બસ્તી (જિલ્લો) : ઉત્તરપ્રદેશ રાજ્યના ઈશાન ભાગમાં આવેલો જિલ્લો અને તે જ નામ ધરાવતું જિલ્લામથક.
ભૌગોલિક સ્થાન : તે 26 23´ ઉ. અ.થી 27 30´ ઉ. અ. તેમજ 82 17´ પૂ. રે.થી 83 20´ પૂ. રે.ની વચ્ચે આવેલો છે. આ જિલ્લાની મહત્તમ ઉત્તર-દક્ષિણ લંબાઈ 75 કિમી. અને પહોળાઈ પૂર્વ-પશ્ચિમ 70 કિમી. છે. આ જિલ્લાની પૂર્વે સંતકબીર જિલ્લો, પશ્ચિમે ગોન્ડા જિલ્લો જ્યારે દક્ષિણે વહેતી ઘાગ્રા નદી કે જે ઉત્તરે આવેલા અયોધ્યા (ફૈઝાબાદ) અને સિદ્ધાર્થ નગર જિલ્લાઓને જુદા પાડે છે. આમ જોવા જઈએ તો બસ્તી જિલ્લો અયોધ્યા અને ગોરખપુર જિલ્લાઓની વચ્ચે આવેલો છે.´
ભૂપૃષ્ઠ – આબોહવા : ભૂપૃષ્ઠની દૃષ્ટિએ આ જિલ્લાની રચના વૈવિધ્યસભર છે. ઉત્તર તરફનો ભાગ કાંપનાં મેદાનોથી રચાયેલો છે. દક્ષિણ તરફ જતાં ઘાગ્રા નદીનો છીછરો ખીણવિસ્તાર છે. જે ઘાગ્રા નદીની કુવાના શાખા સુધી તેમજ મધ્યના ઊંચાણવાળા પ્રદેશ સુધી વિસ્તરેલો છે, જે કુવાના અને રાપ્તી નદીઓ વચ્ચે આવેલો છે. ખેતી માટે ખૂબ અનુકૂળ પહોળું કાંપનું મેદાન ઉત્તર તરફ વધુ વિસ્તરેલું છે. જિલ્લાનો સામાન્ય ઢોળાવ વાયવ્યથી અગ્નિ તરફનો છે. આ જિલ્લો સમુદ્ર સપાટીથી સ્થાનભેદે 87 મીટરથી 102 મીટર જેટલો જોવા મળે છે. જિલ્લાની અન્ય નદીઓ જે ગંગાની જળપ્રણાલિકાની શાખાઓ છે. જેમાં રવાઈ, મનવાર, કટનેહીઆ અને અમીનો સમાવેશ થાય છે.
આ જિલ્લામાં ઉનાળાની ઋતુમાં મહત્તમ તાપમાન 23સે.થી 25સે. અનુભવાય છે. જ્યારે શિયાળામાં લઘુતમ તાપમાન 9 સે. જેટલું રહે છે. સામાન્યતઃ વર્ષાઋતુમાં વરસાદ જૂનથી સપ્ટેમ્બર માસમાં 68% જેટલો પડે છે. અહીં સરેરાશ વરસાદ 1020 મિમી. જેટલો પડે છે.
અર્થતંત્ર : એક સમયે આ જિલ્લાનાં જંગલોનો મહત્તમ ભાગ સાગ, સાલ વગેરે વૃક્ષોથી આચ્છાદિત હતો, પરંતુ ખેતી માટે જમીનની માંગ વધતાં આ જંગલો કપાતાં ગયાં. તેમ છતાં કેટલાક વિસ્તારમાં આંબો, મહુડો, વાંસનાં વૃક્ષો જોવા મળે છે. અહીં વન્ય પ્રાણીઓનું પ્રમાણ ઓછું છે. ખાસ કરીને નીલગાય, હરણ, જંગલી ભૂંડ, વરુ, શિયાળ, જરખ વગેરે જોવા મળે છે. સરીસૃપમાં કોબ્રા, રેટ સાપ, મગર વગેરે હોય છે.
આ જિલ્લામાં ખરીફ અને રવી પાકો લેવાય છે. જેમાં મુખ્ય ડાંગર, શેરડી, કપાસ, ઘઉં, જવની ખેતી વિશેષ છે. આ સિવાય મકાઈ, કઠોળ તેમજ શાકભાજીની ખેતી થાય છે. ખેતી સાથે પશુપાલનપ્રવૃત્તિને વધુ પ્રાધાન્ય અપાય છે. ગાય, ભેંસ, ઘેટાં, બકરાં અહીંનાં મુખ્ય પાલતુ પશુઓ છે. પશુઓ માટે આરોગ્યકેન્દ્રો પણ ઊભાં કરાયાં છે.
