બાંદા : ઉત્તરપ્રદેશ રાજ્યના ઝાંસી વિભાગમાં પૂર્વ તરફ આવેલો જિલ્લો અને તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 24° 34´થી 25° 55´ ઉ. અ. અને 80° 07´થી 81° 53´ પૂ. રે. વચ્ચેનો 7,624 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે ફતેહપુર જિલ્લો, પૂર્વમાં અલાહાબાદ જિલ્લો, પશ્ચિમમાં હમીરપુર જિલ્લો તથા દક્ષિણમાં મધ્યપ્રદેશના રેવા, સતના, પન્ના અને છતરપુર જિલ્લા આવેલા છે.
ભૂપૃષ્ઠ : ઉત્તરમાં યમુના અને દક્ષિણમાં વિંધ્ય હારમાળા વચ્ચે આવેલા આ જિલ્લાનું મોટાભાગનું ભૂપૃષ્ઠ અનિયમિત ટેકરીઓથી છવાયેલું છે. વચ્ચે વચ્ચે આવેલા કેટલાક નીચાણવાળા ભાગોમાં વર્ષાઋતુ દરમિયાન પાણી ભરાઈ જાય છે. જિલ્લાનો સામાન્ય ઢોળાવ નૈર્ઋત્યથી ઈશાન તરફનો છે. જિલ્લાને આ રીતે બે બહોળા કુદરતી વિભાગોમાં વહેંચી શકાય છે : (1) મઉ અને કર્વી તાલુકાઓની દક્ષિણ તરફનો પાઠા(patha)નો ઉચ્ચપ્રદેશ, (2) ઉત્તર તરફનો કાંપરચિત નીચાણવાળો પ્રદેશ. કાંપનો આ પ્રદેશ વાઘેણ નદીખીણથી પૂર્વ અને પશ્ચિમના બે વિભાગોમાં વહેંચાઈ જાય છે.
જળપરિવાહ : વાઘેણ નદી નૈર્ઋત્યથી ઈશાન તરફ વહે છે. આ નદીથી ઉત્તર તરફનો ભાગ નદીનાળાં છેદાયેલો છે. યમુના અને કેન નદીની નજીકની જમીનો ખોતરાઈને કોતરોમાં ફેરવાઈ ગયેલી છે. કેન નદી પણ અહીંથી પસાર થાય છે.
જંગલો : જિલ્લાની કુલ ભૂમિનો આશરે 10 % ભાગ જંગલ-આચ્છાદિત છે. જંગલો મુખ્યત્વે પાઠાના ઉચ્ચપ્રદેશ પૂરતાં મર્યાદિત છે. કોતરોવાળા પ્રદેશમાં બાવળ અને ઝાંખરાં જેવી વનસ્પતિ જોવા મળે છે. કોતરોવાળા ભાગોમાં કરોંડા, કરીલ, રાયણ, ચામરેલ, મહુડો, સાજન, જેવાં વૃક્ષો જ્યારે પાઠાના ઉચ્ચપ્રદેશમાં મહુડો, ધામા, સાજ, ટેન્ડુ, અચર, હલ્દુ, ટિનસા અને વાંસનાં વૃક્ષો આવેલાં છે. કપાસની કાળી જમીનોવાળા વિસ્તારમાં તેમજ કલિંજરની ટેકરીઓ પર ગોચરો આવેલાં છે. આ જંગલોમાંથી લાકડાં મળતાં હોવાથી તેમનું આર્થિક મહત્વ ઘણું છે.
ખેતી : જિલ્લો ઔદ્યોગિક ર્દષ્ટિએ વિકસેલો ન હોવાથી અર્થતંત્ર માટે ખેતી પર આધાર રાખવો પડે છે, વળી જિલ્લાનું ભૂપૃષ્ઠ અસમતળ છે તથા જમીનોનું અસમાન વિતરણ હોવાથી ખેતીની ઉપજ અનિશ્ચિત રહે છે. જિલ્લામાં ખરીફ અને રવી બંને પાક લેવાય છે. ઘઉં, ચણા, ડાંગર, જુવાર, બાજરી વગેરે અહીંના મુખ્ય કૃષિપાકો છે. કઠોળના પાકને વિશેષ મહત્વ અપાય છે. ખેડૂતો પરંપરાગત સાધનોનો ઉપયોગ કરતા હોવાથી ખેતીની ઊપજનું પ્રમાણ ઓછું રહે છે, તેથી આ જિલ્લા માટે સરકાર તરફથી સિંચાઈ તેમજ ખેતીની આધુનિક પદ્ધતિઓ અપનાવવા માટે પ્રોત્સાહન અપાય છે.
પશુપાલન : જિલ્લાના અર્થતંત્રમાં વેગ લાવવાના હેતુથી જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં પશુપાલનને વિશેષ મહત્વ અપાય છે. ખેડૂતો ખેતીની સાથે પશુપાલન પણ કરે છે. ઘેટાંબકરાં કરતાં ગાયો-ભેંસોનું પ્રમાણ વધુ જોવા મળે છે, પરંતુ ઢોરની ઓલાદ ઊતરતી કક્ષાની હોવાથી દૂધની ઉપજ ઓછી રહે છે. તેમની ઓલાદ સુધારવા માટે જિલ્લામાં 33 પશુ-દવાખાનાં, 22 ઢોર-વિકાસ-કેન્દ્રો, 23 કૃત્રિમ ગર્ભાધાન-કેન્દ્રો અને 5 ઘેટાં-વિસ્તરણ-કેન્દ્રો આવેલાં છે. અહીં 405 મરઘાં-ઉછેર-એકમો આવેલા છે, મરઘાં તથા ડુક્કર માટેનાં વધુ સંવર્ધન-મથકો ઊભાં કરવાના પ્રયાસો ચાલે છે.
ખનિજો : આ જિલ્લો ખનિજો અને ખડકોથી સમૃદ્ધ છે. ગ્રૅનાઇટ તેમજ અન્ય સુશોભન-પથ્થરો, અકીક, લિથોમર્જ, સિલિકા, રેતી, ચૂનો, ગેરુ અહીંની મુખ્ય ખાણ-પેદાશો છે. તાજેતરમાં પાયરોફિલાઇટ, મૃદ અને બેઝ-મૅટલ ખનિજો મળી આવ્યાં છે. કાચ-રેતી, ડોલોમાઇટ અને બૉક્સાઇટના વિશાળ જથ્થા પણ છે. પથ્થરોની ખાણો અહીં મોટા પ્રમાણમાં વિકસી છે. ખાણઉદ્યોગ સિવાય અહીં અન્ય કોઈ ઉદ્યોગ વિકસ્યો નથી.
વેપાર : જિલ્લાનાં દસથી બાર નગરોમાં ચોખા, કપાસ, રેસા, ગોળ, પથ્થર, કોથળા અને આટાનું ઉત્પાદન લેવાય છે. આ જિલ્લામાંથી ચોખા, ગોળ, લાકડાનું રાચરચીલું, ટેન્ડુનાં પાન, ખાદ્યાન્ન અને રેતી બહાર મોકલાય છે; જ્યારે મીઠું, ગોળ, કાપડ અને ચૂનો બહારથી મંગાવાય છે.
પરિવહન : સમગ્ર જિલ્લો રેલ તથા સડકમાર્ગોથી સારી રીતે ગૂંથાયેલો છે. મધ્ય રેલવિભાગના માણિકપુર–ઝાંસી અને કાનપુર–બાંદા રેલમાર્ગો આ જિલ્લામાંથી પસાર થાય છે. કલકત્તા–અલાહાબાદ–ઇટારસી–મુંબઈ રેલમાર્ગ પણ જિલ્લાના અગ્નિભાગમાં મઉ અને કર્વી તાલુકાઓમાં થઈને જાય છે. રેલમાર્ગોની કુલ લંબાઈ આશરે 200 કિમી. જેટલી થાય છે, અહીં બધાં મળીને 16 રેલમથકો આવેલાં છે. એકમાત્ર બાબરુ તાલુકામાં કોઈ રેલ-સુવિધા નથી. સડકમાર્ગો આ જિલ્લામાં પરિવહન તેમજ વેપાર માટે ખૂબ જ મહત્વના બની રહેલા છે. અહીં સડકમાર્ગોની કુલ લંબાઈ 1293.5 કિમી. જેટલી છે. જિલ્લામાંથી કોઈ રાષ્ટ્રીય ધોરી માર્ગ પસાર થતો નથી. 210 કિમી. લંબાઈનો મિરઝાપુર–ઝાંસી રાજ્યમાર્ગ આ જિલ્લાનાં મુખ્ય મથકોને સાંકળી લે છે. અહીં 708.5 કિમી.ના જિલ્લામાર્ગો તેમજ 384 કિમી.ના અન્ય માર્ગો આવેલા છે. મુખ્ય સડકમાર્ગોમાં બાંદા–ફતેહપુર, બાંદા–માણિકપુર, બાંદા–કર્વી–અલાહાબાદ, બાંદા–મુરવાલ તથા અતારા–નારાયણીનો સમાવેશ થાય છે. રાજ્ય-પરિવહનના અહીંથી પસાર થતા માર્ગો, કાનપુર, આઝમગઢ, ફૈઝાબાદ, ઝાંસી, ખજૂરાહો અને પન્નાને જોડે છે. આ જિલ્લામાં દર 1,000 ચોકિમી.દીઠ 119 કિમી. લંબાઈના માર્ગોની સુવિધા છે.
પ્રવાસન : બાંદા, કલિંજર, ચિત્રકૂટધામ અને રાજાપુર આ જિલ્લામાં આવેલાં જોવાલાયક સ્થળો છે.
કલિંજર : બાંદાથી 86 કિમી. અંતરે કલિંજરનો કિલ્લો આવેલો છે. કલિંજર જવા માટે કલિંજરથી નજીકમાં નજીકનું, 39 કિમી. દૂર આવેલું, રેલમથક અતારા છે. અહીંનો કિલ્લો સમુદ્ર-સપાટીથી 370 મીટર ઊંચાઈએ ટેકરી પર આવેલો છે. આ ટેકરી બુંદેલખંડનાં મેદાનોની અગ્નિકોણી ધાર પર આવેલી છે. આ કિલ્લાને સાત દરવાજા છે. આ ઉપરાંત અહીં પાતાળગંગા, પાંડુ કુંડ, બુદ્ધિતળાવ, સિદ્ધની ગુફા, ભૈરવ મૃગધારા, વરાહ-અવતાર, નીલકંઠ-મંદિર વગેરે પ્રવાસીઓ માટેનાં આકર્ષણનાં સ્થળો છે.
ચિત્રકૂટધામ : બાંદાથી આશરે 70 કિમી. અને કર્વીથી 9 કિમી. અંતરે વિંધ્ય હારમાળાની ઉત્તર ધાર પર હિન્દુઓનું યાત્રાધામ ‘ચિત્રકૂટધામ’ આવેલું છે. આ સ્થળ સીતાપુર, કર્વી, કામટા, ખોહી અને નયાગાંવ જેવાં પાંચ નગરોનો સમૂહ છે. આ પૈકીનું સીતાપુર ચિત્રકૂટ નામથી વધુ જાણીતું બનેલું છે. વાલ્મીકિ ઋષિએ અહીં રહીને તેમની રચનાઓ કરેલી. એમ પણ કહેવાય છે કે રામ, લક્ષ્મણ અને સીતા તેમના વનવાસ-કાળ દરમિયાન અહીં થોડો સમય રોકાયેલાં. અહીંની કામટાનાથ ટેકરી પણ યાત્રાધામ ગણાય છે. ટેકરીની તળેટીમાં પ્રદક્ષિણા કરવા માટેની પાકી કેડી છે. અહીં રામનવમી અને દિવાળી નિમિત્તે બે મોટા મેળા ભરાય છે. અહીંનાં મુખ્ય ધાર્મિક સ્થળોમાં કામટાનાથ (કામદગિરિ), પ્રમોદવન, જાનકી કુંડ, સતી અનસૂયા, ગુપ્ત ગોદાવરી, હનુમાનધારા, ભરતકૂપ, ગણેશઘાટ, રામઘાટ, સ્ફટિક શીલા, કોટિ તીર્થ અને મુખારવિંદનો સમાવેશ થાય છે. અહીંનાં મંદિરોમાં દાન, સ્નાન અને પ્રદક્ષિણાનો ઘણો મહિમા છે.
રાજાપુર : આ સ્થળ બાંદાથી આશરે 88 કિમી. અને કર્વીથી 29 કિમી. અંતરે આવેલું છે. તે રામચરિતમાનસના રચયિતા સંત કવિ તુલસીદાસની સ્મૃતિ સાથે સંકળાયેલું છે. એમ કહેવાય છે કે તેઓ શહેનશાહ અકબરના શાસનકાળ દરમિયાન અહીં આવેલા, રહેલા અને ધ્યાન-મનન કરતા. અહીં આજે પણ તેમનું નિવાસ-સ્થાન જળવાયેલું છે. તેમાં રામચરિતમાનસના અયોધ્યાકાંડની ફાટીતૂટી હસ્તપ્રત જોવા મળે છે. તાજેતરમાં આ સ્થળે મંદિરનું નિર્માણ કરવામાં આવેલું છે. અહીં વૈશાખ તેમજ કાર્તિક માસમાં મોટો મેળો ભરાય છે. વર્ષ દરમિયાન આ જિલ્લામાં જુદાં જુદાં સ્થળોએ મેળા ભરાય છે, તથા તહેવારોની ઉજવણી થાય છે.
વસ્તી : 1991 મુજબ આ જિલ્લાની વસ્તી 18,62,139 જેટલી છે. તે પૈકી 10,11,230 પુરુષો અને 8,50,909 સ્ત્રીઓ છે. ગ્રામીણ અને શહેરી વસ્તીનું પ્રમાણ અનુક્રમે 16,22,718 અને 2,39,421 જેટલું છે. ધર્મવિતરણ મુજબ અહીં હિન્દુઓ : 17,41,760; મુસ્લિમ : 1,18,434; ખ્રિસ્તી : 716; શીખ : 254; બૌદ્ધ : 39; જૈન : 839; અન્યધર્મી : 54 અને ઇતર 43 છે. અહીં હિન્દી અને ઉર્દૂ ભાષાઓ બોલાય છે. આ જિલ્લામાં શિક્ષિતોની કુલ સંખ્યા 5,28,264 છે; આ પૈકી 4,18,607 પુરુષો અને 1,09,657 સ્ત્રીઓ છે. ગ્રામીણ અને શહેરી શિક્ષિતોનું પ્રમાણ અનુક્રમે 4,11,252 અને 1,17,012 છે. જિલ્લામાં પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ તથા 4 જેટલી કૉલેજો આવેલી છે, તદુપરાંત અહીંનાં નગરોમાં તબીબી સેવાઓની સુવિધા છે. જિલ્લાને વહીવટી સરળતા માટે બાંદા, બાબેરૂ, અતારા, નારાયણી, કર્વી અને મઉ નામના છ તાલુકા અને 13 સમાજવિકાસ ઘટકોમાં વહેંચેલો છે. જિલ્લામાં આવેલું ફતેહપુર શહેર 1 લાખથી વધુ વસ્તીવાળું છે. 11 જેટલાં નગરો 1 લાખથી ઓછી વસ્તીવાળાં છે.
બાંદા (શહેર) : જિલ્લાનું વહીવટી મથક. ભૌગોલિક સ્થાન : 25° 29´ ઉ. અ. અને 80° 20´ પૂ. રે. તે રેલમાર્ગ તથા સડકમાર્ગના જંક્શન પર આવેલું હોવાથી આજુબાજુના વિસ્તારની ખેતીની પેદાશોનું મુખ્ય મથક બની રહેલું છે, તેમ છતાં દક્ષિણ તરફ જતો માર્ગ જરૂરી જાળવણીને અભાવે ઉપયોગી રહ્યો ન હોવાથી તેનો વેપાર ઘટતો ગયો છે. કેન નદીના પટમાંથી અકીક મળતા હોવાથી તથા તેની નિકાસ થતી હોવાથી જિલ્લામાં આ નગર જાણીતું બનેલું છે. અહીં નવાબ અલી બહાદુરનો મહેલ તેમજ અન્ય જૂની ઇમારતો આવેલી છે. કલિંજર જવાના માર્ગ પર એક મોટું તળાવ આવેલું છે. તેમાં અંદર તરફ ઊતરવા માટે પગથિયાં બાંધેલાં છે. નિમ્મીનાળા પાસે કિલ્લા અને મહેલના અવશેષો જોવા મળે છે. બાંદા નગરમાં હિન્દુ મંદિરો તથા મસ્જિદો આવેલાં છે; આ પૈકી બામેશ્વરી દેવી અને બામેશ્વર મહાદેવનાં મંદિરો ઘણાં પ્રાચીન છે. કહેવાય છે કે બામેશ્વર મહાદેવનું મંદિર ઋષિ બામદેવે તૈયાર કરાવેલું છે. આ નગર અને કિલ્લો બંને મુસ્લિમ, મરાઠા, ફ્રેન્ચ અને બ્રિટિશ વચ્ચેના સંઘર્ષો દરમિયાન અવારનવાર એકબીજાને હસ્તક રહેલાં. બાંદા નગરની વસ્તી એક લાખથી ઓછી છે.
ગિરીશભાઈ પંડ્યા