બાંકા : બિહાર રાજ્યના અગ્નિ ભાગમાં ભાગલપુર વિભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 24° 53´ ઉ. અ. અને 86° 55´ પૂ. રે. આજુબાજુનો આશરે 3,020 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની સમગ્ર ઉત્તર સરહદે ભાગલપુર જિલ્લો, સમગ્ર પૂર્વ સરહદે ગોડા જિલ્લો, દક્ષિણે દુમકા અને દેવગઢ જિલ્લા તથા પશ્ચિમે જમુઈ અને મુંગેર જિલ્લા આવેલા છે. જિલ્લામથક બાંકા જિલ્લાની બરોબર મધ્યમાં આવેલું છે.
ભૂપૃષ્ઠ-જળપરિવાહ : આ જિલ્લો બે કુદરતી વિભાગમાં વહેંચાયેલો છે : (1) ગંગાની દક્ષિણ તરફનાં મેદાનો : જિલ્લાનો ઉત્તર વિભાગ રચે છે; તેનું ભૂપૃષ્ઠ દક્ષિણ તરફ ઊંચાઈ પ્રાપ્ત કરે છે અને ધીમે ધીમે પહાડી પ્રદેશમાં ભળી જાય છે. (2) સંથાલ પરગણાનો સીમાવર્તી ઊંચાણવાળો પ્રદેશ : દેવગઢ અને સંથાલ પરગણા નજીકનો આ ઊંચાણવાળો પ્રદેશ, જિલ્લાના દક્ષિણ ભાગમાં આવેલો છે. ચંદન આ જિલ્લાની મુખ્ય નદી છે. તે દેવગઢ જિલ્લામાંથી નીકળી પહાડી વિસ્તારમાં વહે છે. જિલ્લામાંથી પસાર થઈને ઉત્તરે ભાગલપુર જિલ્લાના ઘોઘા ખાતે તે ગંગા નદીને મળે છે. નદી પર ચંદન જળાશય યોજના તૈયાર કરવામાં આવેલી છે, તેમાંથી જિલ્લાની ઘણીખરી ભૂમિને સિંચાઈનો લાભ મળે છે.
ખેતી-પશુપાલન : આ જિલ્લાનો મુખ્ય પાક ડાંગર છે. ડાંગરના વાવેતર માટે જિલ્લાની ઘણી ખેતીલાયક ભૂમિ આવરી લેવામાં આવેલી છે. મહત્વના અન્ય પાકોમાં ઘઉં અને મકાઈ તથા રોકડિયા પાકોમાં શેરડી અને તેલીબિયાંનો સમાવેશ થાય છે. આ ઉપરાંત મોટા પાયા પર બટાટા અને અન્ય શાકભાજી તેમજ ફળોનું પણ વાવેતર થાય છે. ચંદન જળાશય યોજનામાંથી ખેતીને સિંચાઈનો લાભ અપાય છે. ગાય, ભેંસ, બળદ, ઘેટાં, બકરાં અને ડુક્કર અહીંનાં મુખ્ય પાલતુ પશુઓ છે, પરંતુ મોટાભાગનાં પશુઓની ઓલાદ ઊતરતી કક્ષાની છે. તેમને માટે જરૂરી પશુદવાખાનાં, ચિકિત્સાલયો, કૃત્રિમ ગર્ભાધાન-કેન્દ્રો તેમજ પશુસંવર્ધન-મથકો શરૂ કરવામાં આવેલાં છે. જિલ્લા સમાજવિકાસ-ઘટકો દ્વારા અહીં જુદાં જુદાં સ્થળોએ મરઘાં-ઉછેરકેન્દ્રો પણ વિકસાવવામાં આવેલાં છે.
ઉદ્યોગ-વેપાર : આ જિલ્લામાં ઉદ્યોગો વિકસ્યા નથી. અર્થતંત્રનો મુખ્ય આધાર અહીંના કુટિર-ઉદ્યોગ પર રહેલો છે. જિલ્લામાં ડેરીની પેદાશો, માટીનાં વાસણો, વાંસ, નેતર વગેરેનું કામકાજ ચાલે છે. બાંકા નગર ખાતે મોટા પાયા પર ગોળનું ઉત્પાદન લેવાય છે. જિલ્લામાંથી ગોળની નિકાસ થાય છે તથા ઘઉં, ચણા અને ખાંડની આયાત કરવામાં આવે છે.
