બર્વે, મનહર (જ. 20 ડિસેમ્બર 1910, મુંબઈ; અ. 26 મે 1972, મુંબઈ) : હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના અગ્રણી કલાકાર તથા પ્રચારક. પિતા ગણપતરાવ પોતે શાસ્ત્રીય સંગીતના જાણકાર હતા. તેમની પ્રેરણા અને પ્રોત્સાહનથી પુત્ર મનહરે બાળપણથી જ સંગીતનું અધ્યયન શરૂ કર્યું અને માત્ર 6 વર્ષની ઉંમરથી જ ખ્યાતિ પ્રાપ્ત કરવાની શરૂઆત કરી. કઠિન બંદિશોને સ્વરલિપિમાં ત્વરિત ઢાળવાનો કસબ તેમનામાં હતો.
તેઓ વીસ જેટલાં વાદ્યો કુશળતાથી વગાડતા હતા. શાસ્ત્રીય સંગીતના પ્રસાર-પ્રચાર માટે તેમણે ભારતના જુદા જુદા પ્રદેશોનું ભ્રમણ કર્યું હતું. આકાશવાણીનાં જુદાં જુદાં કેન્દ્રો પરથી તેમનું શાસ્ત્રીય ગાન પ્રસારિત થયું હતું. માર્ચ 1939માં મુંબઈના દાદર પરાવિસ્તારમાં તેમણે ‘મનહર સંગીત-વિદ્યાલય’ની સ્થાપના કરી હતી અને અવસાન સુધી તેઓ તેના સંચાલક રહ્યા હતા. આ વિદ્યાલયમાં કંઠ્યસંગીત ઉપરાંત વાદ્યસંગીતનું શિક્ષણ પણ અપાય છે. તેઓ ભારતીય સંગીત શિક્ષક સંઘના વર્ષો સુધી અધ્યક્ષ રહ્યા હતા.
શ્રીમતી સરોજિની નાયડુએ બાળપણમાં જ તેમને ‘બાલસ્વર-ભાસ્કર’ની ઉપાધિ આપી હતી. તેમના જીવનકાળ દરમિયાન તેમને અનેક સંગીતસંસ્થાઓ દ્વારા માનસન્માન, પદવીઓ અને પુરસ્કારો એનાયત થયાં હતાં.
તેમણે સ્થાપેલ ‘મનહર સંગીત વિદ્યાલય’માંથી દેશમાં યુવા-ગાયકો અને વાદકોની એક પેઢી તૈયાર થઈ હતી.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે