બહુવિધ વ્યક્તિત્વ (multiple personality) : વ્યક્તિની એવી અવસ્થા જેમાં વારાફરતી બે કે વધારે સંપૂર્ણ વ્યક્તિત્વતંત્રો પ્રગટ થાય છે. આ વ્યક્તિત્વતંત્રો એકબીજાંથી ઠીક ઠીક અંશે સ્વતંત્ર હોય છે. દરેક વ્યક્તિત્વતંત્ર વિકલ્પી વ્યક્તિત્વ કહેવાય છે. બહુવિધ વ્યક્તિત્વ વિયોજનાત્મક (dissociative) પ્રકારની હળવી મનોવિકૃતિ છે.
કાલ્પનિક કથાસાહિત્યમાં આવો ડૉક્ટર જેકિલ અને મિસ્ટર હાઇડનો દાખલો જાણીતો છે. એક વ્યક્તિમાં અનેક વ્યક્તિત્વનાં આવાં ર્દષ્ટાંતો રસપ્રદ હોવાથી નવલકથાઓ, ચલચિત્રો અને ટી.વી. શ્રેણીઓમાં તેમની વારંવાર રજૂઆત કરવામાં આવે છે; પણ વાસ્તવિક જીવનમાં બહુવિધ વ્યક્તિત્વનાં ર્દષ્ટાંતો વિરલ હોય છે. ઈ. સ. 1970 સુધીમાં મનોવિજ્ઞાન અને મનશ્ચિકિત્સાના દુનિયાભરના સંશોધન-સાહિત્યમાં નોંધાયેલા પ્રમાણભૂત દાખલાની સંખ્યા 100 કરતાં થોડી જ વધારે હતી; પણ કાર્સનના મતે 1970 પછી બહુવિધ વ્યક્તિત્વના કિસ્સા ઝડપથી વધી રહ્યા છે. રોસના અંદાજ મુજબ એમાં પુરુષો કરતાં સ્ત્રીઓનું પ્રમાણ લગભગ નવ ગણું વધારે હોય છે. અમેરિકન સાયકિયાટ્રિક એસોસિયેશનની અદ્યતન માર્ગદર્શિકા ડીએસએમ–4માં બહુવિધ વ્યક્તિત્વને ‘વિયોજનાત્મક તદ્રૂપતા’ (identity) અંગેની વિકૃતિ (DID) એવું નવું નામ આપવામાં આવ્યું છે.
બહુવિધ વ્યક્તિત્વનાં કેટલાંક ર્દષ્ટાંતો : (1) માનસિક સારવાર માટે આવનાર કુ. બ્યુચેમ્પમાં ત્રણ વ્યક્તિત્વો વારાફરતી પ્રગટ થતાં જોવામાં આવ્યાં : (ક) અતડી પણ કાર્યની ચીવટવાળી સ્ત્રી ‘સેઇન્ટ’, (ખ) મહત્વાકાંક્ષી આક્રમક પણ મોજીલી સ્ત્રી ‘ડેવિલ’, અને (ગ) જીવનને હળવાશથી લેનાર સ્ત્રી ‘સેલી’. વર્ષો સુધી સંમોહન-ઉપચાર આપ્યા પછી આ ત્રણેય વ્યક્તિત્વોનું સંકલન શક્ય બન્યું.
(2) ઇવેલિન નામની છૂટાછેડા લેનાર સ્ત્રી-દર્દીમાં આ પ્રમાણે ચતુર્વિધ વ્યક્તિત્વ જોવા મળ્યું : (ક) ‘ઇવ વ્હાઇટ’ : એક સૌમ્ય ગંભીર ઠાવકી, અતડી અને દુ:ખી યુવતી : આ તેનું મૂળ વ્યક્તિત્વ હતું.
માનસિક સારવાર દરમિયાન તેનામાં નીચેનાં ત્રણ વ્યક્તિત્વો પ્રગટ થયાં. (ખ) મૈત્રીપૂર્ણ, સાહસિક, સતત ધમાલ કરનાર, બેફિકર અને નખરેબાજ સ્ત્રી : ‘ઇવ બ્લૅક’. (ગ) આઠ માસના માનસિક ઉપચાર પછી એક ચતુર અને પરિપક્વ સ્ત્રીનું વ્યક્તિત્વ ‘જેન’ પ્રગટ્યું. (ઘ) જ્યારે તેને બાળપણના આઘાતજનક અનુભવો યાદ કરાવવામાં આવ્યા ત્યારે મૈત્રીપૂર્ણ, બુદ્ધિશાળી, સાહસિક પણ સંસ્કારી વ્યક્તિત્વ ‘ઇવેલિન’ બહાર આવ્યું. આ પછી તેનાં આ વિકલ્પી વ્યક્તિત્વો વચ્ચે સુમેળ સ્થપાવાથી પાછલું જીવન સુધરી ગયું.
બહુવિધ વ્યક્તિત્વના કિસ્સામાં વિકલ્પી વ્યક્તિત્વોનો ટકી રહેવાનો સમય મિનિટોથી માંડીને વર્ષો સુધીનો હોય છે. વિકલ્પી વ્યક્તિત્વો અનેક જાતની ભૂમિકા ભજવતાં હોય છે; પણ મોટેભાગે બાળકની, વિજાતીય વ્યક્તિની, સંરક્ષકની, નિયમોની અવગણના કરનાર ‘આઝાદ’ વ્યક્તિની અથવા બીજા લોકો પર દોષારોપણ કરનારની ભૂમિકા ભજવતાં હોય છે.
વિકલ્પી વ્યક્તિત્વોનો સંબંધ વિવિધ પ્રકારનો હોય છે : (1) દ્વિપક્ષી (કે અનેકપક્ષી) અજ્ઞાન : દરેક વિકલ્પી વ્યક્તિત્વ બાકીનાં વિકલ્પી વ્યક્તિત્વોથી તદ્દન અજાણ હોય; બધાં વ્યક્તિત્વો એકબીજાંથી સ્વતંત્ર હોય. (2) એક વિકલ્પી વ્યક્તિત્વ પ્રભાવશાળી અને સભાન હોય અને બીજાં વ્યક્તિત્વો ગૌણ અને નિમ્નસભાન (subconscious) હોય. (3) એકપક્ષી અજ્ઞાન : મુખ્ય વ્યક્તિત્વને ગૌણ વ્યક્તિત્વના અસ્તિત્વની પણ જાણ ન હોય, જ્યારે ગૌણ વ્યક્તિત્વને મુખ્ય વ્યક્તિત્વના અસ્તિત્વની તેમજ તેના વિચારો-લાગણીઓની જાણ હોય.
બહુવિધ વ્યક્તિત્વમાં સમાવિષ્ટ દરેક વિકલ્પી વ્યક્તિત્વનાં આગવાં લક્ષણો અને અનોખી, સુસંગત વર્તનતરેહો હોય છે. તેમની ભાષા, બોલવાની રીત, અવાજનો રણકો, હાવભાવો અને અંગચેષ્ટાઓ પણ નોંધપાત્ર રીતે જુદાં જુદાં હોય છે. વિવિધ વિકલ્પી વ્યક્તિત્વોના પ્રાગટ્ય દરમિયાન મગજનાં મોજાંની તરેહો (brain wave patterns) પણ સહેજ જુદી જુદી હોય છે એવું પ્રારંભિક સંશોધનો સૂચવે છે.
મોટાભાગના કિસ્સાઓમાં વિકલ્પી વ્યક્તિત્વોની સંખ્યા ત્રણ કે ચારની હોય છે, પણ તે છ કે વધારે પણ હોઈ શકે. રૉસ જણાવે કે બે કિસ્સાઓમાં એક જ વ્યક્તિમાં પંદર જુદાં જુદાં વ્યક્તિત્વો ઓળખાયાં હતાં !
બહુવિધ વ્યક્તિત્વ વિશેના ખોટા ખ્યાલો ત્યજવા જરૂરી છે : (1) બહુવિધ વ્યક્તિત્વનો દર્દી સભાનપણે જુદાં જુદાં પાત્રોનો અભિનય કરનાર બહુરૂપી અભિનેતા નથી. (2) તે જાણીબૂઝીને લોકોને છેતરનાર અનેકનામધારી ગઠિયો–ગુનેગાર હોતો નથી. (3) તે પાગલ હોતો નથી; તેનામાં છિન્ન વ્યક્તિત્વ(schizophrenia)ની બીમારી હોતી નથી. તે વાસ્તવિક દુનિયાના સંપર્કમાં રહીને આસપાસના બનાવોનું સાચું જ્ઞાન અને સમજ મેળવતો રહે છે.
બહુવિધ વ્યક્તિત્વના ઉદભવ માટેનાં મુખ્ય કારણો નીચે પ્રમાણે છે : (1) ઊંચા આદર્શોના અમલમાં નિષ્ફળ જવાથી ઊપજતી હતાશા અને દોષની લાગણી, (2) તીવ્ર આઘાતજનક અનુભવો, (3) લાંબા સમય સુધી ચાલુ રહેતી અસહ્ય પરિસ્થિતિ, (4) પોતાના નૈતિક અને અનૈતિક વિચારો અને પ્રેરણાઓ વચ્ચે ચાલુ રહેતો સંઘર્ષ, (5) બાળપણમાં માતાએ વ્યક્તિનો કરેલો અસ્વીકાર, (6) પુખ્ત વયના લોકો વડે ધાકધમકી દ્વારા બાળકો પાસે કરાવાતાં અનૈતિક કાર્યો અને બાળકો(ખાસ કરીને બાલિકાઓ)નું જાતીય શોષણ.
બહુવિધ વ્યક્તિત્વના ઉપચાર માટે વ્યક્તિને તેનામાં રહેલાં બધાં વિકલ્પી વ્યક્તિત્વોનું ભાન કરાવવું અને તેનો સ્વીકાર કરાવવો જરૂરી ગણાય છે. એથી એના વ્યક્તિત્વનાં વિવિધ પાસાં વચ્ચે સુમેળ સ્થાપવો સરળ બને છે. વ્યક્તિને પોતાની ખૂબીઓ અને ખામીઓનું ભાન થવાથી તે વધારે સુસંગત અને પરિપક્વ રીતે વર્તે છે. એ માટે પરંપરાગત માનસિક અને સંમોહનાત્મક ઉપચાર ઉપયોગી નીવડે છે.
ચંદ્રાંશુ ભાલચંદ્ર દવે