બલીપીઠમ્ (1959) : તેલુગુ કૃતિ. સ્વાતંત્ર્યોત્તર કાળનાં તેલુગુ લેખિકા રંગનાથમ્માની સ્ત્રીઓની સમસ્યા અને પુરુષો સામેના વિદ્રોહનું એલાન કરતી આ નવલકથાને આંધ્રપ્રદેશની સરકાર તરફથી 1966માં પારિતોષિક માટે પસંદ કરવામાં આવી હતી. રંગનાથમ્મા પુરુષો સામે બંડ કરવા પ્રેરતી લેખિકા તરીકે જાણીતાં છે. એમની આ નવલકથામાં એક કન્યા આંતરજાતીય લગ્ન કરવા ઇચ્છે છે. તેના પર સમાજ અને એના કુટુંબીજનો કેવો ત્રાસ ગુજારે છે તેનું એમાં નિરૂપણ છે. આ કૃતિમાં નાયિકા એકલે હાથે સમાજ અને કુટુંબીઓની સામે બંડ કરીને એકાંતવાસમાંથી છટકી જાય છે અને સમાજથી ડરનારા અને નિશ્ચયબળમાં ઢીલા પડેલા પ્રણયીને વિદ્રોહ કરવા પ્રેરીને તેની સાથે રજિસ્ટર્ડ લગ્ન કરે છે તે દર્શાવ્યું છે. નાયિકા દ્વારા લેખિકાએ સ્ત્રીમાં રહેલી પ્રચ્છન્ન શક્તિનો પરિચય કરાવ્યો છે. આ નવલકથા પ્રગટ થયેલી ત્યારે એના પરત્વે રૂઢિવાદી વિવેચકોએ આકરી ટીકા કરેલી.
ચન્દ્રકાન્ત મહેતા