બલૂન : ગરમ હવા કે હલકા વાયુ ભરેલો આકાશમાં ઊડતો ગોળો (મોટો ફુગ્ગો). બલૂનની શોધ એ માનવીની કંઈક નવું કરવાની ઉત્કંઠાનું પરિણામ કહી શકાય. પક્ષીના ઉડ્ડયનની ક્ષમતા જોઈ તેને અનુસરવાની દિશામાં આ એક પગલું હતું.
ઈ. સ. 1783માં જોસેફ અને જૅક મૉન્ટ ગોલ્ફિયરે ફ્રાંસમાં પહેલું બલૂન બનાવ્યું. પહેલાં તેમણે કાગળની કોથળીમાં ધુમાડો ભર્યો, પછી જોયું કે ધુમાડાને કારણે કોથળી હવામાં ઊંચે ઊડે છે. પછી તેમણે 10.05 મીટર વ્યાસવાળી બૅગ બનાવી અને 4 જૂન 1783ના રોજ ઊન, લાકડાં અને ઘાસના અગ્નિથી થતો ધુમાડો તેમાં ભર્યો. પરિણામે આ કોથળી 1,828 મીટર ઊંચે સુધી ગઈ. તેમને એમ હતું કે તેમણે નવા વાયુની શોધ કરી છે. ખરી રીતે જોતાં તે ‘બલૂન’ ગરમીને લીધે ગરમ હવાથી ઉપર ગયું હતું.
ઈ. સ. 1766માં સાબિત થયું હતું કે હાઇડ્રોજન હવા કરતાં સાતગણો હલકો છે. ઈ.સ. 1783માં ઑગસ્ટની 27મીએ જે. એ. ચાર્લ્સ નામના પ્રોફેસરે મૉન્ટ ગોલ્ફિયર ટાઇપનું રેશમનું વાર્નિશ કરેલું કાપડ વાપરી બલૂન બનાવ્યું અને તેમાં હાઇડ્રોજન ગૅસ ભર્યો. તે 914 મીટર ઊંચે ગયું અને 45 મિનિટમાં 25 કિમી. જેટલે દૂર ગયું. એ પછી પ્રોફેસર ચાર્લ્સે તે જ વર્ષમાં ડિસેમ્બરમાં બીજું બલૂન બનાવ્યું (Lighter Than Air – LTA), જેમાં પણ હાઇડ્રોજન ગૅસ ભર્યો, પરંતુ આ વખતે પોતાના મિત્ર સાથે તેઓ બલૂનમાં ઊડ્યા.
હાઇડ્રોજન ગૅસ જ્વલનશીલ હોઈ તેનો ઉપયોગ ભયજનક બની શકે છે. આથી તટસ્થ વાયુ હીલિયમનો ઉપયોગ શરૂ થયો.
આ પછી તેમાં અનેક સુધારાવધારા થયા. તેમાંની હવા અથવા ગરમ વાયુનું નિયમન કરતા વાલ્વ મુકાયા, નીચે ઊતર્યા પછી દૂર સુધી ઘસડાય નહિ માટે તરત ખૂલી જાય તેવી ખાસ પૅનલો મુકાઈ, જેથી સંચાલક ઝડપથી હવા કાઢી બલૂનને સંકોચાવી શકે.
બલૂનનો ઉપયોગ રમત માટે, જાહેરાતો માટે, વૈજ્ઞાનિક સંશોધનો માટે તેમજ લડાઈમાં પણ થતો રહ્યો છે. બલૂન સહુથી વધુ 34,677 મીટર સુધીની ઊંચાઈ પર ગયાનું નોંધાયું છે. 1965માં દુનિયાનું સૌથી મોટું બલૂન અમેરિકામાં બન્યું, જેનું ઘનફળ 69.57 ઘનમીટર હતું. તે 41 કલાકમાં 43 કિમી. સુધી ઊંચે ગયેલું.
અમેરિકામાં બલૂનનો ઉપયોગ લાકડાંની હેરા-ફેરી કરવામાં સફળતાપૂર્વક થયો છે. આ ઉપરાંત હવામાન અને બ્રહ્માંડીય કિરણો(cosmic rays)ના સંશોધનક્ષેત્રે ઇસરો (ISRO) દ્વારા પણ તેનો વ્યાપક ઉપયોગ થાય છે.
પ્રકાશ રામચંદ્ર