બાકુ : રશિયાના અઝરબૈજાનનું પાટનગર. ભૌગોલિક સ્થાન : 40° 25´ ઉ. અ. અને 49° 45´ પૂ. રે. તે કાસ્પિયન સમુદ્રને પશ્ચિમકાંઠે તથા બાકુના ઉપસાગરના પહોળા વળાંક પરના અપશેરૉન દ્વીપકલ્પની દક્ષિણ બાજુ પર સમુદ્રસપાટીથી 12 મીટર જેટલી નીચી ભૂમિ પર આવેલું છે. નજીકના બાકુ ટાપુસમૂહને કારણે અહીં આરક્ષિત રહેતો ઉપસાગર કાસ્પિયન સમુદ્રને શ્રેષ્ઠ કક્ષાના બારાની અનુકૂળતા ઊભી કરી આપે છે. ઉત્તર તરફથી ફૂંકાતા પ્રચંડ વેગવાળા પવનો(ખઝરી)થી અપશેરૉન દ્વીપકલ્પ મુક્ત રહે છે. આ સ્થળ વૉલ્ગા નદી અને યુરલ પર્વતોની વચ્ચે આવેલું છે. તેને અપાયેલું બાકુ નામ કદાય ઈરાની શબ્દ ‘બાદકુબે’ (પહાડી પવનોની ફૂંકાવાની ક્રિયા) પરથી ટૂંકાવેલો હોવાનું અનુમાન કરવામાં આવેલું છે. રશિયાનાં મોટાં શહેરો પૈકી તેની ગણના થાય છે; એટલું જ નહિ, તેલક્ષેત્રે તેમજ વહીવટી ક્ષેત્રે તેનું ઘણું જ મહત્વ અંકાય છે. અહીં મળી આવતા તેલથી રશિયાએ ખનિજતેલ–ઉત્પાદનમાં ઘણું આગળ પડતું સ્થાન મેળવ્યું છે. બીજા વિશ્વયુદ્ધ બાદ અહીંના ‘સેકંડ બાકુ’ તેલક્ષેત્રમાંથી મૂળ બાકુ ક્ષેત્ર કરતાં પુષ્કળ પ્રમાણમાં તેલ કાઢવામાં આવેલું છે.
ઈસુ ખ્રિસ્તના સમય અગાઉની કેટલીય સદીઓ પહેલાં અહીં માનવવસવાટ હોવાના પુરાતત્વીય પુરાવાઓ મળતા હોવા છતાં તેની પ્રમાણભૂત ઐતિહાસિક તવારીખ આ સ્થળને 885ના ગાળાની આજુબાજુના સમયમાં મૂકી આપે છે. અગિયારમી સદી સુધી બાકુ શિરવાણશાહના કબજામાં હતું. અહીંના શાસકોએ બાકુને બારમી સદીમાં પાટનગર બનાવેલું. તેરમી અને ચૌદમી સદી દરમિયાન તે મોગલોના કબજામાં રહ્યું.
1723માં પીટર (ધ ગ્રેટ) પહેલાએ બાકુનો કબજો મેળવી લીધેલો, પરંતુ 1735માં તે ઈરાનને પાછું સોંપી દેવામાં આવેલું. 1806માં તે રશિયાના શાસન હેઠળ આવ્યું અને 1920માં તેને અઝરબૈજાનનું પાટનગર બનાવવામાં આવ્યું.
આજના બાકુ શહેરનું મધ્ય સ્થળ, જૂના બાકુ શહેરની, કિલ્લાની તથા ઈચેરી શિખરની યાદ તાજી કરાવે છે. 1806ના રશિયાઈ કબજા પછી તેના કિલ્લાની દીવાલોને મજબૂત બનાવરાવવામાં આવેલી, તે હજી આજે પણ ટકી રહેલી છે. એ જ રીતે અહીંનો બારમી સદીનો કીઝ્ ક્લાસીનો ‘મેઇડન ટાવર’ પણ ખૂબ જાણીતો છે. જૂના શહેરમાં જૂની સુંદર ઇમારતો તથા સાંકડી ગલીઓ છે. શિરવાણશાહનો મહેલ પણ અહીં જ છે, તેને હવે સંગ્રહાલયમાં ફેરવવામાં આવેલો છે. તેનો જૂનામાં જૂનો ભાગ અગિયારમી સદીનો છે. અગિયારમી સદીનો સીનિક-કલાનો નાનો મિનારો તથા 1078–79ની મસ્જિદ પણ અહીં જ છે. અન્ય નોંધપાત્ર ઐતિહાસિક ઇમારતોમાં દીવાખનખાન (અદાલત), ઝૂમા મેશેટનો મિનારો તેમજ ખગોળશાસ્ત્રી સઈદા બાકુવીના મકબરાનો સમાવેશ કરી શકાય.
બાકુનું અર્થતંત્ર મુખ્યત્વે તેલઉત્પાદન પર નિર્ભર છે. બાકુના પેટાળમાં તેલ હોવાની જાણ 8મી સદીથી હતી, 15મી સદી સુધી તો સપાટી કૂવાઓમાંથી મેળવાતા તેલનો દીવાઓ માટે ઉપયોગ થતો હતો; 1872થી આધુનિક પદ્ધતિ દ્વારા તેલપ્રાપ્તિ શરૂ થઈ. વીસમી સદીના પ્રારંભે બાકુ તેલક્ષેત્ર દુનિયાભરમાં સૌથી મોટું ગણાતું હતું. આજે તો અહીં લગભગ બધું જ તેલ ખૂટી જવા આવ્યું છે, તેથી કેટલાક કૂવાઓને, તેમાં વધુ શારકામ કરીને 5,090 મીટરની ઊંડાઈ સુધી લઈ જવાયા છે.
આજના ઘણાખરા નવા આવાસો આ શારકામ કેન્દ્રો પર પણ છે, વળી અહીં ઘણી પાઇપલાઇનોની ગૂંથણી પણ નજરે પડે છે. અહીંથી કાળા સમુદ્રના બાતુમી સુધીની પણ પાઇપલાઇન હતી. આ ઉપરાંત અહીંનું તેલ ટૅન્કરો મારફતે કાસ્પિયન સમુદ્રને વટાવીને વૉલ્ગા પ્રદેશ સુધી પણ જતું હતું. અહીં રિફાઇનરી ઉપરાંત તેલ-ઉદ્યોગ સાથે સંકલિત 20 જેટલા અન્ય ઉદ્યોગો પણ વિકસ્યા હતા. તદુપરાંત રસાયણો, સિમેન્ટ, સુતરાઉ કાપડ ઉદ્યોગ, પગરખાં અને ખોરાકી ચીજો પણ અહીં બનતાં હતાં. બાકુ સંસ્કૃતિ તથા શિક્ષણનું કેન્દ્ર પણ હતું. અન્ય ઇજનેરી ઉદ્યોગોમાં જહાજવાડો તેમજ વીજ યંત્રસામગ્રીનો સમાવેશ કરી શકાય. આજે અહીં યુનિવર્સિટી અને ઉચ્ચશિક્ષણની આઠ જેટલી અન્ય સંસ્થાઓ પણ છે. અઝરબૈજાનની એકૅડેમી ઑવ્ સાયન્સિઝ ખાતે ઘણા વૈજ્ઞાનિક સંશોધન-એકમો પણ સ્થપાયેલા છે. આ શહેરમાં થિયેટરો ઉપરાંત અનેક સંગ્રહાલયો છે. અહીંના નિવાસીઓ અઝરબૈજાની (46 %) નામથી ઓળખાય છે, બાકીના પૈકી 28 % રશિયનો અને 16% આર્મેનિયનો છે. અહીંની વસ્તી 11,49,000 (1990) જેટલી છે.
ગિરીશભાઈ પંડ્યા