બાખ, જોહાન સેબાસ્ટિયન

January, 2000

બાખ, જોહાન સેબાસ્ટિયન (જ. 1685, આઇઝેનાક, જર્મની; અ. 1750, લિપઝિગ, જર્મની) : પાશ્ચાત્ય શાસ્ત્રીય સંગીતના મહાન સર્જક, રચનાકાર તથા ઑર્ગન-વાદક. સંગીતકારોના પરિવારમાં જન્મ. પિતાનું નામ ઍબ્રૉસિયસ તથા માતાનું નામ એલિઝાબેથ લૅમરહર્ટ. જોહાન દસ વર્ષના હતા ત્યારે માતા-પિતાનું અવસાન થયું. નાનપણથી સંગીત પ્રત્યે રુચિ. શરૂઆતનું સંગીતનું શિક્ષણ પિતા પાસેથી લીધું અને તેમના અવસાન પછી ભાઈ જોહાન ક્રિસ્ટૉફ પાસે તાલીમ લેતા રહ્યા.

જોહાન સેબાસ્ટિયન બાખ

1703માં વેઇમરના રાજકુમારની સંગીતમંડળી(orchestra)માં વાયોલિન/બેલાવાદક તરીકે જોડાયા અને એક વર્ષ બાદ ઑર્ગન-વાદક તરીકે નામના મેળવી. ઑર્ગન પ્રત્યેની ઘેલછાને કારણે 1705માં વિખ્યાત ડૅનિશ સંગીતકાર અને ઑર્ગન-વાદક ડાએટ્રિચ બકસ્ટેહુડને સાંભળવા લ્યૂબેક ખાતેની સેન્ટ મેરીઝ ચર્ચ સુધીનું 370 કિમી. સુધીનું અંતર પગે ચાલીને કાપ્યું હતું. 1707માં મોહિહાસેન ખાતે સ્થળાંતર કર્યું અને 1708માં વાઇમરના દરબારી વાદક (court organist) બન્યા. 1714માં કૉન્સર્ટ-માસ્ટર, એટલે કે સંગીતમંડળીના સંચાલક બન્યા. 1717માં રાજકુમાર લિયૉપૉલ્ડે તેમની નિમણૂક કોથેન ખાતે સંગીત-નિર્દેશક/દિગ્દર્શક તરીકે કરી. 1723માં લિપઝિગ ખાતેની સેન્ટ ટૉમસ ચર્ચના સંગીત-વિભાગના નિર્દેશક બન્યા, જ્યાં અવસાન સુધી સંગીતક્ષેત્રે તેઓ કાર્યરત રહ્યા (1723–50).

પાશ્ચાત્ય સંગીતના મહાન કલાકાર હોવા છતાં શરૂઆતમાં તેમની ઝાઝી કદર થઈ ન હતી, પરંતુ ઓગણીસમી સદીના મેન્ડેલસૉન અને શુમન જેવા રોમૅન્ટિક સંગીતકારોએ બાખને અગ્રણી સંગીતકાર તરીકે પ્રસ્થાપિત કર્યા અને ત્યારપછી તેમની પ્રશંસા સતત વધતી ગઈ. હેડન, મોઝાર્ટ અને બીથોવન જેવા મહાન સંગીતકારો પર તેમના સંગીતનો પ્રભાવ પડ્યો હતો. વિવિધ સ્વરસંગતિના વિકાસમાં તેમણે આપેલ યોગદાન શકવર્તી ગણાય છે. લિપઝિગ ખાતેના તેમના નિવાસ દરમિયાન પ્રત્યેક રવિવારની પ્રાર્થના માટે તેમણે 300 જેટલી સંગીતરચનાઓ કરી હતી; જેમાંથી આશરે 200 જેટલી રચનાઓ આજે પણ ઉપલબ્ધ છે. 1729થી 1741ના ગાળા દરમિયાન તેઓ લિપઝિગ ખાતેની સંગીત-કૉલેજના નિયામક પણ રહ્યા હતા અને પ્રત્યેક અઠવાડિયા દરમિયાન તેઓ સંગીતના જાહેર કાર્યક્રમો પણ આપતા હતા. આ ગાળા દરમિયાન તેમનું નિવાસ-સ્થળ સંગીતનું યાત્રાધામ બન્યું હતું.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે