બાંડુંગ પરિષદ : વિશ્વના રાજકારણમાં બિનજોડાણવાદી જૂથ તરીકે ઊપસી આવેલ નવોદિત સ્વતંત્ર અને તટસ્થ રાષ્ટ્રોની પ્રથમ પરિષદ (1955). દ્વિતીય વિશ્વયુદ્ધ (1939–45) બાદ એશિયાનાં સંસ્થાનો સ્વતંત્ર થવા લાગ્યાં. તેવી જ રીતે 1957 પછી આફ્રિકાનાં સંસ્થાનો સ્વતંત્ર બન્યાં. આ સમયગાળા દરમિયાન પશ્ચિમના દેશો અને સામ્યવાદી દેશો વચ્ચે ઠંડા યુદ્ધની પરિસ્થિતિ પ્રવર્તતી હોવાથી એશિયા-આફ્રિકાનાં આ રાજ્યોનું મહત્વ ખૂબ વધી ગયું. વળી એશિયા-આફ્રિકાના દેશોએ બિનજોડાણવાદની નીતિ અખત્યાર કરી, તેથી બન્ને, અમેરિકા તથા સોવિયેત સંઘના નેતૃત્વ હેઠળનાં સત્તાજૂથોથી અલગ એવું આફ્રો-એશિયન જૂથ ઊભું થયું. તેનો પ્રભાવ એટલો બધો હતો કે તે જૂથની ગણતરી ‘ત્રીજી સત્તા’ (Thrid Force) તરીકે થવા લાગી. આ જૂથે, બંને સર્વોપરી સત્તાઓ વચ્ચે એક કડીરૂપ ભૂમિકા ભજવવાની અને વિશ્વરાજકારણમાં સત્તાની સમતુલામાં નિર્ણાયક પરિબળ તરીકેની કામગીરી બજાવી.
આ આફ્રો-એશિયન જૂથે પોતાના પ્રશ્નો અંગે ચર્ચા-વિચારણા કરવા માટે સંમેલનો ભરવાની શરૂઆત કરી જે પૈકી સૌથી પહેલું સંમેલન એ બાંડુંગ પરિષદ છે. આફ્રો-આશિયન રાષ્ટ્રોની એકતા અને સંગઠનના સંદર્ભમાં 24મી એપ્રિલ 1955ના રોજ ઇન્ડોનેશિયાના બાંડુંગ શહેરમાં 29 આફ્રો-એશિયન રાષ્ટ્રોની પરિષદ મળી હતી. આ પરિષદમાં ભારતના તત્કાલીન વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુએ શકવર્તી ભૂમિકા ભજવી હતી. આ પરિષદમાં સામ્રાજ્યવાદી સત્તાઓની નીતિઓનો વિરોધ કરવામાં આવ્યો હતો. એશિયા-આફ્રિકાનાં રાષ્ટ્રો પરસ્પર સહકાર દ્વારા પોતાના પ્રશ્નો હલ કરી આર્થિક વિકાસની દિશામાં આગળ વધે તેવી ભાવના વ્યક્ત કરવામાં આવી. કોઈ પણ જાતના ભેદભાવ સિવાય માનવીય ગૌરવ જાળવવાની પરિષદમાં હિમાયત કરવામાં આવી. આ જૂથનાં રાષ્ટ્રો વચ્ચે પરસ્પરનો વ્યવહાર પણ સારી રીતે ચાલે તે માટે કેટલાક સિદ્ધાંતો સ્વીકારવામાં આવ્યા, જેમાં પંડિત નેહરુએ રજૂ કરેલા પંચશીલના સિદ્ધાંતોનો પણ સમાવેશ કરવામાં આવ્યો. બાંડુંગ પરિષદ દ્વારા આફ્રો-એશિયન રાષ્ટ્રોએ આંતરરાષ્ટ્રીય પ્રશ્નો કે સમસ્યાઓ પરત્વે મહાસત્તાવાળાં બે જૂથો વચ્ચે સમાન ર્દષ્ટિકોણ અને સમાન વલણ અપનાવવાની નીતિ રાખી. બાંડુંગ પરિષદે જે વાતાવરણ ઊભું કર્યું તેણે આફ્રો-એશિયન રાષ્ટ્રોને એકતા અને સહકારના માર્ગે આગળ વધવાની પ્રેરણા પૂરી પાડી હતી. આમ આફ્રો-એશિયન રાષ્ટ્રોની એકતા, સહકાર અને સંગઠન સંદર્ભે બાંડુંગ પરિષદ ખૂબ જ મહત્વ ધરાવે છે.