અહીં ખેતી ઉપર આધારિત ઉદ્યોગોમાં સુતરાઉ કાપડ અને ખાંડના એકમો ઊભા થયા છે. ગૃહઉદ્યોગો અને કુટિરઉદ્યોગો પણ જોવા મળે છે. હાથસાળનો રેસાવણાટ ઉદ્યોગ, કાગળની મિલો, ખેતીને લગતાં યંત્રો બનાવવાનાં કારખાનાં, કોતરણીવાળાં પિત્તળનાં વાસણો, ખેત-પેદાશો પર આધારિત ઉદ્યોગો, ખાદ્યપ્રકમણ, ચર્મ ઉદ્યોગ, સાબુ, મીણબત્તી વગેરે બનાવવાનાં નાના પાયાનાં કારખાનાં આવેલા છે. સીસમ, વાંસમાંથી વિવિધ ચીજવસ્તુઓ બનાવવાનો હસ્તકલા ઉદ્યોગ વિકસ્યો છે. ભારત સરકારે 2006ની સાલમાં સૌથી વધારે પછાત જિલ્લામાં આ બસ્તી જિલ્લાનો સમાવેશ કર્યો હોવાથી ‘Backward Regions Grant Fund Programe’(BRGF)માંથી આર્થિક રાહત મળે છે.
પરિવહન : ઈશાન વિભાગીય રેલમાર્ગની ટ્રેનો આ જિલ્લામાંથી પસાર થાય છે. બસ્તી રેલવેસ્ટેશન જે લખનઉ-ગોરખપુર રેલમાર્ગનું મુખ્ય સ્ટેશન છે. ‘વંદે ભારત એક્સપ્રેસ’ અને ‘અમૃત ભારત એક્સપ્રેસ’ ટ્રેનનું મહત્ત્વનું સ્ટેશન છે. બિહાર અને અસમને સાંકળતા રેલમાર્ગોનું પણ સ્ટેશન છે. આ સ્ટેશનેથી સાત ટ્રેનો દોડે છે. આ જિલ્લામાં આવેલાં રેલવેસ્ટેશનોમાં ઓરવારા, બસ્તી, ગોવિંદનગર, ટીનીચ, ગૌર અને બાબહનન છે. આ શહેર રસ્તા માર્ગે અયોધ્યા, ગોરખપુર અને ગોન્ડા સાથે ઘનિષ્ટ રીતે સંકળાયેલું છે. ભારતના પૂર્વ અને પશ્ચિમના વિસ્તારોને સાંકળતા પ્રકલ્પને કારણે બસ્તી જિલ્લામાંથી રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. 2a અને 41 પસાર થાય છે. આ જિલ્લામાં રાજ્યના ધોરી માર્ગો પણ આવેલા છે. રાજ્ય પરિવહનની અને ખાનગી બસોની સુવિધા ઉપલબ્ધ છે. આ જિલ્લાની નજીક આવેલાં હવાઈ મથકોમાં મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક અને ગોરખપુર હવાઈ મથક આવેલાં છે.
વસ્તી : આ જિલ્લાનો વિસ્તાર 2,688 ચો.કિમી. અને વસ્તી (2011 મુજબ) 24,64,464 છે. સાક્ષરતાનું પ્રમાણ 67.2% જ્યારે સેક્સ રેશિયો દર 1000 પુરુષોએ 963 મહિલાઓ છે. 5.60% લોકો શહેરોમાં વસે છે. પછાત જાતિ અને આદિવાસી જાતિનું પ્રમાણ અનુક્રમે 20.85% અને 0.15% છે. અહીં ધર્મની દૃષ્ટિએ વસ્તીની ટકાવારી અનુક્રમે જોઈએ તો હિન્દુ (84.52%), મુસ્લિમ (24.50%), ક્રિશ્ચિયન (0.41%), જૈન (0.01%), શીખ (0.40%), બૌદ્ધ (0.03%) છે. ભાષાના સંદર્ભમાં હિન્દી (80.25%), અવધિ (14.29%), ભોજપુરી (3.21%), ઉર્દૂ (2.14%) અને અન્ય બોલાતી ભાષાની ટકાવારી 0.11 છે.
આ જિલ્લામાં પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ આવેલી છે. અહીં 10 + 2 + 3 શિક્ષણ- પ્રણાલી અપનાવાઈ છે. રાજ્ય સરકાર દ્વારા સંચાલિત અને ખાનગી શાળાઓ આવેલી છે. આર્ટ્સ, કૉમર્સ અને સાયન્સ કૉલેજો આવેલી છે.
આ જિલ્લામાં વિશેષ પ્રવાસમથકો આવેલાં નથી. તેમ છતાં બસ્તી શહેરથી લગભગ 41 કિમી. દૂર પૂર્વ તરફ અનુઈ નદી કાંઠે આવેલું મગાહરનગર ધાર્મિક તેમજ ઐતિહાસિક દૃષ્ટિએ મહત્ત્વનું છે. રામકૃષ્ણમંદિર, મખાઉદા ધામ, આચાર્ય ગુરુપ્રસાદ સાહિબે બંધાવેલી સંત કબીરની કબર આવેલાં છે.
ઇતિહાસ : અહીં ઋષિ વશિષ્ઠનો આશ્રમ આવેલો હતો એમ મનાય છે. રામના ભાઈ લક્ષ્મણ પણ આ આશ્રમમાં રોકાયા હતા. 16મી સદીમાં કાલહંસ રાજા ઉદય રાજસિંગનું અહીં રાજ હતું. મહારાજા કેસરીસિંગ કે જેઓ કાલહંસ રાજ્યના છેલ્લા રાજા હતા. 1721માં મુઘલ સામ્રાજ્યનો સૂબો સોદતખાન બુરહાન-ઉલ-મુલ્ક બન્યો હતો. બ્રિટિશરોના શાસનમાં બસ્તી મુખ્ય લશ્કરીમથક બન્યું હતું. 1857ના સ્વાતંત્રસંગ્રામમાં અનેક સ્વાતંત્રસેનાનીઓને ફાંસી અપાઈ હતી.
બસ્તી (શહેર) : બસ્તી જિલ્લાનું જિલ્લામથક અને મુખ્ય શહેર છે. તે 26 48´ ઉ. અ. અને 82 43´ પૂ. રે. પર આવેલું છે. અયોધ્યાથી પૂર્વમાં કુવાના નદીકાંઠે વસેલું છે. અહીંની આબોહવા ઉપ-ઉષ્ણકટિબંધીય પ્રકારની છે. ઉનાળો એપ્રિલથી જૂન સુધીનો ગણાય છે. આ સમયગાળામાં અતિશય ગરમીનો અનુભવ થાય છે. શિયાળો ઑક્ટોબરથી જાન્યુઆરી સુધીનો કહી શકાય. આ સમયગાળામાં ઠંડીનો અનુભવ થાય છે.
આ શહેર નજીકના વિસ્તારમાં ઉત્પન્ન થતી ખેતપેદાશોનું મધ્યસ્થ કૃષિ તથા વેપારીમથક બની રહેલું છે. આ શહેર ત્રણ ભાગમાં વહેંચાઈ ગયેલું છે : (1) રેલમાર્ગ અને સડકમાર્ગ વચ્ચે પૂર્વ-પશ્ચિમ તરફ વિસ્તરેલું જૂનું બસ્તીનગર (2) પક્કા બજાર ત્યાં આવાસો, સરકારી કચેરીઓ આવેલી છે (3) નાગરિક મથક–પક્કા બજારથી પશ્ચિમ તરફનો કુવાના નદીકિનારે આવેલો વિભાગ.
અહીંથી રાષ્ટ્રીય ધોરી માર્ગ તથા મુખ્ય રેલમાર્ગ પસાર થાય છે. રાજ્ય પરિવહનની અને ખાનગી બસો ઉપલબ્ધ છે. બસ્તી મુખ્ય રેલજંકશન છે.
આ શહેરની વસ્તી (2011 મુજબ) 1,14,657 છે. સાક્ષરતાનું પ્રમાણ 83% છે. જ્યારે સેક્સ રેશિયો દર 1000 પુરુષોએ 908 મહિલાઓ છે. અહીં પછાતજાતિ 17,036 અને આદિવાસી જાતિની વસ્તી આશરે 275 છે. અહીં હિન્દુઓની વસ્તીની ટકાવારી 74.50% છે. જ્યારે મુસ્લિમ, ક્રિશ્ચિયનોની વસ્તીની ટકાવારી અનુક્રમે 24.50% અને 0.41% છે. પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ જે સરકાર માન્ય છે. આ ઉપરાંત ખાનગી શાળાઓ પણ આવેલી છે. અહીં મહર્ષિ વશિષ્ઠ સ્વાયત્ત મેડિકલ કૉલેજ આવેલી છે. સરકારી એન્જિનિયરિંગ, રાજકીય એન્જિનિયરિંગ કૉલેજ આવેલી છે. શિક્ષણ મોટે ભાગે હિન્દી ભાષામાં અપાય છે.
ગિરીશભાઈ પંડ્યા
નીતિન કોઠારી