બસિલિકૅ : વિશિષ્ટ મોભો ધરાવતું રોમન કૅથલિક તેમજ ગ્રીક ઑથૉર્ડૉક્સ ચર્ચ. પ્રાચીનતાને કારણે અથવા કોઈ મહત્વના સંત સાથે સંકળાયેલ હોવાને કારણે કે મહત્વના ઐતિહાસિક પ્રસંગ સાથે સંકળાયેલ હોવાને કારણે ખ્રિસ્તી ધર્માધ્યક્ષ બિશપ ચર્ચને ‘બસિલિકૅ’નો દરજ્જો આપે છે. આ દરજ્જા વડે ચર્ચને કેટલાક વિશિષ્ટ અધિકાર મળે છે. જેમાં મુખ્ય અધિકાર એ છે કે તેની વેદિકા(alter)ને પોપ, બિશપ અને કાર્ડિનલ જેવા વિશિષ્ટ ધર્મગુરુ માટે અનામત રાખી શકાય છે. સ્થાપત્યની ર્દષ્ટિએ જોઈએ તો શરૂઆતમાં પ્રાચીન રોમ અને ઇટાલીનાં ઢળતાં છાવણ વડે આચ્છાદિત (roofed) વિશાળ આલયો (તેમાં બજાર, કચેરીઓ, સભાખંડનો સમાવેશ થાય છે) માટે બસિલિકૅ શબ્દ યોજાતો હતો. પછીથી તે ચોક્કસ પ્રકારની ઇમારત માટે યોજાવા માંડ્યો. તેમાં લંબચોરસ મકાનને છેડે ખુલ્લો સભાખંડ હોય છે. ઈસુ પૂર્વેની પહેલી સદીમાં ન્યાયવિષયક હેતુ માટે બસિલિકૅનું બાંધકામ થતું. તેમાં બંધ ખંડને એક છેડે ઊંચી વ્યાસપીઠ પર ન્યાયાધીશ બેસતા. આ વ્યાસપીઠને ઇમારતની બહારની બાજુએથી અર્ધવર્તુળાકાર દીવાલથી બંધ કરવામાં આવતી અને તેની ઉપર અર્ધ-ઘુમ્મટની રચના કરવામાં આવતી. ઇટાલીમાં સંખ્યાબંધ સ્થળેથી પ્રાચીન વિશાળ બસિલિકૅના પાયાનું ઉત્ખનન કરવામાં આવ્યું છે. તેમાં ઈસુની ચોથી સદીના પૂર્વાર્ધ દરમિયાન સમ્રાટ મૅક્સેન્ટિયસ દ્વારા શરૂ કરાયેલ અને તેના ઉત્તરાધિકારી કૉન્સ્ટન્ટીન ધ ગ્રેટ દ્વારા પૂરી કરાયેલ બસિલિકૅ સૌથી વધુ પ્રભાવશાળી છે.
ખ્રિસ્તીઓની સમૂહ પ્રાર્થના માટે ઈસવી સનની શરૂઆતનાં વર્ષોમાં એક જ ઍપ્સ (અર્ધવર્તુળાકાર દીવાલ અને અર્ધઘુમ્મટ) ધરાવતી બસિલિકૅ વપરાતી. તેમાં નેવ (ખ્રિસ્તી દેવળનો બેઠકો ધરાવતો વચલો ભાગ) અને તેની આજુબાજુ બે આઇલ્સ (નેવને સમાંતર બે પાંખો) હોય છે. નેવને આઇલ્સથી જુદી પાડતી બે સ્તંભમાળા હોય છે. 313માં રોમન સમ્રાટ કૉન્સ્ટન્ટીને ખ્રિસ્તી ધર્મને સત્તાવાર માન્યતા આપી અને 3 પ્રચંડકાય બસિલિકૅ બંધાવી : સેંટ પીટર્સ બસિલિકૅ, સેંટ પાઑલો ફુઓરી લ મુરા અને સેંટ જિયોવાની. બસિલિકૅની ડિઝાઇનમાં કૉન્સ્ટન્ટીને એક નવું તત્વ ઉમેર્યું તે ‘ટ્રૅન્સેપ્ટ’ (એપ્સથી થોડેક જ દૂર નેવને છેદતી પાંખ). આમ, ક્રૉસ (ચોકડી +) આકારનો પ્લાન અસ્તિત્વમાં આવ્યો, જે મધ્યયુગ દરમિયાન પશ્ચિમ યુરોપના દેશોમાં ચલણી બન્યો.
