડજીનું એક વિષ્ણુમંદિર ખંડિયેર સ્વરૂપે જોવા મળે છે. તેના પ્રવેશદ્વાર પર ગરુડની મૂર્તિ છે. નજીકમાં બ્રહ્માજી અને ભૈરવનાં મંદિરો છે. આ ઉપરાંત મહાદેવનું તથા જૈનોનું એક એક મંદિર પણ છે.
જાસોલ : પ્રાચીન હોવાનું મનાતું આ સ્થળ મલાનીની જાગીરનું મથક હતું. આજનું તેનું નામ ‘જાસોલ’ રાઠોડવંશી રજપૂતોની એક શાખા જાસોલિયા રજપૂતોના મૂળ વતનનો નિર્દેશ કરે છે. અહીં હિન્દુ અને જૈનોનાં મંદિરો આવેલાં છે. જૈન મંદિર દાદાડેરા નામથી ઓળખાય છે, જ્યારે હિન્દુ મંદિર ખેડમાંથી શિલ્પો લાવીને બનાવવામાં આવેલું છે.
જિલ્લાનાં જુદાં જુદાં સ્થળો પર તિલવાડાનો ઢોરમેળો, નકોરા પાર્શ્વનાથનો મેળો, વિરાત્રાનો મેળો, ખેડનો મેળો તથા કલ્યાણસિંહનો મેળો ભરાય છે, વળી વર્ષ દરમિયાન વિવિધ તહેવારોની લોકપરંપરા મુજબ ઉજવણી થાય છે.
વસ્તી : 1991 મુજબ જિલ્લાની વસ્તી 14,35,222 જેટલી છે, તે પૈકી 7,59,077 પુરુષો અને 6,76,145 સ્ત્રીઓ છે. ગ્રામીણ અને શહેરી વસ્તીનું પ્રમાણ અનુક્રમે 12,91,056 અને 1,44,166 જેટલું છે. અહીં મુખ્યત્વે હિન્દી, રાજસ્થાની અને સિંધી ભાષાઓ બોલાય છે. ધર્મ-વિતરણ મુજબ હિન્દુ : 12,35,894; મુસ્લિમ : 1,63,708; ખ્રિસ્તી : 321; શીખ : 298; બૌદ્ધ : 23; જૈન : 33,805 તેમજ અન્ય 1,173 જેટલા છે. જિલ્લાભરમાં શિક્ષિત લોકોની સંખ્યા આશરે માત્ર 18% જેટલી છે. જિલ્લામાં 700 પ્રાથમિક શાળાઓ, 135 માધ્યમિક શાળાઓ, 40 ઉચ્ચતર માધ્યમિક શાળાઓ તથા એક વ્યાવસાયિક સહિતની 2 કૉલેજો આવેલી છે. અહીં 3 હૉસ્પિટલો, 27 નાનાં દવાખાનાં, 3 પ્રસૂતિગૃહો, 8 પ્રાથમિક સ્વાસ્થ્યકેન્દ્રો અને 56 કુટુંબ-કલ્યાણકેન્દ્રો આવેલાં છે. આ ઉપરાંત 57 જેટલાં આયુર્વેદિક અને યુનાની દવાખાનાં તથા 1 આયુર્વેદિક હૉસ્પિટલ પણ છે.
બાડમેર, બાલોત્રા અને સિવાના ખાતે જિલ્લાની વહીવટી સરળતા માટે મ્યુનિસિપાલિટી બોર્ડની વ્યવસ્થા છે. જિલ્લાને સાત તાલુકા અને આઠ સમાજવિકાસ ઘટકોમાં વહેંચેલો છે. જિલ્લામાં 4 નગરો અને 1,634 (9 વસ્તીવિહીન) ગામડાં આવેલાં છે. અહીં મોટાં શહેરો વિકસ્યાં નથી. બાડમેર, બાલોત્રા, સમદરી અને સિવાના નગરો પણ એક લાખથી ઓછી વસ્તી ધરાવે છે. જિલ્લાના વિકાસ અર્થે દુષ્કાળ-રાહત માટે, રણવિસ્તારના રહીશો અને ગ્રામીણ વિસ્તારો માટે તથા સિંચાઈ તેમજ રસ્તાઓ માટે ઘણી વિકાસયોજનાઓ અમલમાં મુકાયેલી છે.
જિલ્લાનો લગભગ બધો જ વિસ્તાર મૂળ જોધપુરના દેશી રજવાડાનો જ એક ભાગ હતો. 1949માં બૃહદ રાજસ્થાન રાજ્યની રચના થતાં, જૂનો મલાની વિસ્તાર, શિવ, પચપદ્ર તથા સિવાનાને ભેળવીને બાડમેરનો અલગ જિલ્લો બનાવવામાં આવેલો છે.
બાડમેર : ભૌગોલિક સ્થાન : 25° 45´ ઉ. અ. અને 71° 23´ પૂ. રે. તે જોધપુરથી 208 કિમી.ને અંતરે લૂણી-મુનાબો રેલમાર્ગ પર આવેલું છે. આ નગર તેરમી સદીમાં થઈ ગયેલા રાજવી બાહડ (બાર) દ્વારા વસાવાયેલું હોવાથી ‘બાડમેર’ નામથી ઓળખાય છે. તે બહાડની ટેકરીની તળેટીમાં વસેલું છે. ટેકરી પર તે વખતે બંધાયેલા કિલ્લાના અવશેષો જોવા મળે છે. અહીં સૂર્યને સમર્પિત બાલારીખનું મંદિર છે. આજના નગરની વાયવ્યમાં જૂના બાડમેરનાં ખંડિયેરો, તેમજ દક્ષિણ તરફ ત્રણ જૈન મંદિરોના અવશેષો જોવા મળે છે. આ પૈકી મોટા મંદિરના ખંડના એક સ્તંભ પર 1295નો એક લેખ નજરે પડે છે, જેમાં તત્કાલીન શાસક મહારાજકુલશ્રી સામંતસિંહદેવનો ઉલ્લેખ છે.
આજે બાડમેર નગર જિલ્લાનું અગત્યનું વેપારી મથક બની રહેલું છે. અહીં ઊંટ, ઘેટાં, ઊન અને મીઠાનો વેપાર ચાલે છે. અહીંના કારીગરો દળવા માટેના ઘંટિયા પથ્થરો, ઊંટ પર ગોઠવાતી કાઠીનો સામાન, ચામડાંનાં થેલા-થેલી જેવી ચીજો બનાવે છે. અહીં વેધશાળા, હૉસ્પિટલ તથા રાજસ્થાન યુનિવર્સિટી સંલગ્ન એક સરકારી કૉલેજ આવેલી છે. જોધપુર સાથે તે રેલમાર્ગે જોડાયેલું છે.
ગિરીશભાઈ પંડ્યા