બહુલક્ષી વ્યાપાર : આંતરરાષ્ટ્રીય વ્યાપારી ક્ષેત્રે બેથી વધારે દેશો વચ્ચે બેથી વધારે ચીજો અને સેવાનો થતો વ્યાપાર. વેપારની આ પ્રથામાં દેશ દ્વિપક્ષી ધોરણે આયાત-નિકાસને સમતોલ કરવાનો પ્રયાસ કરતો નથી, પરંતુ તેની કુલ આયાતો અને નિકાસોને સમતોલ કરવાની કોશિશ કરે છે. અર્થશાસ્ત્રના સિદ્ધાંત પ્રમાણે જો બે દેશોમાં પેદા થતી વસ્તુઓના તુલનાત્મક ખર્ચમાં તફાવત જોવા મળતો હોય તો એ બે દેશો વચ્ચેનો વેપાર મુક્ત અને બહુમુખી વેપારની સ્થિતિમાં લાભદાયી બની શકે. વેપાર બહુમુખી હોય પરંતુ મુક્ત ન હોય એવું બની શકે. દા.ત., કોઈ દેશના નાગરિકો તેમને ઠીક લાગે તે દેશમાંથી આયાત કરવા માટે મુક્ત હોય, પરંતુ કોઈ પણ દેશમાંથી કરાતી આયાત પર એકસરખા દરે આયાતજકાત નાખવામાં આવી હોય તો એ દાખલામાં વેપાર બહુમુખી હોવા છતાં મુક્ત છે એમ ન કહી શકાય.
બહુમુખી વેપારને દ્વિપક્ષી વેપારના સંદર્ભમાં સારી રીતે સમજી શકાય. બીજા વિશ્વયુદ્ધ (1939–1945) દરમિયાન અને એ પછીનાં પાંચેક વર્ષના ગાળામાં અમેરિકાના ડૉલરની તીવ્ર અછત દુનિયામાં સર્જાઈ હતી. આંતરરાષ્ટ્રીય વેપારમાં દુનિયાના ઘણા દેશો ડૉલરની તંગીનો સામનો કરી રહ્યા હતા. તેથી એ દેશો દ્વિપક્ષી ધોરણે આયાત-નિકાસોને સમતોલ કરવાની કોશિશ કરીને ડૉલરની તંગી નિવારવાની કોશિશ કરતા હતા. પહેલાંના સામ્યવાદી દેશો અન્ય દેશો સાથેનો તેમનો વેપાર દ્વિપક્ષી વેપારી કરારોના આધાર પર જ કરતા હતા. તેમાં જો પારસ્પરિક વેપાર સમતોલ ન થાય અને ખાધપુરાંત ઉદભવે તો એના ઉકેલના માર્ગો પણ નક્કી કરી દેવામાં આવતા હતા. બહુમુખી વેપારપ્રથામાં દ્વિપક્ષી વેપાર-સમજૂતીઓને સ્થાન નથી હોતું. જો સંબંધિત સરકાર આયાતજકાત, નિકાસ-પ્રોત્સાહન, આયાત-ક્વોટા જેવાં પગલાંઓમાં દેશ-દેશ વચ્ચે ભેદભાવ કરે તો બહુલક્ષી વ્યાપારમાં અવરોધ પેદા થાય છે.
સરકાર અને સેવાઓ તરફથી કોઈ બાધા પેદા થતી નથી એવી ધારણા કરીને નીચેની સારણીથી બહુલક્ષી વ્યાપારને સમજી શકાય. સરળતા માટે આયાત-નિકાસના દરેક એકમની કિંમત સરખી છે એવી ધારણા કરવામાં આવી છે. આયાતને (+) અને નિકાસને (–)થી ઓળખવામાં આવી છે.
દેશ/પેદાશ | કેળાં | નારિયેળ | કૅલ્ક્યુલેટર |
આર્જેન્ટીના | –600 | +200 | +400 |
બોલિવિયા | +700 | –100 | –600 |
સિલોન | –100 | –100 | +200 |
આ ઉદાહરણમાં આયાત-નિકાસનો એકંદર સરવાળો શૂન્ય થાય છે. એટલે કે દેશનું આંતરરાષ્ટ્રીય લેણદેણનું સરવૈયું સમતોલ થઈ રહે છે. જોકે પ્રત્યેક દેશ પરત્વે સમતોલ તથા દેવાં-લેણાં ઊભાં કરી, ચલણના દરોમાં ફેરફાર કરીને તેમજ મદદ આપીને અથવા મેળવીને આયાત-નિકાસનો કુલ સરવાળો શૂન્ય નહિ આવે તોપણ બહુલક્ષી વ્યાપાર ચલાવી શકાય છે.
બહુલક્ષી વ્યાપારમાં કેટલીક વાર જે બે દેશો વચ્ચે માલ/સેવાની આયાત-નિકાસ થાય તે બે દેશોના વેપારીઓ વચ્ચે જ તેના નાણાકીય વ્યવહારો થાય તે અનિવાર્ય નથી. ઉપરના ઉદાહરણમાં આર્જેન્ટીના પાસેથી 600 એકમ કેળાં બોલિવિયા લે છે. બહુલક્ષી વ્યાપારમાં એવું બનવાની સંભાવના છે કે આ 600 એકમોમાંથી 200 એકમો સિલોનના વેપારીએ ખરીદ્યા હોય અને એમણે બોલિવિયાના વેપારીને વેચ્યા હોય. આમ કરવાથી સિલોનના વેપારીની સૂચના હેઠળ આર્જેન્ટીનાનો નિકાસકાર કેળાં સીધાં બોલિવિયા મોકલાવશે અને તેનું બિલ સિલોનના વેપારીને મોકલશે. સિલોનનો વેપારી બોલિવિયાના આયાતકારને પોતાનું બિલ મોકલશે. આમ, બહુલક્ષી વ્યાપાર જો નિર્બંધ રીતે થાય તો મહત્તમ ઉત્પાદન અને ન્યૂનતમ પડતર સિદ્ધ થાય એમ મુક્ત વ્યાપારમાં માનતા અર્થશાસ્ત્રીઓ દાવો કરે છે.
સૂર્યકાન્ત શાહ