બળવો : લશ્કરના અધિકારીઓ સામે તેમના તાબા હેઠળના એક અથવા વધુ માણસોએ પોકારેલ ખુલ્લંખુલ્લો વિદ્રોહ અથવા બંડ. ‘બળવો’ શબ્દનો ઉપયોગ ક્યારેક વ્યાપારી વહાણ પર મુસાફરી કરતા લોકોમાંથી કેટલાકે વહાણના ટંડેલ સામે કરેલા બંડ માટે અથવા જ્યાં ગુલામીની પ્રથાને કાયદા દ્વારા માન્યતા મળી હોય અથવા જ્યાં રૂઢિ દ્વારા તેનું અનુસરણ થતું હોય તેવાં રાજ્યોમાં ગુલામોએ કરેલા બંડ માટે પણ વપરાતો હોય છે. બળવો અને વિપ્લવ, બળવો અને રાજ્ય સામેનો વિદ્રોહ (rebellion), તથા બળવો અને રાજ્યક્રાંતિ (revolution) – આ ત્રણેયમાં જે તફાવત છે તે ધ્યાનમાં લેવાની જરૂર છે. બળવો એ એક અથવા થોડાક માણસોએ કરેલું બંડ હોય છે; રાજ્યવિદ્રોહ સામાન્ય રીતે સશસ્ત્ર બંડ હોય છે; જ્યારે રાજ્યક્રાંતિ સશસ્ત્ર અથવા રક્તહીન બંને પ્રકારની હોઈ શકે અને તેના હેતુઓ સામાન્ય રીતે પાયાના માળખાગત રાજકીય, આર્થિક અથવા સામાજિક પરિવર્તનો દાખલ કરવા સાથે સંબંધ ધરાવતા હોય છે. રાજ્યક્રાંતિ એ બળવો, વિદ્રોહ, રાજ્યવિદ્રોહ અને બગાવતનાં કૃત્યો કરતાં વધુ વ્યાપક સૂચિતાર્થ ધરાવતી પ્રક્રિયા હોય છે; દા.ત., ફ્રેન્ચ રાજ્યક્રાંતિ, રશિયામાં બૉલ્શેવિક પક્ષના નેજા હેઠળ 1917માં થયેલી રાજ્યક્રાંતિ, ચીનમાં માઓ-ત્સે-તુંગના નેજા હેઠળના સામ્યવાદી પક્ષે બીજા વિશ્વયુદ્ધ (1939–45) પછીના ગાળામાં ચાંગ–કાઇ–શેકના નેજા હેઠળના કાઉમિંગટાંગ પક્ષ સામે કરેલ સશસ્ત્ર ક્રાંતિ વગેરે. 1760–1830 દરમિયાન ઇંગ્લૅન્ડમાં અને ત્યારબાદ યુરોપના અન્ય દેશોનાં ક્રમશ: થયેલ આર્થિક પરિવર્તનો ‘ઔદ્યોગિક ક્રાંતિ’ના નામથી ઓળખાય છે, જે રક્તહીન પ્રક્રિયા હતી.
દરિયામાં પ્રવાસ કરતાં વહાણો પર જ્યારે બળવો કરવામાં આવે છે ત્યારે તે ગંભીર ગુનો ગણવામાં આવે છે; કારણ કે મધ્યદરિયામાંનાં વહાણોની સુરક્ષિતતા તેમાં મુસાફરી કરતા લોકોનાં શિસ્ત અને સંપૂર્ણ વફાદારીને અધીન હોય છે; તેથી આવા બળવા સામે કડકમાં કડક પગલાં લેવાની સત્તા વહાણના કૅપ્ટનને આપવામાં આવેલી હોય છે. વહાણ કિનારે આવે તે પૂર્વે, લશ્કરી અદાલતની રાહ જોયા વિના પણ બળવાખોરોને દેહાંતની શિક્ષા ફટકારવાની સત્તા વહાણના કૅપ્ટન પાસે હોય છે.
ભારતના ઇતિહાસમાં બળવાના જે કેટલાક કિસ્સાઓની નોંધ લેવામાં આવી છે તેમાં 1806–07માં દક્ષિણ ભારતમાં વેલોરમાં સિપાઈઓએ અંગ્રેજ અધિકારીઓ સામે કરેલ બળવો, 1824માં ભારતીય સૈનિકોએ અંગ્રેજો સામે બ્રહ્મદેશ જવાના આદેશ સામે કરેલ બળવો, 1855–56નો સંથાલનો બળવો, મેરઠ ખાતે 1857માં ભારતીય સૈનિકોએ બ્રિટિશ લશ્કરી અધિકારીઓ સામે મંગલ પાંડેના નેતૃત્વ હેઠળ પોકારેલ બંડ (જે પાછળથી ‘સ્વતંત્રતા માટેના યુદ્ધ’માં ફેરવાઈ ગયું હતું), ફેબ્રુઆરી 1946માં મુંબઈમાં ભારતીય નૌકાદળના સૈનિકોએ બ્રિટિશ સત્તાધીશો સામે કરેલ બળવો, વીસમી સદીના નવમા દાયકામા ઉત્તરપ્રદેશમાં પ્રોવિન્શિયલ આર્મ્ડ કૉન્સ્ટેબ્યૂલરી દ્વારા કરેલ બળવો તથા મુંબઈના પોલીસદળે શાસન સામે કરેલ બળવો વગેરે ઉલ્લેખનીય છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે