બસાવન (સોળમી સદી) : ભારતમાંના મુઘલ રાજદરબારના ચિત્રકાર. પોતાનાં ચિત્રોમાં સુરુચિપૂર્ણ રંગઆયોજન અને માનવપ્રકૃતિના આલેખન માટે તેઓ પંકાયેલા છે. તેઓ ઉત્તર ભારતની આહીર જાતિના હતા. તેમનાં મોટાભાગનાં ચિત્રો 1580થી 1600 સુધીમાં સર્જાયાં હતાં. 100થી પણ વધુ મુઘલ ચિત્રોના હાંસિયામાં તેમનું નામ વાંચવા મળે છે. તેમણે અન્ય ચિત્રકારોના સહકાર વડે ઘણાં ચિત્રો સર્જ્યાં છે. મનોહર નામનો તેમનો પુત્ર વ્યક્તિચિત્રો અને પ્રાણીચિત્રોના સર્જન માટે ખ્યાતનામ હતો.
સમ્રાટ અકબરના ચરિત્રકાર અબુલફઝલે તેમના સંદર્ભમાં નોંધ્યું છે કે ‘વ્યક્તિચિત્રણા, રંગઆયોજન અને ચિત્રની ડિઝાઇનમાં તથા વાસ્તવના નિરૂપણમાં બસાવન પૂરી દુનિયામાં બિનહરીફ છે.’
ફારસી કવિ જામીની લાંબી કૃતિ ‘બહારેસ્તાન’ માટે બસાવને પ્રસંગચિત્રો (illustrations) કર્યાં છે. તેમાં એક મુસ્લિમ સંતને તેમના અહંકાર માટે ઠપકો આપતા મુલ્લાનું ચિત્ર ખૂબ જાણીતું છે. હાલ તે ઑક્સફર્ડની બૉડ્લિયન લાઇબ્રેરીમાં છે. આ ઉપરાંત ‘દારાબનામા’ માટે પણ તેમણે પ્રસંગચિત્રો કર્યાં છે. આ ચિત્રો હાલ બ્રિટિશ મ્યૂઝિયમમાં છે. આ ઉપરાંત જયપુરના ‘રાઝ્મનામા’માં (મહાભારત માટેનું ફારસી નામ), પટણાના ‘તિમુરનામા’માં તથા લંડનના ‘વિક્ટોરિયા ઍન્ડ આલ્બર્ટ મ્યૂઝિયમ’માં સંગૃહીત ‘અકબરનામા’(અકબરના સત્તાવાર જીવનચરિત્ર)માં તેમણે ઘણાં ચિત્રો કર્યાં છે. અકબરના દરબારમાં ખ્રિસ્તી મિશનરી જે યુરોપિયન ચિત્રો લાવતા તેનો બસાવને અભ્યાસ કર્યો હોય તેવું જણાય છે. તેમ છતાં યુરોપિયન અસરનો તેમની કલામાં અગ્રેસર પ્રભાવ રહ્યો ન હતો.
અમિતાભ મડિયા