બહુરાષ્ટ્રીય કંપનીઓ

January, 2000

બહુરાષ્ટ્રીય કંપનીઓ : કંપનીનું મુખ્ય મથક એક દેશમાં હોય અને ઉત્પાદન કે વ્યાપારની પ્રવૃત્તિ અનેક દેશોમાં ચાલતી હોય તેવી કંપની. બહુરાષ્ટ્રીય કંપનીઓનું મુખ્ય મથક સામાન્ય રીતે અમેરિકા, બ્રિટન, પશ્ચિમ જર્મની, પશ્ચિમ યુરોપના દેશો, જાપાન વગેરે ઔદ્યોગિક રીતે વિકસિત દેશોમાં હોય છે. તેઓ વિશ્વના અનેક દેશોમાં પોતાની ધંધાકીય પ્રવૃત્તિઓ ચલાવે છે. તેમની ધંધાકીય પ્રવૃત્તિ એશિયા, આફ્રિકા અને દક્ષિણ અમેરિકાના અવિકસિત કે અર્ધવિકસિત દેશોમાં વધારે ફેલાયેલી હોય છે, કારણ કે આ દેશોમાં સ્થાનિક પ્રજાનું શોષણ કરવાનું તેમને વધુ ફાવે છે. બહુરાષ્ટ્રીય કંપનીઓ અન્ય દેશોમાં ઉત્પાદન માટે કારખાનાં ખોલે છે અથવા તે દેશની સરકાર/સ્થાનિક ઉદ્યોગપતિઓ સાથે સહયોગ કરીને કારખાનાં ચલાવે છે, અથવા તે દેશની સરકારોને/સ્થાનિક ઉદ્યોગપતિઓને વસ્તુનાં પેટન્ટ, ટૅકનૉલૉજીનાં જ્ઞાન-કૌશલ, મૂડી, સાધનો વગેરે પૂરાં પાડે છે, જેની મદદથી સરકાર કે ઉદ્યોગપતિઓ પોતે જ કારખાનાં ચલાવે છે. આવી કંપનીઓ કોઈ દેશમાં ઉદ્યોગ તો કોઈ દેશમાં માત્ર વ્યાપાર ચલાવે છે. કોઈ વખત, એક દેશમાં વસ્તુના છૂટા ભાગો ઉત્પન્ન કરીને તથા પોતાના દેશમાં કે બીજા દેશમાં એકત્રિત કરીને કોઈ ત્રીજા દેશમાં તે વેચે, તેવું પણ કરે છે. કયા દેશમાં કયા પ્રકારની ધંધાકીય પ્રવૃત્તિ ચલાવવી તે દરેક દેશની આર્થિક-રાજકીય નીતિ ત્યાંના કાયદાઓ ત્યાંની કરવેરાની નીતિ; કાચા માલ, મજૂરી, ઊર્જા, વાહનવ્યવહાર વગેરેની સગવડો ઇત્યાદિ બાબતો પર આધાર રાખે છે. અમેરિકાની જનરલ મોટર્સ, આઇ.બી.એમ., આઇ.ટી.ટી., બ્રિટન-નેધરલૅન્ડની યુનિલિવર, બ્રિટનની આઇ.સી.આઇ., નેધરલૅન્ડની ફિલિપ્સ, પશ્ચિમ જર્મનીની સિમેન્સ, જાપાનની મિત્સુબિશિ વગેરે વિશ્વની આગળપડતી બહુરાષ્ટ્રીય કંપનીઓ છે. ભોપાલની ઝેરી ગૅસની દુર્ઘટના માટે જવાબદાર યુનિયન કાર્બાઇડ કંપની અમેરિકાની એક બહુરાષ્ટ્રીય કંપની છે.