શરૂઆતની ખ્રિસ્તી બસિલિકૅમાં નેવને આઇલ્સથી જુદા પાડતા સ્તંભોના ઉપરના છેડા વધુ પહોળા હતા અથવા સ્તંભો કમાનવાળા હતા. આ પહોળા છેડા અથવા તો કમાનોથી ઉપર સીધી દીવાલ રહેતી, જે નેવના ઢળતા છાવણને આધાર આપતી. આઇલ્સ કરતાં નેવની છત હંમેશાં ખાસ્સી ઊંચી રહેતી. આમ, પહોળા છેડા અથવા કમાનો ઉપરની દીવાલ આઇલ્સની છત કરતાં પણ ઊંચી હોવાથી આ દીવાલમાં બારીઓ ગોઠવાતી જેથી નેવમાં પ્રકાશ પ્રવેશે. આ ઊંચી દીવાલને ‘ક્લૅરેસ્ટોરી’ પણ કહે છે. નેવની બંને બાજુએ કેટલીક વાર એક એક તો કેટલીક વાર બબ્બે આઇલ્સની બાંધણી થતી. નેવમાંથી એપ્સમાં પ્રવેશવા માટે મુકાતી મોટી કમાનને ‘ટ્રાયમ્ફલ આર્ચ’ કહે છે. બસિલિકૅમાં ટ્રૅન્સેપ્ટ હોય તો નેવમાંથી ટ્રૅન્સેપ્ટ પ્રવેશવા માટે પણ ‘ટ્રાયમ્ફલ આર્ચ’ મુકાતી. પ્રવેશદ્વાર આગળ નેવ અને આઇલ્સની કુલ પહોળાઈ જેટલી પરસાળ મુકાતી જેને ‘નાર્થેક્સ’ કહે છે; તેની આગળ સામાન્ય રીતે સ્તંભમાળા રખાતી.
આ સ્તંભોમાં ઘણી વાર વચ્ચે કમાનોની રચના થતી. આગળ પ્રાંગણમાં બંને બાજુ કૉલનેડ કે આર્કેડ મુકાતાં. દશમી સદી પછી પ્રાંગણમાં વર્તુળ કે ચોરસ નકશાવાળો કૅમ્પેનાઇલ (ઘંટવાળો મિનાર) રચાતો.
બસિલિકૅની અંદરની દીવાલો આલંકારિક રહેતી, પણ બહારની દીવાલો સાદી જ રહેતી.
પૂર્વ યુરોપમાંથી મળતા બસિલિકૅના નમૂનાઓમાં ગ્રીસના થૅસ્સાલૉનિકા ખાતે આવેલ સેંટ ડિમેટ્રિયસનું ચર્ચ (પાંચમી સદી) શ્રેષ્ઠ ઉદાહરણ છે. પશ્ચિમ યુરોપમાં ઇટાલીના રાવેન્ના નગરમાં સેંટ એપૉલિનારે નુઓવો અને સેંટ એપૉલિનારે ક્લાસે છઠ્ઠી સદીની બસિલિકૅના શ્રેષ્ઠ નમૂનાઓ છે. પાંચમી સદી પછી પૂર્વ યુરોપમાં બસિલિકૅ પ્રકારનાં ચર્ચ બંધાવાં બંધ થયાં. હવે કેન્દ્ર-અભિસારી નકશા પ્રચલિત બન્યા. સમ્રાટ જસ્ટિનિયન પહેલાએ કૉન્સ્ટન્ટિનોપલ નગરમાં બંધાવેલ હેગાયા સોફિયા ચર્ચ તેનું શ્રેષ્ઠ ઉદારણ છે.
અમિતાભ મડિયા