બહુરૂપી (નાટ્યસંસ્થા) : મુંબઈની વ્યાવસાયિક રંગભૂમિના ક્ષેત્રે પ્રવૃત્ત અગ્રગણ્ય નાટ્યસંસ્થા. લાલુ શાહ અને વિજય દત્તની નિર્માતા-દિગ્દર્શક જોડીએ તેના નેજા હેઠળ અનેક સફળ અને યાદગાર નાટકો રજૂ કર્યાં છે. 1 ઑગસ્ટ 1968ના રોજ ‘અભિષેક’ નાટકના પ્રથમ પ્રયોગથી સંસ્થાએ પોતાની નાટ્યપ્રવૃત્તિનો શુભારંભ કર્યો. ‘ધરમની પત્ની’, ‘અનુરાગ’, ‘આંધી’, ‘અભિલાષા’, ‘અનુકંપા’, ‘એકરાર’, ‘ધૂપછાંવ’, ‘શીળી છાયા, ઊના વાયરા’, ‘વાયદાના ફાયદા’, ‘માટીપગા’, ‘પતિને પરણાવતી સતી’, ‘કાતિલ’ વગેરે વિજય દત્તના નિર્દેશનમાં અત્યંત સફળ રીતે ભજવાયેલાં નાટકો ઉપરાંત દીપક ઘીવાળા દિગ્દર્શિત ‘ચકડોળ’, ‘છલાંગ’; શૈલેષ દવે દિગ્દર્શિત ‘કેવડાના ડંખ’, ‘સંભવ-અસંભવ’; વિષ્ણુકુમાર વ્યાસ દિગ્દર્શિત ‘વિસામો’, ‘માંડવાની જૂઈ’, ‘અભિમાન’, ‘અધિકાર’; અદી મર્ઝબાન દિગ્દર્શિત ‘વાત બહાર જાય નહિ’; શરદ સ્માર્ત દિગ્દર્શિત ‘કરવટ બદલે લાશ’, ચંદ્રકાંત ઠક્કર દિગ્દર્શિત ‘લોહીનો રંગ કાળો’; કમલાકર સારંગ દિગ્દર્શિત ‘કોઠાની કબૂતરી’, ‘કિસ્સા કુર્સી કા’, ‘એકાકી મનનાં ઊઘડ્યાં કમાડ’; શંભુ દામલીવાળા દિગ્દર્શિત ‘કરે છેડ તો માનું છબીલો’, ‘ધમાધમ મસ્તકલંદર’; અજિત વાચ્છાની દિગ્દર્શિત ‘જીવનસાથી’, ‘સત્યનો ચહેરો’, ‘વરઘેલી’; તારક મહેતા દિગ્દર્શિત ‘રૂપની પૂનમનો પાગલ’; હોમી વાડિયા દિગ્દર્શિત ‘હથેળી પર બાદબાકી’ વગેરે વિવિધ પ્રકારનાં – સામાજિક, રહસ્યમય, કૉમેડી, પ્રયોગાત્મક નાટકો રજૂ કરી સંસ્થાએ આધુનિક ગુજરાતી વ્યાવસાયિક રંગભૂમિના ક્ષેત્રે આગવું પ્રદાન કર્યું છે.
મહેશ ચંપકલાલ શાહ