આ રીતે દ્વિતીય વિશ્વયુદ્ધ (1939–45) બાદ એશિયા-આફ્રિકાના નવોદિત રાષ્ટ્રોમાં સહકાર અને જાગૃતિ લાવવાનું કાર્ય બાંડુંગ પરિષદ દ્વારા થયું. પહેલી જ વખત સામ્યવાદી ચીન પણ બિન-સામ્યવાદી દેશો સાથે સદભાવના અને મૈત્રીપૂર્ણ ચર્ચાવિચારણામાં ભાગ લેવા હાજર રહ્યું હતું, જે આ પરિષદની ઘણી અગત્યની ઘટના હતી. સંમેલન સફળતાપૂર્વક પાર પડ્યું, તેથી સમગ્ર વિશ્વને એવી ખાતરી થઈ કે અત્યાર સુધી ઊંઘી રહેલા એશિયા-આફ્રિકાનાં રાજ્યો હવે જાગ્યાં છે. બાંડુંગ પરિષદમાં ભારતના તત્કાલીન વડાપ્રધાન અને બિનજોડાણવાદી આંદોલનના આગેવાન પુરસ્કર્તા જવાહરલાલ નેહરુએ શાંતિ માટે જે સંદેશ રજૂ કર્યો તેને પરિષદે હર્ષભેર વધાવી લીધો. આ પરિષદમાં સંસ્થાનવાદનો, બધાં સ્વરૂપોમાં વિરોધ કરવામાં આવ્યો. આ પરિષદમાં હાજર રહેલા શ્રીલંકાના પ્રધાનમંત્રી જૉન કોટલેવાલાનો તો એવો મત હતો કે સંસ્થાનવાદીઓમાં સામ્યવાદી શાસનના એ સ્વરૂપને પણ સામેલ કરવું જોઈએ કે જે સત્તા અને વિધ્વંસ દ્વારા સ્થાપિત કરવામાં આવે છે. એ ડોક બાર્નેટના મત મુજબ બાંડુંગ સંમેલન એશિયા અને આફ્રિકાના પુનરુત્થાનનું પ્રતીક બન્યું. વળી બાંડુંગ પરિષદે એ પણ સાબિત કરી આપ્યું કે વિશ્વના રાજકારણમાં હવે એશિયન રાષ્ટ્રોનો પ્રભાવ વધી રહ્યો છે. આમ બાંડુંગ પરિષદે આફ્રો-એશિયાઈ દેશોમાં સહયોગ અને મૈત્રીપૂર્ણ ભાવનાને બળવત્તર બનાવી. આ પરિષદમાં એમ નક્કી થયું કે આ પરિષદના સભ્ય દેશો વિશ્વરાજકારણમાં સામ્રાજ્યવાદ વિરુદ્ધ ખભેખભા મિલાવી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. પરિષદની ફળશ્રુતિ એ છે કે આફ્રો-એશિયન દેશોની જાગૃતિ એ તબકકે પહોંચી ગઈ છે કે વિશ્વની મહાસત્તાઓ હવે આ દેશોની ઉપેક્ષા કરી શકે તેમ નથી.
બાંડુંગ પરિષદમાં કોઈ યુરોપિયન રાષ્ટ્રને બોલાવવામાં આવ્યું ન હતું. તેથી એમ કહી શકાય કે બાંડુંગ પરિષદ સામ્રાજ્યવાદી સત્તાઓથી મુક્ત એવા સંપૂર્ણ સ્વાતંત્ર્યની દ્યોતક છે. જોકે બાંડુંગ પરિષદમાં ભાગ લેનારાં રાજ્યો વચ્ચે સિદ્ધાંતો, વિચારો અને જૂથોની રીતે ભિન્નતા હતી. આમ છતાં ઇન્ડોનેશિયાના પ્રમુખ સુકર્ણો, જવાહરલાલ નેહરુ અને ચાઉ-એન-લાઇએ રાજકીય કુનેહ વાપરી આ પરિષદને સફળ રીતે પાર પાડી હતી અને આ પરિષદમાં ભાગ લેનાર તમામ રાષ્ટ્રોને પોતાના વિચારો રજૂ કરવાની પૂરતી તક આપવામાં આવી હતી. આ રીતે આફ્રિકા-એશિયાના દેશોની આ એક ઐતિહાસિક, અત્યંત અગત્યની અને અભૂતપૂર્વ પરિષદ હતી.
ધર્મેન્દ્રસિંહ દિ. ઝાલા