પરિવહન : આ જિલ્લામાંથી કોઈ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પસાર થતો નથી. અવરજવર તેમજ માલની હેરફેર માટે રાજ્યમાર્ગો, જિલ્લામાર્ગો અને ગ્રામમાર્ગોનો ઉપયોગ કરવામાં આવે છે. બાંકા–કતારી, બાંકા–અમરપુર, બાંકા–ધમકોર, અમરપુર–શાહકુંડ, અમરપુર–શંભુગંજ અને શંભુગંજ–અસરગંજ માર્ગો ઉપયોગમાં લેવાય છે. જિલ્લાનો પૂર્વ ભાગ રેલમાર્ગથી જોડાયેલો છે. પૂર્વીય રેલવિભાગની એક શાખા ભાગલપુર, રાજૌન, ધુરૈયા અને બારહટ થઈને બૌસી જાય છે.
પ્રવાસન : આ જિલ્લામાં દુમરાવન, ઇન્દ્રવરણ, જ્યેષ્ઠ ગૌડ મઠ, મંદાર ટેકરી અને રૂપસા જેવાં મહત્વનાં ગણાતાં જોવાલાયક સ્થળો આવેલાં છે. દુમરાવન(અમરપુરથી 3 કિમી. અંતરે આવેલું ગામ)માં બૌદ્ધ સ્તૂપોના અવશેષો આવેલા છે. જૂના વખતમાં ત્યાં બૌદ્ધ મઠો હોવાનું તે સૂચન કરી જાય છે. ઇન્દ્રવરણ કતોરિયાથી 10 કિમી. દૂર આવેલું ગામ છે. ત્યાં પગપાળા આવતા યાત્રાળુઓની સુવિધા માટે આરામગૃહો (ધર્મશાળાઓ) તૈયાર કરવામાં આવેલાં છે. બાંકા–અમરપુર માર્ગ પર પૂર્વ તરફ ચંદન નદીને કાંઠે આવેલું જ્યેષ્ઠ- ગૌડમઠનું સ્થળ હિન્દુઓનું મહત્વનું ધાર્મિક સ્થળ ગણાય છે. અહીં નદીને પશ્ચિમ કાંઠે આવેલી જ્યેષ્ઠ ગૌડ પહાડ નામે ઓળખાતી ટેકરીની તળેટીમાં શિવમંદિર અને ટેકરીની ઉપર કાલી માતાનું મંદિર તેમજ પ્રાચીન કૂવો આવેલાં છે. શિવમંદિર ખાતે દર શિવરાત્રિએ મોટો મેળો ભરાય છે. બૌસીથી ઉત્તર તરફ આશરે 5 કિમી. અંતરે હિન્દુઓ માટે પવિત્ર ગણાતી 210 મીટર ઊંચી મંદાર ટેકરી આવેલી છે. સ્કંદપુરાણમાં કરાયેલા ઉલ્લેખ મુજબ અમૃત મેળવવા માટે દેવો-દાનવો દ્વારા જે સમુદ્રમંથન કરાયું તેમાં મંદાર પર્વત રવૈયા તરીકે ઉપયોગમાં લેવાયો હતો. આ ટેકરીની તળેટી પર પાફરણી નામનું તળાવ આવેલું છે, ત્યાંથી ટેકરી પર જવાના ત્રણ માર્ગો છે. ટોચ પર બે જૈન મંદિરો આવેલાં છે, જ્યાં ઘણા જૈનો ભગવંત વાસુપૂજ્યની પૂજા કરવા માટે આવે છે. ભાગલપુર–દુમકા માર્ગથી પશ્ચિમે 6 કિમી.ને અંતરે ચંદન નદીના પૂર્વ કાંઠા નજીક રાજૌન વિભાગમાં આવેલા રૂપસા ગામમાં કાલી અને દુર્ગા માતાનાં મંદિરો આવેલાં છે. તેમની પૂજાના પ્રસંગ વખતે અહીં મેળા ભરાય છે. જિલ્લાનાં જુદાં જુદાં સ્થળોમાં કાર્તિકી પૂર્ણિમા, માઘ પૂર્ણિમા, વસંત પંચમી, શિવરાત્રિ, રામનવમી, દશેરા અને દિવાળી નિમિત્તે મોટા મેળા પણ ભરાય છે.
વસ્તી : 1991 મુજબ આ જિલ્લાની વસ્તી 12,92,504 છે, તે પૈકી 12,47,869 ગ્રામીણ અને 44,635 શહેરી છે. અહીં મુખ્યત્વે હિન્દી અને ઉર્દૂ ભાષાઓ બોલાય છે. ભાગલપુર જિલ્લામાંથી આ જિલ્લો અલગ પાડેલો છે. બાંકા ખાતે 1 વિનયન કૉલેજ, 7 માધ્યમિક અને 12 પ્રાથમિક શાળાઓ આવેલી છે. અહીં એક હૉસ્પિટલ અને એક ક્ષય-ચિકિત્સાલયની સુવિધા છે. બાંકા અને અમરપુર બે મુખ્ય નગરો છે. બંનેની વસ્તી એક લાખથી ઓછી છે.
ગિરીશભાઈ પંડ્યા