બહુરાષ્ટ્રીય કંપનીઓની કેટલીક આગવી લાક્ષણિકતાઓ હોય છે. તેમની પાસે વિપુલ મૂડીભંડોળ, અન્ય સાધનો અને સંશોધન દ્વારા પ્રાપ્ત થયેલી આધુનિક ટૅકનૉલૉજી હોય છે તથા તેમના દેશની સરકારનો તેમને ખુલ્લો ટેકો હોય છે. વિશ્વના વિકાસશીલ દેશો બહુરાષ્ટ્રીય કંપનીઓનાં નાણાં તથા ટૅકનૉલૉજીનાં જ્ઞાન-કૌશલ્યનો લાભ મેળવવા તેમને પોતાના દેશમાં આવકારે છે. સામાન્ય રીતે વ્યૂહાત્મક અને નફો પેદા કરતી પ્રવૃત્તિ પર તેમના મુખ્ય મથકનો કાબૂ રહે છે, છતાં નાની નાની ધંધાકીય પ્રવૃત્તિઓ માટે તેઓ સ્થાનિક સંચાલકોને સ્વતંત્રતા આપે છે. તેઓ વિશ્વભરમાં પ્રાકૃતિક સાધનસંપત્તિની અસમાન વહેંચણી અને શ્રમવિભાજનનો લાભ ઉઠાવે છે. પડતર કિંમત નીચામાં નીચી હોઈ શકે ત્યાં માલ ઉત્પન્ન કરી, વધુમાં વધુ ભાવ ઊપજે ત્યાં તેનું વેચાણ કરે છે. બહુરાષ્ટ્રીય કંપનીઓમાં આર્થિક સત્તાનું ખૂબ મોટા પ્રમાણમાં કેન્દ્રીકરણ થયેલું હોય છે. પોતાની આર્થિક સત્તાના જોરે પોતાના દેશની સરકાર પર પોતાનો પ્રભાવ ફેલાવી શકે છે, તેમની આર્થિક અને વિદેશનીતિમાં ધારેલા ફેરફાર કરાવી શકે છે અને આર્થિક સત્તાને જોરે તે વિદેશના રાજકારણ પર પણ પ્રભાવ પાડી શકે છે. કોઈ નાના દેશની સરકાર તેમની પ્રવૃત્તિની આડે આવે તો તે દેશની સરકારને ઉથલાવી પાડતાં આવી બહુરાષ્ટ્રીય કંપનીઓ અચકાતી નથી. આ કંપનીઓ પોતાની પરિવર્તનશીલતા અને કાર્યક્ષમતા માટે ખૂબ જ જાણીતી હોય છે. તેથી આવી વિરાટકાય કંપનીઓ ભારે નફો કરે છે. મોટરવાહનો, ટાયર, ખનિજતેલ, તમાકુ, દવાઓ વગેરે વસ્તુઓના ધંધામાં બહુરાષ્ટ્રીય કંપનીઓએ લગભગ ઇજારા જેવી સ્થિતિ ઉત્પન્ન કરી છે.

બહુરાષ્ટ્રીય કંપનીઓ યજમાન રાષ્ટ્રોનું શોષણ કરે છે. તેમ છતાં આ રાષ્ટ્રોની સરકારો તેમને વિવિધ કારણોસર આવકારે છે; જેવાં કે ખૂબ નાણાં હોવાથી આવી કંપનીઓ સતત વૈજ્ઞાનિક સંશોધનની પ્રવૃત્તિઓ ચાલુ રાખે છે. અર્ધવિકસિત અને અવિકસિત દેશો આ સંશોધનનો લાભ લઈ ઝડપી આર્થિક વિકાસ સાધવા ઇચ્છતા હોય છે. બધા દેશોની સરકાર અદ્યતન શસ્ત્રસરંજામ મેળવવા માગે છે. બહુરાષ્ટ્રીય કંપનીઓ યજમાન દેશોને આવાં શસ્ત્રો વેચે છે અથવા આવાં સાધનોના ઉત્પાદનમાં મદદ કરે છે. અદ્યતન તબીબી સાધનો અને દવાઓ બનાવવાનું કૌશલ્ય બહુરાષ્ટ્રીય કંપનીઓ પાસે હોય છે. યજમાન દેશો આવી દવાઓ ખરીદે છે અથવા તેમની સહાયથી આવી દવાઓનું ઉત્પાદન કરે છે. ગરીબ અને વિકાસશીલ દેશોની પ્રજામાં સામાન્ય રીતે લઘુતાગ્રંથિ હોય છે. બહુરાષ્ટ્રીય કંપનીઓ દ્વારા ઉત્પન્ન થતી વસ્તુઓ વધુ સારી હોય છે એવું તેઓ માને છે. વળી, આ દેશોમાં આવકની અસમાન વહેંચણીને કારણે એક નાનકડો ધનિક વર્ગ ઊભો થયો હોય છે જે બહુરાષ્ટ્રીય કંપનીઓની વસ્તુઓના વપરાશમાં ગૌરવ અનુભવે છે. આથી આવા દેશોમાં બહુરાષ્ટ્રીય કંપનીઓની પ્રવૃત્તિઓ ખૂબ જ  ફૂલે-ફાલે છે.

રાષ્ટ્રસંઘ દ્વારા અને કેટલાંક અભ્યાસજૂથો દ્વારા કેટલાંક સૂચનો થયાં છે, તે અમલમાં મૂકીને યજમાન દેશો બહુરાષ્ટ્રીય કંપનીઓ ઉપર અંકુશ રાખી શકે છે. બહુરાષ્ટ્રીય કંપનીની સ્થાનિક શાખાના કે તેના હાથ નીચેની સ્થાનિક ગૌણ કંપનીના ઇક્વિટી શેરભંડોળમાં સ્થાનિક નાગરિકોની માલિકીનું પ્રમાણ વધારવું; બહુરાષ્ટ્રીય કંપનીઓ પોતાના મુખ્ય મથકને જે નાણાં મોકલે તેની મર્યાદા નક્કી કરવી; બહુરાષ્ટ્રીય કંપનીઓને દેશમાં પ્રવૃત્તિ કરવા દેવાને બદલે તેમને રૉયલ્ટી આપી તેમની પાસેથી ટૅકનૉલૉજી ખરીદવી; બહુરાષ્ટ્રીય કંપનીને અપાતી રૉયલ્ટીની રકમ પર મર્યાદા મૂકવી; આવી કંપનીઓની વસ્તુઓના ભાવો પર અંકુશ મૂકવા; બહુરાષ્ટ્રીય કંપનીઓની નિકાસલક્ષી પ્રવૃત્તિને વધુ ઉત્તેજન આપવું; રાષ્ટ્રીય ટૅકનૉલૉજીનો વિકાસ સાધવો; જે વસ્તુઓ દેશમાં બનતી હોય તેના ઉત્પાદન કે વેચાણ માટે બહુરાષ્ટ્રીય કંપનીઓને છૂટ ન આપવી; દેશના સ્થાનિક લોકોને તાલીમ આપી ઉત્પાદનપ્રક્રિયામાં અને સંચાલનમાં તેમનો હિસ્સો ક્રમશ: વધારતા જઈ ધીમે ધીમે બહુરાષ્ટ્રીય કંપનીની પકડ ઓછી કરીને સ્થાનિક લોકો દેશમાંના એકમો ઉત્પાદન અને સંચાલન માટે તૈયાર થઈ જાય ત્યારે તેમની પ્રવૃત્તિ સંપૂર્ણપણે સ્થાનિક લોકોને સોંપી દેવી વગેરે.

ઉપર દર્શાવેલ ઉપાયો દ્વારા બહુરાષ્ટ્રીય કંપનીઓની પ્રવૃત્તિઓને અંકુશમાં રાખી શકાય છે છતાં તેઓને યજમાન દેશે અનિવાર્ય અનિષ્ટ તરીકે સ્વીકારવી પડે તેવી પરિસ્થિતિ હાલમાં પ્રવર્તે છે.

પિનાકીન ર. શેઠ