બળિયાનો રોગ (વનસ્પતિ) : વનસ્પતિ-પાકોમાં ઝેન્થોમોનાસ જીવાણુથી થતો રોગ. આ જીવાણુઓ પાકોનાં પાન અને ફળ પર આક્રમણ કરે છે. આક્રમણવાળા ભાગની પેશીઓના કોષો પાણીપોચા થાય છે, પીળા પડે છે અને ત્યાં ટપકાં થાય છે. કેટલાક પાકોમાં આક્રમિત ટપકાંવાળો ભાગ બેઠેલો કે ઊપસેલો જોવા મળે છે, જ્યારે લીંબુનાં પાન અને ફળ ઉપર ખરબચડાં ઊપસેલાં ટપકાં જોવા મળે છે. આ રોગને લીધે છોડ કે ઝાડ નબળાં પડે છે અને તેમની ફળની આવક ઘટે છે. ચાઠાંવાળાં બને છે. ફળની સપાટીના આક્રાન્ત ભાગમાંથી અન્ય વ્યાધિજન્યો સહેલાઈથી પ્રવેશ કરી ફળમાં સડો પેદા કરે છે અને તેથી ફળ ઝડપથી નકામું થઈ જાય છે.
લીંબુના પાકમાં બળિયાના જીવાણુઓ ડાળી, પાન અને ફળ ઉપર આક્રમણ કરી કથ્થાઈ રંગના ખરબચડા ઊપસેલા ડાઘા પડે છે. આવા ડાઘાના કદમાં વૃદ્ધિ થતાં અને ડાઘાનું પ્રમાણ વધતાં કેટલીક વાર આખી ડાળી, પાન અથવા ફળ સંપૂર્ણ રીતે ડાઘાઓથી છવાઈ જાય છે. આમ કુમળી ડાળી, પાન અને ફળ આ રોગનો ભોગ સહેલાઈથી બની જાય છે.
ચોમાસાનું વાદળવાળું તેમજ વરસાદની સતત હેલીવાળું વાતાવરણ આ રોગની વૃદ્ધિ અને ફેલાવા માટે ઘણું જ માફક આવે છે. ચોમાસું પૂરું થતાં જીવાણુઓ ડાળી-પાનમાં સુષુપ્ત અવસ્થામાં રહે છે. રોગનો ફેલાવો વરસાદ, કીટકો, પવન અને ફળ ઉતારવાના સાધન દ્વારા થાય છે. રોગિષ્ઠ ધરુ મારફત રોગ એક વિસ્તારમાંથી બીજા વિસ્તારમાં ફેલાય છે.
આ રોગપ્રેરક બળિયાના જીવાણુ ફળ અને ડાળી ઉપર બળિયા/શીતળાના જેવાં ઊપસેલાં ચાઠાં પેદા કરે છે.
આ બળિયાના રોગના નિયંત્રણ માટે લીંબુના પાકમાં, ફળ ઉતારી લીધા બાદ જૂની અને રોગિષ્ઠ ડાળીઓ શક્ય તેટલી કાપીને બાળી નખાય છે. વળી 500 પીપીએમ સ્ટ્રેપ્ટોમાયસિન સલ્ફેટ અથવા 3000 પીપીએમ બોર્ડોમિશ્રણનો ચોમાસાની શરૂઆતથી ડિસેમ્બર સુધી 5થી 7 વાર છંટકાવ 20થી 30 દિવસને આંતરે કરવાથી એ રોગ નિયંત્રણમાં રહે છે.
હિંમતસિંહ લાલસિંહ ચૌહાણ