બશીર બદ્ર (જ. 1935, અયોધ્યા, ઉત્તરપ્રદેશ) : ઉત્તરપ્રદેશના જાણીતા ઉર્દૂ ગઝલકાર. તેમને તેમના શ્રેષ્ઠ ગઝલસંગ્રહ ‘આસ’ માટે 1999ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો છે.
તેમણે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાંથી એમ.એ. તથા પીએચ.ડી.ની પદવી મેળવી અને અધ્યાપનક્ષેત્રમાં જોડાયા. તે પછી મેરઠ યુનિવર્સિટીમાંથી પ્રાધ્યાપકપદેથી સેવાનિવૃત્ત થયા. તેઓ હિંદી, ફારસી અને અંગ્રેજી ભાષાનું જ્ઞાન ધરાવે છે.
‘ઇકાઇ’, ‘ઇમેજ’, ‘આમદ’, ‘આસમાન’, ‘આહટ’, ‘કુલ્લિયાત’ અને ‘બશીર બદ્ર’ નામના તેમના 7 ગઝલસંગ્રહો પ્રગટ થયા છે. તેમનાં વિવેચનાત્મક પુસ્તકોમાં ‘આઝાદી કે બાદ ઉર્દૂ ગઝલ કા તન્કીદી મુતાલા’ તથા ‘વીસમી સદી મેં ગઝલ’નો સમાવેશ થાય છે. તેમનો ઉર્દૂ ગઝલોનો સંગ્રહ ‘ઉજાલે’ દેવનાગરી લિપિમાં પ્રગટ થયો છે. તેમની ગઝલોનું સંકલન ગુજરાતી લિપિમાં પણ પ્રગટ થયું છે. તેમની કૃતિઓના અંગ્રેજી તથા ફ્રેંચ ભાષામાં અનુવાદ થયા છે.

બશીર બદ્ર
તેમની આ સાહિત્યસેવા બદલ તેમને ઉત્તરપ્રદેશ ઉર્દૂ અકાદમી દ્વારા ચાર વખત પુરસ્કાર ઉપરાંત બિહાર ઉર્દૂ અકાદમી પુરસ્કાર, મીર અકાદમી પુરસ્કાર, પોએટ ઑવ્ ધી ઇયર 1989, ન્યૂયૉર્ક વગેરે સન્માનો આપવામાં આવ્યાં છે. તેમણે અમેરિકા, સંયુક્ત અરબ અમીરાત, દુબઈ, કતર અને પાકિસ્તાન વગેરે દેશોનો પ્રવાસ ખેડ્યો છે.
તેમની પુરસ્કૃત કૃતિ ‘આસ’ 69 ગઝલોનો સંગ્રહ છે. તે તેમના કાવ્ય-મુગુટનો મણિ ગણાય છે. તેમની ગઝલોમાં સ્પષ્ટ અને અપરિચિત, પ્રકટ અને પ્રચ્છન્નનું કલાત્મક મિશ્રણ જોવા મળે છે. ગઝલનું સ્વરૂપ, ભાષાની ચારુતા અને અભિવ્યક્તિની સુંદરતાને લીધે આ કૃતિ ઉર્દૂમાં લખેલી ભારતીય કવિતામાં મહત્વપૂર્ણ પ્રદાન લેખાય છે.
બળદેવભાઈ કનીજિયા