બાંકા ઓ સીધા (1960) : ઊડિયા કૃતિ. સ્વાતંત્ર્યોત્તરકાળના ખ્યાતનામ ઊડિયા કવિ ગોદાવરીશ મહાપાત્ર(1898–1965)ના આ કાવ્યસંગ્રહને સાહિત્ય અકાદમીએ 1966ની શ્રેષ્ઠ ઊડિયા કૃતિ તરીકે પસંદ કરી પુરસ્કાર આપ્યો હતો.

આ સંગ્રહનું ‘બાંકા ઓ સીધા’ (વાંકા અને સીધા) નામ ઘણું સૂચક છે. એમાં રાજકારણમાં પડેલા ભ્રષ્ટાચારી, કાળાંબજાર કરનારા ધનવાનો, સરકારી નાનામોટા કર્મચારીઓ, વેપારીઓ એ બધાંની વક્રતા અને શ્રમજીવીઓ, મજૂરો, દલિત, પીડિત તથા શોષિત લોકો કેવા સાદાસીધા ને ભોળા હોય છે, તે એમણે કાવ્યો દ્વારા નિરૂપેલ છે.

આ સંગ્રહમાં બધાં મળીને 126 કાવ્યો છે. એમાં વિષયનું અને નિરૂપણરીતિનું પ્રચુર વૈવિધ્ય છે. એ કાવ્યોમાં ‘ભારતજનની’ જેવાં દેશભક્તિનાં કાવ્યો છે, ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ, મંગળ પાંડે, ખુદીરામ બોઝ, સૂર્યસેન, ભગતસિંહ જેવાં ક્રાંતિકારીઓ વિશે કીર્તિગીતો છે, તો મહાત્મા ગાંધી, શ્રી અરવિન્દ, સુભાષચન્દ્ર, રામકૃષ્ણ પરમહંસ જેવાઓ વિશે પ્રશસ્તિકાવ્યો છે.

આ કવિને જે ખ્યાતિ મળી છે તે એમનાં કટાક્ષ કે વ્યંગ્ય-કાવ્યોને કારણે છે. એમાં રાજકારણી નેતાઓ, ઉદ્યોગપતિઓ તથા ભ્રષ્ટાચારીઓની એમણે હાંસી ઉડાવી છે. પ્રવર્તમાન દૈશિક પરિસ્થિતિનું એમણે ભિન્ન ભિન્ન પ્રતીકો દ્વારા દર્શન કરાવ્યું છે; જેમ કે, ‘બિંદાસ ચોકી’ (ખાલી ખુરશી) કાવ્યમાં ચૂંટણીમાં હારેલા મંત્રી માટે ખુરશીને કલ્પાંત કરતી બતાવી છે. તેવી રીતે ‘નીરા બહુ આશુચિ’ (રૂપાળી વહુ આવી છે.) કાવ્યમાં વિદેશી ચીજોનો જે  મોહ છે તેની ઠેકડી ઉડાવી છે. એમાં વિદેશી ચીજોને રૂપાળી વહુ જોડે સરખાવી એને પ્રાપ્ત કરવા માટે લોકો જે હુંસાતુંસી કરે છે તેનું હાસ્યજનક ચિત્ર આપ્યું છે. ગર્દભને તેમણે સૌથી સહિષ્ણુ છતાં સૌથી વધુ ત્રાસ પામતા પ્રાણી તરીકે આલેખ્યું છે. તે સંસ્કૃતિના કાટમાળનો ભાર ખેંચી જાય છે અને સત્યના રક્ષક તરીકે તે આલેખાયો છે.

એમણે  દેશની ગરીબ આમજનતાનું પણ કાવ્ય દ્વારા ચિત્રાંકન કર્યું છે, જે કાવ્યસંગ્રહના શીર્ષકમાંના ‘સીધા’ પદને સાર્થક કરે છે. એમણે ઊડિયા કાવ્યસાહિત્યમાં જે અગ્રગણ્ય સ્થાન મેળવ્યું છે તે એમનાં કટાક્ષકાવ્યોને લીધે છે.

ચન્દ્રકાન્ત મહેતા