બાકરે, તેજસ્ રવીન્દ્રભાઈ (જ. 12 મે 1981, અમદાવાદ, ગુજરાત) :

January, 2000

બાકરે, તેજસ્ રવીન્દ્રભાઈ (જ. 12 મે 1981, અમદાવાદ, ગુજરાત) : ગુજરાતના સૌપ્રથમ અને એકમાત્ર ‘ઇન્ટરનૅશનલ માસ્ટર’નો ખિતાબ ધરાવતા યુવા ચેસ-ખેલાડી. ક્રિકેટ, ટેનિસ, સ્કેટિંગ અને સ્વિમિંગ જેવી રમતોના શોખીન તથા અભ્યાસમાં તેજસ્વી બુદ્ધિઆંક અને તીવ્ર ક્ષમતા ધરાવવા ઉપરાંત તે શાળા-અભ્યાસ દરમિયાન શૉટપુટ, ડિસ્ક થ્રો જેવી મેદાની રમતોમાં અને શ્રુતલેખન, વાચન અને વાર્તાકથન વગેરે પ્રવૃત્તિઓમાં ઇનામો મેળવતા રહ્યા. હાલ (2001) અમદાવાદની એચ. એલ. કૉમર્સ કૉલેજના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરે છે.

તેજસ્ રવીન્દ્રભાઈ બાકરે

માત્ર 10 વર્ષની વયે તેમણે તેમના ડૉક્ટર પિતા રવીન્દ્રભાઈની પ્રેરણાથી ચેસ રમવાનો પ્રારંભ કરીને 10, 12 અને 14 વર્ષના વય-જૂથની ચેસ-સ્પર્ધામાં 1991માં પ્રથમ સ્થાન; 1992, 1993 અને 1994માં ચેસ-ચૅમ્પિયન તથા 1991થી 1996 સુધી સબ-જુનિયર ચૅમ્પિયન બન્યા. 1994–95 સ્ટેટ ઓપન ચૅમ્પિયન, ગુજરાત ચેસ માસ્ટર અને 13 વર્ષની વયે સ્ટેટ ઓપન ચૅમ્પિયન જાહેર થયા. 1994, 1997 અને 1998માં ગુજરાત સ્ટેટ રૅપિડ ચેસ-ચૅમ્પિયન બન્યા. આમ સતત 6 વર્ષ માટે તેમણે સ્ટેટ સબ-જુનિયર તરીકેનું વિજયપદક જાળવી રાખ્યું અને ભાઈલાલભાઈ ટ્રૉફી મેળવીને ઇતિહાસ સર્જ્યો.

ડિસેમ્બર 1997થી જુલાઈ 1998ના ફક્ત 8 મહિનાના ગાળા દરમિયાન તે (1) એશિયન સબ-જુનિયર ચેસ-ચૅમ્પિયન બનનાર પ્રથમ ભારતીય છે અને તેમને ‘ફિડે (FIDE) માસ્ટર’નો ખિતાબ અપાયો. (ડિસેમ્બર, 1997, મુંબઈ); (2) એશિયન જુનિયર ચૅમ્પિયન (મે 1998, ઇશ્ત, ઈરાન) બન્યા, અને તેમને ‘ઇન્ટરનૅશનલ માસ્ટર’નો ખિતાબ મળ્યો; (3) વર્લ્ડ યૂથ ચૅમ્પિયન (જુલાઈ ’98, મૉસ્કો) બન્યા અને તેમને વિશ્વના ટોચના નિષ્ણાત ખેલાડીઓ સાથે ‘ઑસ્કર ઍવૉર્ડ’માં હાજરી આપવા નિમંત્રણ મળ્યું. સપ્ટેમ્બર 1999માં ફરીથી તે એશિયન જુનિયર ચેસ-ચૅમ્પિયન (પૉંગ તાઉ, વિયેતનામ) બન્યા. ઑગસ્ટ 1997 અને સપ્ટેમ્બર 1997માં અનુક્રમે આર્જેન્ટિના અને આર્મેનિયામાં વર્લ્ડ ટીમ ચેસ-ચૅમ્પિયન અને વર્લ્ડ ચેસ-ચૅમ્પિયન તરીકેની સિદ્ધિ મેળવી.

તેમને રાષ્ટ્ર કક્ષાએ 3 સુવર્ણચંદ્રક, ટ્રૉફી અને 1 રજત ચંદ્રક મળ્યા છે. ચેસની સ્પર્ધામાં તેમની ઉત્કૃષ્ટ પ્રકારની સિદ્ધિઓ ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે તેમને 1994–95ના વર્ષનો રાજ્ય કક્ષાનો ‘શ્રી જયદીપસિંહજી ઍવૉર્ડ’ અને 1998–99ના વર્ષનો રાષ્ટ્ર કક્ષાનો ‘શ્રી સરદાર પટેલ ઍવૉર્ડ’ તથા આંતરરાષ્ટ્રીય સિદ્ધિઓ માટે ભારત સરકાર તરફથી 1999 તથા 2000ના વર્ષ માટેના વિશિષ્ટ ઍવૉર્ડ આપવામાં આવ્યા છે.

બળદેવભાઈ કનીજિયા