બાંકીદાસ (જ. 1884, ભાડિયાવાસ, મારવાડ, અ. ) : રાજસ્થાનના અતિપ્રસિદ્ધ કવિ અને ઇતિહાસવિદ્. ચારણ જાતિની આશિયા શાખામાં જન્મ. પિતા ફહનદાન. માતા હિન્દુબાઈ. પ્રારંભિક શિક્ષણમાં તેમના પિતા પાસેથી દોહા, સોરઠા, કવિત અને ગોત વગેરેનો અભ્યાસ. 16 વર્ષની ઉંમરે તેમણે તેમના પિતા સાથે રાયપુરના ઠાકોર અર્જુનસિંહ સમક્ષ એક દોહાની શીઘ્ર રચના કરી સંભળાવી. એનાથી ઠાકોર અત્યંત પ્રસન્ન થયા અને તેમને જોધપુરની પોતાની હવેલી પર ભાવિ શિક્ષણ લેવા મોકલ્યા. ત્યાં તેમણે જુદા જુદા વિદ્વાનો પાસેથી સારસ્વત-પૂર્વાર્ધ, સારસ્વત-ઉત્તરાર્ધ, ચંદ્રિકા, કુવલયાનંદ, કાવ્યપ્રકાશ, ગણિત, જ્યોતિષ, શાલિહોગ, ઇતિહાસ-ભૂગોળ અને પુરાણમીમાંસાનું અધ્યયન કર્યું; સાથે સાથે સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ, ડિંગલ, વ્રજ, પંજાબી, ફારસી તથા અરબી ભાષાઓનો અભ્યાસ કર્યો.

ત્યારબાદ જોધપુરના મહારાજા માનસિંહના ગુરુ દેવનાથ દ્વારા તેમના દરબારમાં તેઓ પહોંચ્યા અને મહારાજાએ તેમની વિદ્વત્તાથી પ્રસન્ન થઈને તેમને એક લાખ પસાવ, જાગીર, પાલખી વગેરે જેવું ઉચ્ચ સન્માન આપ્યું અને રાજકવિપદે સ્થાપિત કર્યા. આ બાંકીદાસ ચારણ જાતિની દીર્ઘ પરંપરામાં પોતાની રીતે બહુભાષી, બહુ-અભ્યાસી, બહુશ્રુત તેમજ શાસ્ત્રો અને શસ્ત્રોના તથા વિદ્યા-કલાઓના નિષ્ણાત ગણાતા હતા અને મહારાજાના અતિ કૃપાપાત્ર પણ બન્યા હતા.

તેમનો સમય ઘોર અંધાધૂંધીભર્યો, સ્વતંત્ર રાજાઓમાં સત્તાની સાઠમારી અને રાજકીય કાવાદાવાનો હતો. આવા સમય દરમિયાન તેમણે પોતાનાં કાવ્યો દ્વારા રાજનીતિ, લોકનીતિ, રાજવૈભવ; લોકોનાં દુ:ખ, દીનતા, અંગ્રેજી શાસન સામે આક્રોશ વગેરેનું નિરૂપણ કર્યું અને અહિંસા, સદગુણોની સ્તુતિ કરીને માનવજીવન માટે સાર્થક સંદેશો પ્રસારિત કર્યો.

બાંકીદાસ

તેમની ઉપલબ્ધ 29 રચનાઓ પૈકી 3 પચ્ચીસીઓ, 3 બત્રીસીઓ, 6 છત્રીસીઓ, 3 બાવનીઓ મુખ્ય છે. તેમણે રચેલી નાગરી પ્રચારિણીની ગ્રંથાવલિઓમાં 12 કૃતિઓ અપ્રકાશિત ગણાય છે. આમ બધી મળીને તેમની 41 કૃતિઓ દોહા અને સોરઠા છંદમાં નિર્મિત છે.

એમની ‘ભૂરજાલ ભૂષણ’ નામની કૃતિમાં તેમણે ચિતોડની જૌહર અને બલિદાનોની પુણ્યભૂમિ તથા શૌર્યકથાઓની તીર્થભૂમિ તરીકેની 70 દોહામાં ગૌરવગાથા ગાઈ છે. તેમની આ કૃતિ સાહિત્યજગતમાં ખૂબ ચર્ચાસ્પદ અને લોકપ્રિય બની રહી છે.

‘ઝમાલ’ શ્રીકૃષ્ણ-પ્રિયા રાધિકાજીનું આલંકારિક ઢબે હૂબહૂ વર્ણન કરતી, 27 ગીત-છંદમાં રચેલી તેમની સુંદર શૃંગારિક રચના છે.

આ ઉપરાંત તેમણે ભક્તિગીતોમાં કૃષ્ણભક્તિ, રામભક્તિ, નાથ-ભક્તિ પર ઘણાં ગીતો રચ્યાં છે. નીતિ-ભક્તિનાં ગીતો સિવાય, કૃષ્ણની બાલક્રીડાઓનાં વર્ણન કરતાં ગેય પદો ઢૂંઢાડી ભાષામાં લખ્યાં છે. તેમાં મીરાં, બખ્તાવર, વ્રજનિધિ અને નાગરીદાસનાં પદોની ભાવ-મધુરતા અને પદલાલિત્ય નજરે પડે છે.

સમયાંતરે ટિપ્પણી રૂપે લખાયેલું ‘બાંકીદાસ કી ખ્યાત’ એ તેમનું ગદ્ય-પુસ્તક છે. પ્રસિદ્ધ ઇતિહાસકાર ડૉ. ગૌરીશંકર હીરાચંદ ઓઝાના મતે તે ગ્રંથ ઇતિહાસનો ખજાનો છે.

બળદેવભાઈ કનીજિયા